×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ન્યૂયોર્કના મેટ્રો સ્ટેશન પર હુમલો, હાઈએલર્ટ જાહેર


- બ્રુકલીનમાં સ્ટેશન પર ગેસમાસ્ક પહેરી હુમલાખોરનો અંધાધૂંધ ગોળીબારમાં 10ને ગોળી વાગી

- સ્મોક બોમ્બ નાંખી ગોળીબાર કરનાર હુમલાખોરનો સ્કેચ જાહેર કરાયો, ઘટનામાં કુલ 16 ઘાયલ, સબવેના કેટલાક રૂટ બંધ કરાયા

ન્યૂયોર્ક : ન્યૂયોર્કના બ્રુકલિનમાં એક મેટ્રો સ્ટેશન પર મંગળવારે સવારે એક હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરતાં ૧૦ લોકોને ગોળી વાગતા નાસભાગ મચી ગઈ હતી. જોકે, આ હુમલામાં કોઈ જાનહાની થઈ નથી તેમ ન્યૂયોર્ક પોલીસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટનાને પગલે હાઈએલર્ટ જાહેર કરાઈ હતી. પ્રારંભિક અહેવાલોમાં આ આતંકી હુમલો હોવાનું અને સ્ટેશન પર વિસ્ફોટક સામગ્રી જણાવાયું હતું. જોકે, પાછળથી એનવાયપીડીના અધિકારીએ કહ્યું કે સ્ટેશન પર કોઈ વિસ્ફોટક ડિવાઈસ મળી આવી નથી. જોકે, પોલીસ ગેસ માસ્ક અને બંડી પહેરેલા હુમલાખોરને શોધે છે. પોલીસે હુમલાખોરનો સ્કેચ જાહેર કર્યો હતો.

ન્યૂયોર્કના ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ફાયર વિભાગને સનસેટ પાર્ક પાસે ૩૬ સ્ટ્રીટ સ્ટેશનથી ધૂમાડો નિકળતો હોવાની માહિતી મળી હતી. તેમણે ઉમેર્યું કે, ઘટનાસ્થળ પર ૧૦ લોકોને ગોળી વાગી હતી જ્યારે નાસભાગના કારણે ૧૬થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. પોલીસ સૂત્રોેએ જણાવ્યું કે, પ્રારંભિક તપાસ મુજબ શકમંદ હુમલાખોર કન્સ્ટ્રક્શન કામ સંબંધિત ડ્રેસમાં હતો. પોલીસ તેને શોધી રહી છે. જોકે, પોલીસે આ ઘટના અંગે વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું. પોલીસે આ આતંકી ઘટના હોવાનો ઈનકાર કર્યો હતો.

ગોળીબારની ઘટનાના પગલે ૩૬મા મેટ્રો સ્ટેશન પર સનસેટ પાર્કથી ડી, એન અને આર લાઈનો બંધ કરાઈ છે. વ્હાઈટ હાઉસના સચિવ જેન સાકીએ જણાવ્યું હતું કે, આ ઘટના અંગે અમેરિકન પ્રમુખ બાઈડેનને માહિતી અપાઈ છે. વ્હાઈટ હાઉસના વરિષ્ઠ કર્મચારીઓ કોઈપણ પ્રકારની મદદ માટે ન્યૂયોર્કના મેયર તથા પોલીસના સંપર્કમાં છે. 

ન્યૂયોર્ક પોલીસે જણાવ્યું કે તેમને સ્ટેશનમાં ગોળીબાર અથવા વિસ્ફોટના પગલે અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા લોકોને સલાહ આપી હતી. પોલીસ વિભાગ મુજબ હાલ ઘટનાસ્થળેથી કોઈ સક્રિય વિસ્ફોટક મળી આવ્યો નથી.

