×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નોટબંધીને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 2 જાન્યુઆરીએ ચુકાદો સંભળાવશે

નવી દિલ્હી, તા.22 ડિસેમ્બર-2022, ગુરુવાર

વર્ષ 2016માં નોટબંધીને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ બીજી જાન્યુઆરીએ ચુકાદો સંભળાવશે. જસ્ટિસ અબ્દુલ નઝીરની અધ્યક્ષતા હેઠળની સુપ્રીમની બંધારણીય બેંચ આ ચુકાદો સંભળાવશે. નોટબંધીના ચુકાદાને લઈને બંધારણીય બેંચના 5 જજો વચ્ચે એકમત છે. જસ્ટિસ બી.આર.ગવઈ તમામ જજો વતી આ કેસ અંગે ચુકાદો આપશે. ઉલ્લેખનિય છે કે, જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરની અધ્યક્ષતા હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે આ કેસની સુનાવણી કર્યા બાદ સાતમી ડિસેમ્બર-2022ના રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. નોટબંધીના નિર્ણયને સુપ્રીમમાં પડકારતી કુલ 58 અરજી દાખલ કરાઈ હતી.

અગાઉ 7 ડિસેમ્બરે આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમે કોર્ટે કેન્દ્ર અને RBIને નિર્દેશ અપાયો હતો કે, વર્ષ 2016માં રૂપિયા 1000 અને રૂપિયા 500ની નોટોને બંધ કરવાના સરકારના નિર્ણયને લગતા સંબંધિત રેકોર્ડ રજૂ કરે. જસ્ટિસ નઝીરની અધ્યક્ષતા હેઠળની 5 જજોની બંધારણીય બેન્ચે કેન્દ્ર સરકારના વર્ષ 2016ના નિર્ણયને પડકારતી અરજીઓ પર એટર્ની જનરલ આર વેંકટરામણી, RBIના વકીલ અને અરજદારોના વકીલની દલીલો સાંભળી હતી અને પોતાના આદેશને અનામત રાખ્યો હતો. અરજદારોના વકીલોમાં વરિષ્ઠ વકીલ પી.ચિદમ્બરમ અને શ્યામ દિવાનનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે પક્ષકારોને 10મી ડિસેમ્બર સુધીમાં લેખિતમાં દલીલો દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ બેન્ચે કહ્યું હતું કે, આ મામલે દલીલો સંભળાઈ હતી. આ કેસ અંગેનો ચુકાદો અનામત રાખ્યો છે. કેન્દ્ર સરકાર અને RBIના કાઉન્સેલને સંબંધિત રેકોર્ડ્સ રજૂ કરવા માટે નિર્દેશિત કરવામાં આવે છે.