×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ના હોય! લાલુ યાદવના નજીકનાઓને ત્યાં ઈડીના દરોડામાં આટલા રોકડા, સોનું-ચાંદી, ડોલર મળ્યા

image : Twitter


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ શુક્રવારે લેન્ડ ફોર જોબ સ્કેમ(જમીનના બદલામાં નોકરી કૌભાંડ) મામલે લાલુ યાદવ, તેમના પુત્ર તેજસ્વી યાદવ અને ત્રણ પુત્રીઓ સહિત અન્ય ઘણા નજીકના લોકોના દિલ્હી-એનસીઆર, પટણા, રાંચી અને મુંબઈમાં કુલ 24 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જ્યાંથી 53 લાખ રોકડા, 1,900 અમેરિકી ડૉલર, 540 ગ્રામ સોનાની લગડી, 1.5 કિલો સોનાના દાગીના અને મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા હતા.

કોને-કોને ત્યાં પડ્યા દરોડા 

આ દરોડા રાગિણી યાદવ, ચંદા યાદવ, હેમા યાદવ, નવદીપ સરદાના, પ્રવીણ જૈન, સૈયદ અબુ દોજાના, એકે ઇન્ફોસિસ્ટમ્સ, બ્રહ્મા સિટી પ્રાઇવેટ લિમિટેડ, એલિટ લેન્ડબેઝ, વ્હાઇટલેન્ડ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ અને મેરિડિયન કન્સ્ટ્રક્શન પર પાડવામાં આવ્યા હતા. 

ઈડીએ નક્કર પુરાવા મળ્યાનો કર્યો દાવો 

નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગના નક્કર પુરાવા મળ્યા હોવાનો ઈડીએ દાવો કર્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 2004 થી 2009 વચ્ચે લાલુના રેલ્વે મંત્રીના કાર્યકાળ દરમિયાન ઘણા લોકોને ગ્રુપ ડીની નોકરીઓ મળી હતી. બદલામાં તેમની જમીનો લાલુના પરિવારના સભ્યો અને એકે ઇન્ફોસિસ્ટમ્સ કંપનીના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી. લાલુની બે પુત્રીઓ રાગિણી અને ચંદા આ કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર છે. હેમા યાદવને કૌભાંડ સંબંધિત બે પ્લોટ અલગથી મળ્યા હતા.

સસ્તા પ્લોટ લઈ કરોડોમાં વેચવામાં આવ્યાનો દાવો 

અધિકારીએ કહ્યું કે આ કૌભાંડમાં થયેલી ગેરકાયદેસર કમાણીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 7.5 લાખ રૂપિયામાં ખરીદેલા ચાર પ્લોટ મેરિડિયન કન્સ્ટ્રક્શનને 3.5 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા હતા. મેરિડિયન કન્સ્ટ્રક્શન એ પૂર્વ આરજેડી ધારાસભ્ય સૈયદ અબુ દોજાનાની કંપની છે. ઈડીના અધિકારીના જણાવ્યા અનુસાર તેજસ્વી અને પરિવારના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે રાબડી દેવી અને હેમામાંથી પહોંચેલા 3.5 કરોડ રૂપિયાના પુરાવા મળ્યા છે.

દિલ્હીમાં ઈડીના દરોડા દરમિયાન તેજસ્વી પણ હાજર હતા

ઈડીના અધિકારીએ કહ્યું કે એકે ઈન્ફોસિસ્ટમ્સ લાલુના પરિવારની કંપની છે. તેમની બે દીકરીઓ તેમાં ડિરેક્ટર રહી ચૂકી છે. આ કંપની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં જે સરનામે રજીસ્ટર છે તેનો ઉપયોગ તેજસ્વી દિલ્હીમાં રહેઠાણ તરીકે કરે છે. દરોડા દરમિયાન આ ઘરમાં તેની હાજરીથી તેની પુષ્ટિ થાય છે.

લાલુ યાદવે ટ્વિટ કરી કર્યા પ્રહાર 

આ દરમિયાન લાલુ યાદવે એક ટ્વિટ કરીને મોદી સરકાર સામે નિશાન તાક્યું હતું. તેમણે ટ્વિટમાં લખ્યું કે અમે ઈમરજન્સીનો કાળો દોર પણ જોયો છે. અમે તે લડાઈ પણ લડી હતી. પુરાવાવગરની બદલાની કાર્યવાહીમાં આજે મારી દીકરીઓ, નાના-નાના નાતી-પોતા, ગર્ભવતી પુત્રવધુને ભાજપના લોકોએ ૧૫ કલાકથી વધુ સમય સુધી બેસાડી રાખ્યા. શું ભાજપ એટલી હદે નીચલા સ્તરે પહોંચીને અમારી સાથે રાજકીય લડાઈ લડશે?