×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજાબ કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ ચરમસીમાએઃ સિધ્ધુએ કહ્યુ કે, સીએમ રોજ જુઠ્ઠુ બોલે છે

નવી દિલ્હી,તા.21 જૂન 2021,સોમવાર

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલુ ઘમાસાણ અટકવાનુ નામ લઈ રહ્યુ નથી.આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક લડાઈ ચરમસીમાએ છે.

ખાસ તો પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ અને પૂર્વ મંત્રી તથા પૂર્વ ક્રિકેટર નવજોત સિધ્ધુ વચ્ચે મતભેદો વધારે ઘેરા બની રહ્યા છે. તાજેતરમાં સિધ્ધુએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે, કેપ્ટન અમરિન્દરસિંહ રોજ જુઠ્ઠુ બોલે છે. મારા રાજકીય જીવનનો હેતુ સિસ્ટમને બદલવાનો છે. પંજાબમાં બે શક્તિશાળા પરિવારો એક સિસ્ટમ ચલાવી રહ્યા છે. જે રાજ્યના હિતોને ખતમ કરી રહી છે. તેમણે બધુ પોતાના કંટ્રોલમાં લઈ લીધુ છે અને તેઓ એક બીજાનો બચાવ કરે છે. તેમણે રાજ્યને લૂંટયુ છે. મારી લડાઈ આ સિસ્ટમ સામે છે.

સિધ્ધુએ કહ્યુ હતુ કે, મેં કોંગ્રેસ જોઈન કરી ત્યારે 56 વિધાનસભા બેઠકો પર પ્રચાર કર્યો હતો. તેમાંથી 54 બેઠકો પર કોંગ્રેસ જીતી હતી. મેં સીએમને રાજ્યની આવક વધારવા માટે શરાબ નીતિ બદલવા માટે અને વધારાના પૈસાથી યુવકોને નોકરી આપવા માટે કહ્યુ હતુ. પણ સીએમે ઈનકાર કરી દીધો હતો. હવે રાજ્ય પરનુ દેવુ ચુકવવા રાજ્ય સરકાર બીજુ દેવુ કરી રહી છે. સરકાર માઈનિંગને સિસ્ટમમાં લાવવાની ના પાડે છે. તેનાથી પણ રાજ્યને મોટુ નુકસાન થઈ રહ્યુ છે. હજારો એકર જમીન પર ગેરકાયદે કબ્જા અંગે કરેલી રજૂઆત પર સરકાર ધ્યાન આપી રહી નથી.

સિધ્ધુએ કહ્યુ હતુ કે, આ સિસ્ટમે મને પણ કામ કરવા દીધુ નથી. પંજાબ ગીરવે મુકાઈ ગયુ છે. રોજ કેપ્ટન અમરિન્દરસિંહ જુઠ્ઠુ બોલે છે. સરકારમાંઅધિકારી, ધારાસભ્યો અને મંત્રીઓ લોકોને જવાબ આપવા બંધાયેલા છે. મારી લડાઈ વ્યક્તિગત નથી. કેપ્ટન મુદ્દાઓ પર વાત કરવા નથી માંગતા અને હું ડેપ્યુટી સીએમ બનવા માંગુ છું અને આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગુ છુ તેવી વાતો ઉડાવે છે પણ તેઓ કશું સાબિત કરી સક્યા નથી. ડ્રગ્સ, દેવા માફી, વીજળી ખરીદવા અંગેના શ્વેતપત્ર જેવા મુદ્દાઓ પર વાત કરવા નથી માંગતા.

સિધ્ધુએ આ મુદ્દાઓ પર તમે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે વાત કરી છે કે કેમ તે સવાલનો જવાબ આપવાનુ ટાળ્યુ હતુ અને કહ્યુ હતુ કે, હું તેનો જવાબ આપી શકું તેમ નથી.