×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નેહરુ મેમોરિયલ વિવાદ : શશી થરુરે PMની કરી પ્રશંસા, કહ્યું ‘તેમનો વિચાર વખાણવા લાયક પણ…’

નવી દિલ્હી, તા.16 ઓગસ્ટ-2023, બુધવાર

દિલ્હીમાં તીન મૂર્તિ માર્ગ પર સ્થિત ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સત્તાવાર નિવાસસ્થાનની અંદર આવેલા નેહરુ મેમોરિયલ સંગ્રહાલય અને પુસ્તકાલયનું નામ બદલી પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય કરાતા વિપક્ષો સરકાર પર સતત પ્રહારો કરી રહી છે, ત્યારે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે વડાપ્રધાન મોદીના ‘પ્રધાનમંત્રી સંગ્રહાલય’ બનાવવાના વિચારની પ્રશંસા કરી છે, જોકે તેમણે સરકાર પર કટાક્ષ પણ કર્યો છે.

શશી થરૂરે અફસોસ સાથે પીએમના આઈડિયાની પ્રશંસા કરી

શશી થરૂરે નેહરુ મેમોરિયલ સંગ્રહાલય અને પુસ્તકાલયનું નામ બદલીને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય કરવા પર કહ્યું કે, તે અફસોસની વાત છે કે, આ નોબત આવી... તેમણે પીએમના આઈડિયાની પ્રશંસા કરતા કહ્યું કે, અગાઉના તમામ વડાપ્રધાનોના નામો દર્શાવવા માટે એક પ્રધાનમંત્રી સંગ્રહાલય બનાવવાનો વિચાર વખાણવા લાયક છે.

નામ બદલવાનો નિર્ણય ઐતિહાસિક ભૂતકાળ પ્રત્યેની કડવાશ

કોંગ્રેસ સાંસદ શશી થરૂરે વધુમાં કહ્યું કે, વિચારો તો સારા છે, પરંતુ નેહરુ મેમોરિયલનું નામ બદલવાની આ પ્રક્રિયા માત્ર નાની હરકત છે. તેમણે કહ્યું કે, જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન હતા, તેઓ અત્યાર સુધીમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહ્યા છે, તેમનું નામ હટાવવું નાની વાત છે. જો સરકાર ઈચ્છે તો તેનું નામ નેહરુ મેમોરિયલ પ્રધાનમંત્રી સંગ્રહાલય જ રહેવા દેતી... આ હરકત દુર્ભાગ્યપૂર્ણ છે. ઉપરાંત આ નિર્ણય આપણા ઐતિહાસિક ભૂતકાળ પ્રત્યે કડવાશને દર્શાવે છે. મારું માનવું છે કે, આ સરકાર સારી બહુમતીને લાયક નથી.

નેહરુના મૃત્યુ બાદ સરકારોએ પુસ્તકાલય બનાવ્યું

નેહરુ મેમોરિયલ સંગ્રહાલય અને પુસ્તકાલય દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું નિવાસસ્થાન છે. તેઓ આ ઘરમાં રહેતા હતા. વડાપ્રધાન બન્યા બાદ નેહરુ તેમના અંતિમ શ્વાસ સુધી આ ઘરમાં રહ્યા હતા. તેમના મૃત્યુ બાદ સરકારોએ નિવાસસ્થાનમાં એક પુસ્તકાલય બનાવ્યું, જેમાં દેશના પત્રકારો, લેખકો અને સંશોધન વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તે હવે કેન્દ્રની મોદી સરકારે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલીને વડાપ્રધાન મ્યુઝિયમ અને સોસાયટી કરી દીધું છે.

કેન્દ્ર સરકારે કેમ બદલ્યું નામ ?

જ્યારે નામ બદલવાનો નિર્ણય કરાયો ત્યારે સરકારે દાવો કર્યો હતો કે, દેશના દરેક વડાપ્રધાનોનું યોગદાન અને માહિતી મુકી શકાય તે હેતુથી આ મ્યૂઝિયમનું નામ બદલવામાં આવ્યું છે. ઉપરાંત સ્વતંત્ર ભારતમાં લોકતંત્રની સામૂહિક યાત્રા એટલે કે દરેક સરકારોની જાણકારી પણ આપી શકાય. આ મ્યૂઝિયમમાં આવેલી લાઇબ્રેરીને પણ આધુનિક બનાવવામાં આવી છે. આ સંગ્રહાલયમાં શરૂઆતમાં જ જવાહરલાલ નેહરુના જીવનની બધી જાણકારી આપવામાં આવી છે. જેને પણ અપડેટ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં તીન મૂર્તી પરિસરમાં દેશના દરેક વડાપ્રધાનના યોગદાનની જાણકારી આપવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. 

નામ બદલવા મુદ્દે કોંગ્રેસે સરકાર પર સાધ્યું નિશાન

કોંગ્રેસે નામ બદલવાના સરકારના નિર્ણય પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જેમનો કોઈ ઈતિહાસ નથી તેઓ અન્યોનો ઈતિહાસ હટાવવા નિકળી પડયા છે. નામ બદલી નાખવાથી આધુનિક ભારતના શિલ્પકાર અને લોકતંત્રના પ્રહરી પંડિત જવાહરલાલ નેહરુના વ્યક્તિત્વને ઘટાડી ના શકાય, તેમનું કદ નાનુ નહીં થઈ જાય. નામ બદલવાના અને તેમાંથી નેહરુનું નામ કાઢી નાખવાના આ નિર્ણયથી માત્રને માત્ર ભાજપ-આરએસએસની ટૂંકી માનસિકતા બહાર આવી રહી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, બદલો અને નાર્સિસિઝમનું બીજુ નામ નરેન્દ્ર મોદી છે. છેલ્લા 59 વર્ષથી આ નેહરુ સંગ્રહાલય અને લાઇબ્રેરી એક વૈશ્વિક બૌદ્ધિક ઐતિહાસિક સ્થળ અને પુસ્તકો તેમજ અભિલેખોનું ખજાના ઘર રહ્યું છે.