×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ના હોય! સામાન્ય દેખાતા વ્યક્તિની બેગમાંથી પોલીસને અધધધ 1.5 કરોડ રોકડા મળ્યા

Image : Pixaybay

અમદાવાદ, 12 માર્ચ 2023, રવિવાર

ઉત્તર પ્રદેશના પંડિત દીનદયાળ જંક્શન પર GRPએ બ્રહ્મપુત્રા મેઇલમાંથી ઉતરેલા એક મુસાફરની તપાસ કરતા તેની ટ્રોલી બેગમાંથી રૂ. 1.5 કરોડ રોકડ મળી આવ્યા હતા. એકસાથે આટલા પૈસા મળતા આશ્ચર્યમાં મુકાયેલા GRPએ તરત જ તેમના ઉચ્ચ અધિકારીઓ અને આવકવેરા અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિએ જણાવ્યું કે દિલ્હીના એક જ્વેલરે તેને કોલકાતામાં એક વ્યક્તિને પહોંચાડવા માટે આ રુપિયા આપ્યા હતા. આ રૂપિયા ચાઈનીઝ કોડના આધારે કોલકાતામાં પહોંચાડવાના હતા.

ટ્રોલી બેગમાં 500 અને 2000ના બંડલ નીકળ્યા હતા

આ મામલાની વિગત પ્રમાણે RPF અને GRPની ટીમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન પર નિયમિત ચેકિંગ કરી રહી હતી. આ ચેકિંગ દરમિયાન દિલ્હીથી ગુવાહાટી જઈ રહેલી બ્રહ્મપુત્રા મેલમાંથી એક વ્યક્તિ ટ્રેનમાંથી સ્ટેશન પર ઉતર્યો હતો. પોલીસે શંકાના આધારે વ્યક્તિની પૂછપરછ કરી અને તેની સાથે હાજર ટ્રોલી બેગની તલાશી લીધી તો પોલીસ આશ્ચર્યમાં પડી ગઈ હતી. સાધારાણ દેખાતા આ વ્યક્તિ પાસેની ટ્રોલી બેગમાં 500 અને 2000ના બંડલ નીકળ્યા હતા. GRPના જવાનો તેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ રમેશ દાસ હોવાનું જણાવ્યું હતું.

યુવક બેગ લઈને હાવડા જઈ રહ્યો હતો

રમેશે પોલીસને જણાવ્યું કે 1.5 કરોડ રૂપિયાની રોકડવાળી બેગ દિલ્હીના સોના-ચાંદીના વેપારી આશિષ અગ્રવાલની છે. આ બેગ હાવડા પહોંચાડવાની હતી. જે વ્યક્તિને આ ડિલિવરી થવાની હતી તેને હાવડા જંકશન પર મળવાનો હતો. રમેશે કોલ્ડ ડ્રિંકનું ઓપનર હતું તેવું જ ઓપનર હાવડામાં હાજર વ્યક્તિ પાસે પણ હતું અને આ બંને ઓપનરને મેચ કર્યા બાદ ટ્રોલી બેગ તે વ્યક્તિને સોંપવાની હતી.