×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નેતાઓ ટીમ શિંદેમાં આવતા એનો વાંધો નહીં પણ BJPમાં જોડાતાં જ રોષ


- બાવનકુલેના અમરાવતીના આગામી સાંસદ અને બડનેરાના આગામી ધારાસભ્ય ભાજપના હશે નિવેદનનો વિરોધ

મુંબઈ, તા. 09 સપ્ટેમ્બર, 2022, શુક્રવાર

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા 1-2 મહિના દરમિયાન ભારે મોટી ઉથલ-પાથલ જોવા મળી છે. એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને ભારે મોટો ઝાટકો આપીને પ્રદેશની ગાદી આંચકી લીધી છે. એકનાથ શિંદેને શિવસેનાના 40 ધારાસભ્યો, 10 અપક્ષ અને 12 સાંસદોનો પણ સાથ મળ્યો છે. તે સિવાય શિવસેનાના અનેક પદાધિકારીઓ પણ ટીમ શિંદેમાં સામેલ થયા છે. હજુ પણ અનેક નેતાઓનો શિવસેના છોડવાનો સિલસિલો ચાલુ જ છે. જોકે હવે તેમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. 

ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડનારા મોટા ભાગના નેતાઓ ટીમ શિંદેમાં જોડાઈ રહ્યા હતા પરંતુ હવે તેમને ભાજપમાં જોડાવા સામે પણ કોઈ જ વાંધો નથી. ભાજપ દ્વારા પણ તેમનું ખુલ્લા દિલે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જોકે ભાજપના આ પગલાંથી ટીમ શિંદેના અનેક નેતાઓ અસહજતા અનુભવી રહ્યા છે. 

જાણો અમરાવતીમાં શું બન્યું

અમરાવતી જિલ્લાના ઉદ્ધવ ઠાકરેની ટીમના શિવસેનાના વર્તમાન જિલ્લાધ્યક્ષ રાજેશ વાનખેડે ગુરૂવારે ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે જ અમરાવતી જિલ્લા પરિષદના સદસ્ય, પંચાયત સમિતિના સદસ્ય અને કેટલાક પૂર્વ નગરસેવક પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. 

ભાજપ-શિવસેનામાં વિવાદ

થોડા દિવસ પહેલા અમરાવતીમાં બાવનકુલેના નિવેદન મામલે પણ ભાજપ-શિવસેના વચ્ચે વિવાદ જાગ્યો હતો. બાવનકુલેએ સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણા પણ ભાજપમાં જોડાઈ શકે છે તેવા સંકેત આપ્યા હતા. તેમણે એટલે સુધી કહી દીધું હતું કે, અમરાવતીના આગામી સાંસદ અને બડનેરાના આગામી ધારાસભ્ય ભાજપના હશે. ટીમ શિંદેમાં જોડાયેલા શિવસેનાના નેતા આનંદરાવ અડસુલ પણ બાવનકુલેના આ નિવેદનથી રોષે ભરાયા છે. 

આનંદરાવ અડસુલે કહ્યું હતું કે, જો રાજ્યમાં ગઠબંધન જાળવી રાખવું હોય તો ભાજપે સંયમપૂર્વક બોલવું જોઈએ. વધુમાં તેમણે અમરાવતી બુલઢાણા શિવસેનાના મતક્ષેત્રો છે માટે ભાજપના ધારાસભ્ય અને સાંસદનો દાવો કરવામાં આવે તે ખોટું હોવાની લાગણી દર્શાવી હતી. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, 'બાવનકુલેએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે સરકારમાં અમે તેમના સાથે છીએ.' તેમણે પોતે દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ બાવનકુલેના નિવેદનની ફરિયાદ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.