પોલીસે આ ઘટના નજરે જોનારા લોકોને વધુ માહિતી પૂરી પાડવા વિનંતી કરી છે. પોલીસે કહ્યું કે, બ્રુકલિન મેટ્રો સ્ટેશનમાં એક વ્યક્તિ એક ઉપકરણ ફેંકતા જોવા મળી હતી. ત્યાર પછી અંધાધૂંધ ગોળીબાર શરૂ થયો હતો. અહેવાલો મુજબ ૩૬ સ્ટ્રીટ સ્ટેશન પર મેટ્રો ટ્રેન પહોંચતા દરવાજો ખૂલતા જ ધૂમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ ઘટના નજરે જોનારી એક વ્યક્તિએ કહ્યું કે, મારો મેટ્રોનો દરવાજો અચાનક ખૂલી ગયો. ચારે બાજુથી લોહી અને ધૂમાડો ફેલાઈ ગયા હતા અને લોકો બૂમાબૂમ તેમજ નાસભાગ કરી રહ્યા હતા.

ન્યૂયોર્ક પોલીસ વિભાગના કમિશનર કીચન્ટ સેવેલે જણાવ્યું હતું કે, ગેસ માસ્ક પહેરેલી એક વ્યક્તિએ એક ડબ્બો ખોલીને મેટ્રો સ્ટેશન પર ધૂમાડો કરી દીધો હતો. ત્યાર પછી ગોળીબાર કર્યો હતો, જેમાં અનેક લોકોને ઈજા થઈ હતી. શકમંદ હુમલાખોર સ્ટેશન પર ટ્રેન કારમાં આવ્યો હતો. હુમલાખોર એક અશ્વેત માણસ હતો. તેણે કન્સ્ટ્રક્શનમાં પહેરાતી હોય તેવું જાકીટ અને ગ્રે હૂડી પહેર્યા હતા. પોલીસને હજુ સુધી હુમલાનું કારણ જણાયું નથી. ન્યૂયોર્કના ગવર્નરે કહ્યું હતું કે, હુમલાખોર ઘટનાસ્થળેથી ભાગી ગયો હોવાથી આ એક એક્ટિવ શૂટર પરિસ્થિતિ છે. પોલીસ હુમલાખોરને શોધી રહી છે.

મેટ્રોનું સંચાલન કરી રહેલી મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીના કર્મચારીઓ બુ્રકલિન શૂટિંગ પછી મેનહટ્ટન સબવે ની તપાસ કરાઈ રહી છે. ગોળીબારની ઘટનાના પગલે બ્રુકલીન વિસ્તારમાં હાઈએલર્ટ જાહેર કરાઈ છે. આજુબાજુની સ્કૂલોમાં લોકડાઉન લાગુ કરી દેવાયું છે.

ન્યૂયોર્કમાં એક વર્ષમાં દરરોજ સરેરાશ ગોળીબારની એક ઘટના 

ન્યૂયોર્કના બ્રુકલીન ખાતે ગોળીબારની ઘટનાએ ચકચાર જગાવી દીધી છે. જોકે, ન્યૂયોર્ક પોલીસ વિભાગ (એનવાયપીડી)ના એક અહેવાલ મુજબ ન્યૂયોર્કમાં સરેરાશ દરરોજ ગોળીબારની એક ઘટના બને છે. એક વર્ષમાં ગોળીબારની ૩૨૨ ઘટનાઓમાં ૩૬૦થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. શહેરમાં ગોળીબારની ઘટનાઓ આ વર્ષે ૮.૪ ટકા વધીને ૩૨૨ થઈ હતી. ગયા વર્ષે શહેરમાં ૨૯૭ ઘટના નોંધાઈ હતી. આ ઘટનાઓમાં ઈજાગ્રસ્તોની સંખ્યા વર્ષ ૨૦૨૦માં ૩૩૨થી વધીને ૨૦૨૧માં ૩૬૩ થઈ હતી. છેલ્લા બે વર્ષમાં ન્યૂયોર્કમાં ગોળીબારની ઘટનાઓમાં ૭૨.૨ ટકા અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં ૭૦.૪ ટકાનો વધારો થયો છે.