×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજાબઃ અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા સૂદ જોડાઈ કોંગ્રેસમાં, મોગાથી લડી શકે છે ચૂંટણી


- સોનુએ ખુલાસો કર્યો હતો કે, તેમને 2 પાર્ટીઓ તરફથી રાજ્યસભાની સીટ ઓફર કરવામાં આવેલી પરંતુ તેમણે તે ઓફર ફગાવી દીધી

- ચૂંટણી પંચે 4 જાન્યુઆરીના રોજ સોનુ સૂદની પંજાબના સ્ટેટ આઈકોન તરીકેની નિયુક્તિ રદ્દ કરી દીધી હતી

નવી દિલ્હી, તા. 09 જાન્યુઆરી, 2022, રવિવાર 

ફિલ્મ અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા સૂદ સચ્ચર કોંગ્રેસમાં સામેલ થઈ ગઈ છે. તેણે શનિવારે મોડી સાંજે પાર્ટીની પ્રાથમિક સદસ્યતા મેળવી હતી અને એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, તે મોગા ખાતેથી ચૂંટણી લડી શકે છે. જોકે, આ અંગેની સત્તાવાર જાહેરાત સોમવારે જ કરવામાં આવે તેવી સંભાવના છે. 

છેલ્લા ઘણાં સમયથી સોનુ સૂદ રાજકારણમાં સક્રિય થશે તેવી ચર્ચા ચાલી રહી હતી. તેઓ મોગા ખાતે સમાજસેવાના અનેક કાર્યોમાં સહભાગી બની રહ્યા હતા. જોકે તેમણે પોતે રાજકારણમાં આવવાની મનાઈ કરીને પોતાની બહેનને આગળ કરી છે. 

સ્ટેટ આઈકોન તરીકે સોનુની નિયુક્તિ રદ્દ

ચૂંટણી પંચે અગાઉ પંજાબના સ્ટેટ આઈકોન તરીકે ફિલ્મ અભિનેતા સોનુ સૂદની નિયુક્તિને રદ્દ કરી દીધી હતી. ચૂંટણી પંચે એક વર્ષ પહેલા સોનુ સૂદને પંજાબનો આઈકોન બનાવ્યો હતો. પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી એસ કરૂણા રાજૂએ શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, ચૂંટણી પંચે 4 જાન્યુઆરીના રોજ સોનુ સૂદની પંજાબના સ્ટેટ આઈકોન તરીકેની નિયુક્તિ રદ્દ કરી દીધી હતી. 

રાજકારણમાં જોડાવાની અટકળોનો દોર

સોનુ સૂદે ગત વર્ષે નવેમ્બર મહિનામાં જ પોતાની બહેન રાજકારણમાં આવશે તેવી વાત કરી હતી પરંતુ તેમની પોતાના માટે આવી કોઈ જ યોજના નહોતી. પંજાબના મોગા જિલ્લા સાથે સંબંધ ધરાવનાર સોનુ સૂદ ગત વર્ષે કોવિડ લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોને તેમના ઘર સુધી પહોંચવામાં મદદ કરીને દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા. 

થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સોનુ સાથેની મુલાકાત બાદ તેઓ રાજકારણમાં ઉતરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યાર બાદ સોનુ સૂદે પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરી હતી કે, તેમની બહેન માલવિકા અને તેમનો પરિવાર થોડા દિવસોમાં જ ચૂંટણીની રણનીતિની સાથે પાર્ટીની જાહેરાત કરશે. 

સોનુએ ગત મહિને પંજાબના મુખ્યમંત્રી ચન્નીની મુલાકાત લીધી હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન સોનુએ ખુલાસો કર્યો હતો કે, તેમને 2 પાર્ટીઓ તરફથી રાજ્યસભાની સીટ ઓફર કરવામાં આવેલી પરંતુ તેમણે તે ઓફર ફગાવી દીધી.