×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજશીરનો 60 % હિસ્સો હજુ અમારા પાસે, મસૂદ અફઘાનિસ્તાનમાં જ છે- NRFનો દાવો


- જે રીતે દુનિયાએ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા માનવીય સંકટ વખતે પોતાની આંખો બંધ કરી લીધી છે તે ખૂબ જ નિરાશાજનક

નવી દિલ્હી, તા. 09 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની સરકાર બનાવી લીધી છે અને શાસન કરવા તરફ આગળ વધ્યું છે. જોકે તેને પંજશીરમાં હજુ પણ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. નોર્ધન એલાયન્સના પ્રમુખ અહમદ મસૂદના પ્રવક્તા અલી નજારીએ આ બધા વચ્ચે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, પંજશીરના 60 ટકા વિસ્તાર પર હજુ પણ નોર્ધન એલાયન્સનું જ નિયંત્રણ છે અને તેઓ તાલિબાનની પહોંચથી દૂર છે. 

નેશનલ રેજિસ્ટેન્સ ફોર્સ (એનઆરએફ)ના અલી મૈસમ નજારીએ જણાવ્યું કે, અહમદ મસૂદ અને અમરૂલ્લાહ સાલેહ હાલ અફઘાનિસ્તાનમાં જ છે. તેઓ પોતાના વિસ્તારમાં છે અને લોકોની સાથે છે, કોઈને પણ દગો નહીં આપવામાં આવે. આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કારણ કે, થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે, અહમદ મસૂદ હાલ તાઝિકિસ્તાનમાં છે પરંતુ હવે તેમના પ્રવક્તાઓએ તેઓ વતનમાં જ હોવાનું સ્પષ્ટ કરી દીધું છે. 

તાલિબાનને સરહદ પારથી સમર્થન

અલી નજારીએ સ્પષ્ટ કર્યું કે, પંજશીર પર હજું તાલિબાનનો કબજો નથી અને 60 ટકા પંજશીર હાલ તેમના પાસે જ છે. તાલિબાને સિંહની ગુફામાં પગ મુક્યો છે અને તેની કિંમત ચુકવવી જ પડશે. એનઆરએફના પ્રવક્તાએ તાલિબાનને સરહદ પાર (પાકિસ્તાન)નું સમર્થન મળી રહ્યું હોવાની પણ સ્પષ્ટતા કરી હતી. 

અફઘાનિસ્તાન મુદ્દે સમગ્ર વિશ્વના વલણને લઈ અલી નજારીએ જણાવ્યું કે, જે રીતે દુનિયાએ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા માનવીય સંકટ વખતે પોતાની આંખો બંધ કરી લીધી છે તે ખૂબ જ નિરાશાજનક છે. 

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા તાલિબાને એવો દાવો કર્યો હતો કે, તેણે પંજશીર પર કબજો મેળવી લીધો છે. ત્યાં લાંબા સમય સુધી તાલિબાન અને નોર્ધન એલાયન્સ વચ્ચે વાતચીત ચાલુ રહી અને ત્યાર બાદ અથડામણ પણ થઈ. પંજશીર પર કબજાના દાવા બાદ તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની વચગાળાની સરકારની રચના કરી. તાલિબાને 33 કેબિનેટ મંત્રીઓ સાથે પોતાની સરકાર બનાવી દીધી છે પરંતુ કાબુલ સહિત વિવિધ શહેરોમાં તેના વિરૂદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે.