×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નીતીશ-તેજસ્વીએ કેજરીવાલ સાથે કરી મુલાકાત, વટહુકમ મામલે સમર્થન આપતા ભાજપ નેતાઓએ આપી તીખી પ્રતિક્રિયા

નવી દિલ્હી, તા.21 મે-2023, રવિવાર

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રી સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ દિલ્હીના ભાજપના નેતાઓએ કેજરીવાલ પર જોરદાર પ્રહારો શરૂ કરી દીધા છે. મનોજ તિવારીએ કેજરીવાલને ટાર્ગેટ કરતા કહ્યું કે, અરવિંદ કેજરીવાલે તુટેલી ચપ્પલ પહેરીને દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું અને ઘણા નેતાઓેને ભ્રષ્ટાચાર કહેતા હતા. તે સમય દરમિયાન કેજરીવાલ શરદ પવાર, કપિલ સિબ્બલ, લાલુ યાદવ, ફારૂક અબ્દુલ્લા... આ તમામની વિરુદ્ધ હતા. જોકે આજે કેજરીવાલ આ સૌને મળી રહ્યા છે. બંને નેતાઓને મુલાકાત પર કટાક્ષ કરતા મનોજ તિવારીએ કહ્યું કે, મને નીતીશ પર દયા આવી રહી છે. તેમણે કહ્યું કે, જે લોકો અરવિંદ કેજરીવાલની નજીક છે, તેમનું કદ ઘટ્યું છે.

કોઈપણ CMનો આવો વ્યવહાર જોયો નથી

બીજી તરફ ભાજપ સાંસદ ડૉક્ટર હર્ષ વર્ધને પણ આપ નેતાઓને લઈ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મેં ચાર જુદા-જુદા મુખ્યમંત્રીઓનો કાર્યકાળ જોયો છે. જોકે કોઈપણ મુખ્યમંત્રીઓના આવો વ્યવહાર જોયો નથી. 8 મોટા ઓફિસરોએ ઉપરાજ્યપાલને લખીને કહ્યું કે, તેમને દિલ્હી સરકાર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે.

ખુબ શરમની વાત છે...

ઉપરાંત ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ પણ કેજરીવાલ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, હાલના સમયમાં દિલ્હીની હાસ્યાસ્પદ સ્થિતિ છે. માત્ર 2 કરોડ પ્રજાની જ નહીં, પરંતુ અહીં ઈન્ટરનેશનલ ગતિવિધિઓ પણ થાય છે. તેમણે કહ્યું કે, ભારતની રાજધાની દિલ્હી છે અને દેશની છબી ખરાબ ન થાય તે માટે વટહુકમ લવાયો છે. આવી સ્થિતિમાં જો સાંસદો રાજ્યસભામાં વટહુકમનો વિરોધ કરશે તો ખુબ જ શરમની વાત છે.

નીતીશે કેજરીવાલનું કર્યું સમર્થન

ઉલ્લેખનિય છે કે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. નીતીશ કુમારે સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા લવાયેલા વટહુકમ મામલે કેજરીવાલનું સમર્થન કર્યું હતું. નીતીશ કુમારે કહ્યું કે, કોર્ટ દ્વારા ચૂંટાયેલી સરકારને અપાયેલા અધિકારોની વિરુદ્ધ કેન્દ્ર સરકાર ગેરકાયદેસર કામ કરી રહી છે.

કેજરીવાલ સાથે તેજસ્વી યાદવની પણ મુલાકાત

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત દરમિયાન નીતીશકુમારની સાથે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ ઉપસ્થિત હતા. આ દરમિયાન તેજસ્વી યાદવે કહ્યું કે, જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં ભાજપ બિન-ભાજપ શાસિત રાજ્યોને હેરાન કરી રહી છે. નીતીશ કુમારે કેજરીવાલના વખાણ કરતા કહ્યું કે, તેઓ સારુ કામ કરી રહ્યા છે અને અધ્યાદેશ મામલે અમે તેમનું સમર્થન કરી રહ્યા છે.

તમામ લોકો એક થાય

નીતીશ કુમારે કહ્યું કે, આ લોકોને બંધારણને આમ-તેમ કરવાથી રોકવા તમામ લોકોએ એક થવું જોઈએ. અમે શક્ય તેટલા વિપક્ષી દળોને સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને સાથે મળીને દેશભરમાં પ્રચાર કરીશું. લોકોમાં વિવાદ ઉભો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેને રોકવો જોઈએ, જેથી દેશ આગળ વધી શકે. અમે કેજરીવાલની સાથે છીએ. સમગ્ર મામલે કેજરીવાલ જે કહી રહ્યા છે, તેઓ બરાબર કરી રહ્યા છે.

વટહુકમ સામે અખીલેશ યાદવે પણ ઉઠાવ્યો વાંધો

વટહુકમ મામલે અખીલશ યાદવે પણ ટ્વિટ કરીને કહ્યું કે, દિલ્હીનો વટહુકમ ન્યાયતંત્રનું અપમાન છે. આ ભાજપની નકારાત્મક રાજનીતિનું પરિણામ છે અને લોકશાહી-અન્યાયનું પણ... ભાજપ જાણે છે કે લોકસભા ચૂંટણીમાં દિલ્હીની તમામ સીટો પર તેનો પરાજય થશે, તેથી જનતા પાસે અગાઉથી જ બદલો લઈ રહી છે. આ વટહુકમના નામે જનાદેશની હત્યા છે.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દિલ્હીના અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગ માટે કેન્દ્ર સરકાર વટહુકમ લાવી હતી. આ વટહુકમ દ્વારા કેન્દ્રએ ટ્રાન્સફર અને પોસ્ટિંગની સત્તા ઉપરાજ્યપાલને આપી છે. આ વટહુકમ દ્વારા કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય રાજધાની સિવિલ સેવા સત્તાની સ્થાપના કરશે, જે દિલ્હીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ અને તકેદારીનું કામ કરશે અને તેમાં 3 સભ્યો સામેલ હશે. આ સભ્યોમાં દિલ્હીના મુખ્યમંત્રી ઉપરાંત મુખ્ય સચિવ અને ગૃહ સચિવ પણ સામેલ હશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ સમિતિ બહુમતીના આધારે અધિકારીઓની બદલી અને પોસ્ટિંગનો નિર્ણય કરશે, પરંતુ અંતિમ નિર્ણય ઉપરાજ્યપાલ કરશે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું ?

ઉલ્લેખનિય છે કે, ગત અઠવાડિયે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દિલ્હી સરકારને દિલ્હી અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ સહિતની સર્વિસેઝની બાબતોનો અધિકાર છે.