×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજશીર જંગમાં તાલીબાન તરફથી ઉતર્યું પાકિસ્તાન, એરફોર્સે કર્યા ડ્રોન હુમલા


- પંજશીરમાં તાલિબાને જરૂરી વસ્તુઓનો સપ્લાય અટકાવી દીધો છે તેથી અમાનવીય સંકટ સર્જાયું અને આગળ પંજશીરમાં તાલિબાનના હાથે નરસંહારનું જોખમ 

નવી દિલ્હી, તા. 06 સપ્ટેમ્બર, 2021, સોમવાર

પંજશીર ઘાટીમાં કબજો જમાવવા માટે તમામ સંભવિત પ્રયત્નો કરી રહેલા તાલિબાનને હવે પાકિસ્તાનનો સાથ મળ્યો છે. જાણવા મળ્યા મુજબ પંજશીરમાં પાકિસ્તાની એરફોર્સના ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનના સામંગન પ્રાંતના પૂર્વ સાંસદ જિયા અરિયનજાદોએ આ વાત જણાવી છે. બીજી બાજુ તાલિબાન અને રેજિસ્ટેન્સ ફ્રન્ટ પોતપોતાના દાવા કરી રહ્યા છે. 

તાલિબાનના દાવા પ્રમાણે તેણે પંજશીર ઘાટી પર કંટ્રોલ કરી લીધો છે. જ્યારે પંજશીર રેજિસ્ટેન્સ ફ્રન્ટના દાવા પ્રમાણે હજુ પણ તેમનો જ કબજો છે. ઉલ્લેખનીય છે કે, હાલ પંજશીર પ્રાંતને છોડીને સમગ્ર અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો છે. તાલિબાન આ સપ્તાહ દરમિયાન અફઘાનિસ્તાનમાં સરકાર બનાવી શકે છે. 

પાકિસ્તાની ડ્રોન હુમલાની વાત સામંગન પ્રાંતના પૂર્વ સાંસદ જિયા અરિયનજાદોએ કરી હતી. તેમણે જણાવ્યું કે, 'પંજશીર પર પાકિસ્તાની વાયુસેનાના ડ્રોનની મદદથી બોમ્બમારો કરવામાં આવ્યો છે. તેમાં સ્માર્ટ બોમ્બ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.' આ બધા વચ્ચે સોમવારે પંજશીરમાં રેજિસ્ટેન્સ ફ્રન્ટે તાલિબાનને સીઝફાયરનો પ્રસ્તાવ પણ આપ્યો છે. જાણવા મળ્યા મુજબ સાલેહ હાલ અજ્ઞાત સ્થળે સુરક્ષિત છે. જ્યારે અસદ મહમૂદ છેલ્લા 3 દિવસથી તાઝિકિસ્તાનમાં છે. 

આ જંગમાં પંજશીર રેજિસ્ટેન્સ ફ્રન્ટ થોડું નબળું પડી રહેલું જણાઈ રહ્યું છે. રવિવારે ફ્રન્ટને ભારે મોટો ઝાટકો પણ લાગ્યો છે. જાણવા મળ્યા મુજબ તાલિબાન સાથેના જંગમાં રેજિસ્ટેન્સ ફ્રન્ટના પ્રવક્તા અને ઘાટીમાં તાલિબાન સાથે લડી રહેલા અહમદ મસૂદના અંગત એવા ફહીમ દશ્તીનું મોત થયું છે. 

અમરૂલ્લાહ સાલેહે લખ્યો UNને પત્ર

અફઘાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર (UN)ને પત્ર પણ લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પંજશીરમાં તાલિબાને જરૂરી વસ્તુઓનો સપ્લાય અટકાવી દીધો છે તેથી અમાનવીય સંકટ સર્જાયું છે. જો UN તેમની વાતોને નજરઅંદાજ કરશે તો પંજશીરમાં માનવીય તબાહી થઈ જશે. આગળ પંજશીરમાં તાલિબાનના હાથે નરસંહારનું જોખમ વ્યક્ત કરવામાં આવ્યું છે.