×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈએ કરી શાદી, ટ્વિટર પર શેર કરી તસવીરો


- આ વર્ષની શરૂઆતમાં ફરી એક વખત તાલિબાને મલાલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

નવી દિલ્હી, તા. 10 નવેમ્બર, 2021, બુધવાર

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈએ મંગળવારે પોતાની શાદી અંગે જાણકારી આપી હતી. મલાલાએ ટ્વિટર દ્વારા પોતાની શાદીની તસવીરો પણ શેર કરી હતી. આ સાથે જ મલાલાએ કેપ્શનમાં લખ્યું હતું કે, 'આજનો દિવસ મારા જીવનમાં એક અણમોલ દિવસ છે. અસર અને હું આજીવન માટે શાદીના બંધનમાં બંધાઈ ગયા છીએ. અમે બર્મિંગહામ ખાતે અમારા પરિવારો સાથે ઘરે એક નાનો નિકાહ સમારંભ આયોજિત કર્યો. મહેરબાની કરીને અમને તમારી શુભેચ્છાઓ પાઠવો. અમે એક સાથે જીવન વીતાવવા માટે ઉત્સાહિત છીએ.'

24 વર્ષીય મલાલા યુસુફઝઈ છોકરીઓના શિક્ષણ માટે ઘણું કામ કરી ચુકેલી પાકિસ્તાની કાર્યકર છે. તે ઈતિહાસની સૌથી નાની ઉંમરની નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા છે. 2012ના વર્ષમાં મલાલાએ જ્યારે છોકરીઓ માટે શિક્ષણના મૂળ અધિકારની વકીલાત કરી ત્યારે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં તાલિબાન દ્વારા તેને માથામાં ગોળી મારવામાં આવી હતી અને ત્યારે તેને વૈશ્વિક ઓળખ મળી હતી. તે માત્ર 16 વર્ષની હતી જ્યારે તેણે સંયુક્ત રાષ્ટ્ર (યુએન) મુખ્યાલયમાં શિક્ષણમાં લૈંગિક સમાનતાની આવશ્યકતા અંગે ભાષણ આપેલું. 

આ વર્ષની શરૂઆતમાં ફરી એક વખત તાલિબાને મલાલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાસ વાત એ છે કે, આ ધમકી એ આતંકવાદીએ જ આપેલી જેણે 9 વર્ષ પહેલા મલાલાને ગોળી મારી હતી. તાલિબાની આતંકવાદીએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'આ વખતે ભૂલ નહીં થાય.' જોકે બાદમાં ટ્વિટર દ્વારા તે આતંકવાદીનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું હતું.