×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજશીરમાં લડાઈ તેજ બની, તાલિબાન અને નોર્ધન એલાયન્સ વચ્ચે અથડામણ, પુલ ઉડાવીને રસ્તો બંધ કરવા પ્રયત્ન


- સોમવારે રાતે પણ તાલિબાન અને નોર્ધન એલાયન્સના ફાઈટર્સ વચ્ચે ગોળીબાર થયો હતો. તે સમયે આશરે 7-8 તાલિબાની ફાઈટર્સ માર્યા ગયા હોવાના સમાચાર હતા.

નવી દિલ્હી, તા. 01 સપ્ટેમ્બર, 2021, બુધવાર

એક તરફ તાલિબાન સમગ્ર વિશ્વ સામે શાંતિથી અફઘાનિસ્તાનમાં સરકાર રચવાનો અને તેના સંચાલનનો દાવો કરી રહ્યું છે. પરંતુ બીજી બીજુ તાલિબાની ફાઈટર્સ સતત પંજશીર ક્ષેત્રોમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ મંગળવારે રાતે પણ તાલિબાને પંજશીરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો જ્યાં તેનો સામનો નોર્ધન એલાયન્સ (NA)ના ફાઈટર્સ સાથે થયો હતો. 

સ્થાનિક પત્રકાર નાતિક માલિકજાદા દ્વારા કરવામાં આવેલી ટ્વીટ પ્રમાણે અફઘાનિસ્તાનના પંજશીરના એન્ટ્રન્સ ખાતે ગુલબહાર વિસ્તારમાં તાલિબાની ફાઈટર્સ અને નોર્ધન એલાયન્સના ફાઈટર્સ વચ્ચે અથડામણ થઈ હતી. એટલું જ નહીં, તાલિબાને ત્યાં એક પુલ ઉડાવી દીધો હોવાના પણ સમાચાર છે. તે સિવાય અનેક ફાઈટર્સને ઝડપી લેવામાં આવ્યા છે. 

અગાઉ સોમવારે રાતે પણ તાલિબાન અને નોર્ધન એલાયન્સના ફાઈટર્સ વચ્ચે ગોળીબાર થયો હતો. તે સમયે આશરે 7-8 તાલિબાની ફાઈટર્સ માર્યા ગયા હોવાના સમાચાર હતા. ઉલ્લેખનીય છે કે, પંજશીર હજુ પણ તાલિબાનના કબજાથી દૂર છે. ત્યાં અહમદ મસૂદની આગેવાનીમાં નોર્ધન એલાયન્સ તાલિબાન વિરૂદ્ધ લડાઈ લડી રહ્યું છે. 

અહમદ મસૂદના પ્રવક્તા ફહીમ દશ્તીએ પણ તાલિબાન સાથે થયેલી લડાઈની પૃષ્ટિ કરી હતી. ફહીમના કહેવા પ્રમાણે સોમવારે રાતે પંજશીરમાં તાલિબાને હુમલો કર્યો હતો અને ઘૂસણખોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેને સફળતા નહોતી મળી. તાલિબાને પહેલેથી જ પંજશીર ક્ષેત્રમાં ઈન્ટરનેટ બંધ કરી દીધું છે. જોકે બાદમાં તેને ખોલી દેવામાં આવ્યું હતું. 

ઉલ્લેખનયી છે કે, 30 ઓગષ્ટના રોજ અમેરિકી સેનાએ કાબુલ એરપોર્ટ છોડી દીધું હતું. હવે અફઘાનિસ્તાન પર સંપૂર્ણપણે તાલિબાનનું રાજ છે. તાલિબાન ટૂંક સમયમાં જ અફઘાનિસ્તાનમાં નવી સરકાર બનાવશે. તાલિબાનના દિગ્ગજ નેતા કંધાર ખાતે ઉપસ્થિત છે અને ટૂંક સમયમાં જ તેઓ કાબુલ જઈ શકે છે. ત્યાર બાદ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થશે.