×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજાબ કોંગ્રેસમાં નવો ટ્વીસ્ટ, અંબિકા સોનીએ CM બનવા કર્યો ઈન્કાર, ધારાસભ્ય દળની બેઠક રદ્દ


- અંબિકા સોનીએ પાર્ટી હાઈ કમાન્ડને જણાવ્યું હતું કે, પંજાબમાં એક શીખ વ્યક્તિને જ મુખ્યમંત્રી બનાવવી જોઈએ કારણ કે, પંજાબમાં શીખ નહીં હોય તો પછી કોણ હશે? 

નવી દિલ્હી, તા. 19 સપ્ટેમ્બર, 2021, રવિવાર 

પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે છેલ્લા કેટલાય મહિનાથી ચાલી રહેલો સત્તા સંઘર્ષ આખરે અંતિમ ચરણ પર પહોંચ્યો અને ચૂંટણી પહેલા જ કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામુ આપવું પડ્યું છે. ત્યારે હવે કોંગ્રેસ રાજ્યમાં ચૂંટણી પહેલા કોને મુખ્યમંત્રી બનાવે છે તે જોવાનું રહ્યું. 

કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ પંજાબના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે સવાલ સૌને કોરી રહ્યો છે. રવિવારે સવારે વરિષ્ઠ કોંગ્રેસી નેતા અંબિકા સોનીનું નામ સીએમ પદ માટે ઉછળ્યું હતું પરંતુ થોડા સમયમાં જ એવા સમાચાર સામે આવ્યા કે, તેમણે પોતે જ આ પદ માટે ના પાડી દીધી છે. અંબિકા સોની પંજાબમાં શીખ ચહેરો જોવા માગે છે. આ બધા વચ્ચે રવિવારે યોજાનારી ધારાસભ્ય દળની બેઠક રદ થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના કહેવા પ્રમાણે તેઓ નવજોત સિંહ સિદ્ધુને મુખ્યમંત્રી બનાવવાના કોઈ પણ પ્રયત્નનો વિરોધ કરશે. 

પંજાબ કોંગ્રેસના મહાસચિવ પ્રગટ સિંહે ધારાસભ્ય દળની બેઠક રદ્દ થઈ હોવાની માહિતી આપી હતી. પાર્ટી હવે સૌથી પહેલા મુખ્યંમત્રી પદના નામ પર એકજૂથતા સાધવા પ્રયત્ન કરી રહી છે. અંબિકા સોનીએ પોતાના આ નિર્ણય પાછળ સ્વાસ્થ્યનું કારણ દર્શાવ્યું હતું. પાર્ટીના તમામ લોકોએ અંબિકા સોનીને વારંવાર મુખ્યમંત્રી પદ સંભાળવા માટે અને તેમના નામ માટે સરળતાથી સર્વસંમતિ બનશે તેમ જણાવ્યું હતું પરંતુ તેમણે એ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. અંબિકા સોની દિલ્હી જ છે અને તેઓ ચંદીગઢ નથી જઈ રહ્યા. 

અંબિકા સોનીએ પાર્ટી હાઈ કમાન્ડને જણાવ્યું હતું કે, પંજાબમાં એક શીખ વ્યક્તિને જ મુખ્યમંત્રી બનાવવી જોઈએ કારણ કે, પંજાબમાં શીખ નહીં હોય તો પછી કોણ હશે? તેમણે એવું પણ કહ્યું હતું કે, તેઓ પાર્ટીને લોયલ છે અને સન્માન કરે છે પરંતુ મુખ્યમંત્રી પદ નથી સંભાળવા માગતા.