×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નિષ્ણાતોનો દાવોઃ આયુષ-64 દવા કોરોનામાં કારગર નથી, 16 ડૉક્ટર્સની ટીમે કર્યો અભ્યાસ


- અગાઉ હાઈડ્રોક્સીક્લોરોક્વીન, આઈવરમેક્ટિન, સ્ટેરાયડ યુક્ત દવાઓ, રેમડેસિવિર, પ્લાઝ્મા અને કોવેક્સિન પરીક્ષણમાં પણ અલગ અલગ વૈજ્ઞાનિક દાવાઓ સામે આવેલા

નવી દિલ્હી, તા. 20 ઓગષ્ટ, 2021, શુક્રવાર

કોરોના મહામારીના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને દેશના દરેક જિલ્લામાં આયુષ-64 દવા વહેંચવામાં આવે છે. આ દવાને લઈ સરકાર રાષ્ટ્રીય સ્તરે અભિયાન પણ ચલાવી રહી છે પરંતુ મેડિકલ અભ્યાસમાં એક અલગ જ તસવીર સામે આવી છે. 

જોધપુર ખાતે આવેલી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એઈમ્સ) અને જયપુર ખાતેની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદના 16 ડૉક્ટર્સની ટીમને આ દવા અસરહીન જણાઈ છે. મેડિકલ જર્નલ મેડરેક્સિવમાં આ અભ્યાસ પ્રકાશિત કરવામાં આવેલો અને તે મુજબ અલગ-અલગ દર્દીઓના સમૂહ પરના મેડિકલ અભ્યાસમાં આયુષ-64 થી કોઈ મહત્વપૂર્ણ લાભ નથી મળેલો. 

તેમના મતે મોટા સ્તરે દવાનું પરીક્ષણ થાય તે ખૂબ જરૂરી છે. જ્યારે કેન્દ્ર સરકારને જ આધીન આયુષ મંત્રાલય, સીએસઆઈઆર સહિતની અન્ય સંસ્થાઓ આ દવા લાભકારી હોવાનો દાવો કરી ચુકી છે. અગાઉ હાઈડ્રોક્સીક્લોરોક્વીન, આઈવરમેક્ટિન, સ્ટેરાયડ યુક્ત દવાઓ, રેમડેસિવિર, પ્લાઝ્મા અને કોવેક્સિન પરીક્ષણમાં પણ અલગ અલગ વૈજ્ઞાનિક દાવાઓ સામે આવેલા છે. 

શું છે આયુષ-64

વર્ષ 1980માં મેલેરિયાનો સામનો કરવા માટે જડીબુટ્ટીઓમાંથી તૈયાર કરવામાં આવેલી આયુષ-64ને કોરોના વાયરસની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે. ગત 29 એપ્રિલના રોજ આયુષ મંત્રાલયે આ દવાના ક્લીનિકલ પરીક્ષણના પરિણામ સાર્વજનિક કર્યા હતા જેમાં કહ્યું હતું કે, આ દવા વાયરસ સામે લડવામાં સક્ષમ હોવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.