×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નેપાળે છોડ્યું પાણી, યુપી-બિહારના અનેક ગામ ડૂબ્યા, રેડ એલર્ટ જાહેર


- બાલ્મિકીનગરમાં સિંચાઈ માટે ગંડક નદી પર બનાવવામાં આવેલા બેરેજના તમામ 36 ફાટક ખોલવા પડ્યા

નવી દિલ્હી, તા. 17 જૂન, 2021, ગુરૂવાર

ભારે વરસાદ બાદ નેપાળ દ્વારા વિપુલ પ્રમાણમાં પાણી છોડવામાં આવતા યુપી-બિહારના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને અનેક જિલ્લાઓમાં પ્રશાસને રેડ એલર્ટ જાહેર કર્યું છે. યુપીના મહરાજગંજ ખાતે છેલ્લા 3 દિવસથી ચોમાસુ વરસાદે જિલ્લામાં પૂરનો પ્રકોપ વર્તવાનું શરૂ કરી દીધું છે. આ બધા વચ્ચે નેપાળે બુધવારે મોટી ગંડક નદીમાં 4 લાખ 12 હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરી દીધું જેથી બાલ્મિકીનગરમાં સિંચાઈ માટે ગંડક નદી પર બનાવવામાં આવેલા બેરેજના તમામ 36 ફાટક ખોલવા પડ્યા.

ગંડક નદી ખૂબ જ ઝડપથી જોખમના નિશાન તરફ વધી રહી છે જેને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગે પૂર વિભાગને હાઈ એલર્ટ આપી દીધું છે. નેપાળથી નીકળતી રોહિણી નદી પણ બુધવારે જોખમના નિશાનને પાર કરી ગઈ હતી. ચંદન નદી, બિયાસ નદી અને પહાડી ચેનલ મહાવ પણ ડેન્જર લેવલ ઉપર વહી રહ્યા છે. મહાવ અને ઝરહી નદીમાં પૂરના કારણે 4-4 જગ્યાએ તટબંધ તૂટી ગયા છે. તેના કારણે ભારતીય સીમાવર્તી ઠૂઠીબારી અને બરગદવા ક્ષેત્રના અનેક ગામોમાં પાણી ભરાયા છે. ખૈરહવા ગામનો સંપર્ક માર્ગ પૂરના કારણે કપાઈ ગયો છે. 

તિબેટના ધૌલાગિરિથી નીકળેલી ગંડક નદી નેપાળના ત્રિવેણીથી ભારતીય સરહદે યુપીના મહરાજગંજમાં પ્રવેશ કર્યા બાદ બિહાર જાય છે. આ નદીમાં 365.30 ફૂટે જોખમનું નિશાન આવે છે. બુધવારે મોટી ગંડકનું જળ સ્તર 360.60 ફૂટે રેકોર્ડ કરી ગયું હતું. રાપ્તી નદી પણ જોખમના નિશાનથી આશરે 2 મીટર નીચે છે. બુધવારે બેલસડ-રિગૌલી બાંધ પર રાપ્તી નદીમાં 78.30 મીટર પાણીનો ગેજ હતો. આ જોખમનું તળ 80.30 મીટર છે.