×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નાસાએ પ્રથમવાર મંગળ પર હેલિકોપ્ટર સહિતનું યાન ઉતાર્યું : જીવનની શોધ કરશે

 

(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 19 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

નાસાનું લેટેસ્ટ મંગળ મિશન માર્સ-2020 હેઠળ મોકલાયેલા સ્પેસક્રાફ્ટ પર્સિવરન્સ ને મંગળની ધરતી પર ઉતરવામાં સફળતા મળી છે. 2020ની 30મી જુલાઈએ આ યાન રવાના કરાયું હતું. 203 દિવસમાં 47.2 કરોડ કિલોમીટરની સફર કરીને યાન મંગળ પર પહોંચ્યું હતું. 18મી ફેબુ્રઆરીએ અમેરિકાના સમય પ્રમાણે 3:55 વાગ્યે મિશન મંગળ પર ઉતર્યું હતું.

મંગળના વાતાવરણમાં પહોંચ્યા પછી મંગળ પર ઉતરાણની સાત મિનિટ સૌથી કઠીન હતી. સદ્ભાગ્યે એ સાત મિનિટ દરમિયાન યાને સ્થિરતા જાળવી રાખી હતી અને મંગળની ધરતી પર સલામતીપૂર્વક ઉતર્યું હતું. કોઈ પણ પરગ્રહ પર યાન ઉતરતી વખતે ગ્રહ-ઉપગ્રહના ગુરૂત્વાકર્ષણમાં ખેેંચાઈ જવાનો ભય રહેતો હોય છે. માટે ઉતરાણ એ સૌથી મુશ્કેલ તબક્કો છે. ભારતનું ચંદ્રયાન-2 પણ ચંદ્ર પર ઉતરાણ વખતે જ તૂટી પડયું હતું.

નાસા એ અગાઉ મંગળ પર આઠ મિશન મોકલ્યા છે, આ નવમું મિશન છે. આ પહેલા નાસાએ 2018માં ઈન્સાઈટ મંગળ પર ઉતાર્યું હતું. મંગળ પર ઉતરાણનું કન્ફર્મેશન નાસાના ભારતીય મૂળના વિજ્ઞાાની સ્વાતી મોહને આપી હતી. પર્સિવરન્સ (અર્થ : ધિરજ) નાસાનું આ 1026 કિલોગ્રામ વજનનું અત્યાર સુધીનું સૌથી મોટું અને આધુનિક મિશન છે. 

કેમ કે મંગળ પર લેન્ડર-રોવર એટલે કે લેન્ડ થઈ હરી-ફરી (રોવર) શકે એવા યાન તો નાસાએ અગાઉ ઘણા મોકલ્યા છે. પણ આ યાન સાથે નાનકડું હેલિકોપ્ટર મોકલાયું છે. 'ઈન્જિન્યૂટી' (અર્થ : ચતુરાઈ) હેલિકોપ્ટર કોઈ અન્ય ગ્રહ પર ઉડનારૂં પ્રથમ વાહન બનશે. ધરતી પરથી એ માઈક્રો હેલિકોપ્ટરનું સંચાલન પણ અઘરૂં છે. આ મિશન 25 મહિના કાર્યરત રહેશે. 

નાસાના આ મિશનનો મૂળ ઉદ્દેશ મંગળ પર જીવનની શોધ કરવાનો છે. અત્યારે મંગળ ભેંકાર ગ્રહ છે અને તેના પર જીવન શક્ય નથી. પરંતુ ભૂતકાળમાં જીવન હતું કે કેમ એ તપાસવા માટે તેની માટીની ઉલટ તપાસ કરવી પડે. એ કામ પર્સિવરન્સના વિવિધ ઉપકરણો કરશે. ભવિષ્યમાં નાસા અને અન્ય ખાનગી કંપનીઓ સમાનવ મંગળ પ્રવાસની તૈયારી કરી રહી છે.

તેમના માટેની જાણકારી પણ આ યાન એકઠી કરી ધરતી પર મોકલશે. મંગળ પરના વિવિધ ભાગોને નામ આપી રખાયા છે. આ યાન જેઝારો ક્રેટર નામના વિસ્તારમાં ઉતર્યું છે. 3.5 અબજ વર્ષ પહેલા મંગળ પર નદીઓ અને જળાશયો હતા. જેઝારો પણ એવુ એક જળાશય છે એટલે તેની તપાસ મહત્ત્વની છે.

સેમ્પલ પરત લાવવા માટેની તૈયારી

નાસાનો ઈરાદો આ દાયકો પુરો થાય એ પહેલા મંગળની ધરતીના સેમ્પલ મેળવવાનો છે. એ માટે મંગળ પર જઈ અને આવી પણ શકે એવું મિશન પ્લાન કરવું પડે. એ ટેકનોલોજીની દૃષ્ટિએ મોટો પડકાર છે.

અત્યારે મંગળ પર જવાની ટેકનોલોજીમાં સફળતા મળી છે. પરત આવવાનો રસ્તો કંડારવાનો બાકી છે. પણ પર્સિવરન્સના ઉપકરણો મંગળની માટીને કેપ્સ્યુલમાં ભરી રાખશે. એ કેપ્સ્યુલને મુકી દેશે. ભવિષ્યનું કોઈ મિશન એ કેપ્સ્યુલ ધરતી પર લઈ આવશે એવું નાસાનું આયોજન છે.

ગુજરાતી-ભારતીય વિજ્ઞાનીઓનો મહત્ત્વપૂર્ણ રોલ

આ મિશનમાં નાસાના ગુજરાતી મૂળના, ભારતીય મૂળના વિજ્ઞાાનીઓનો રોલ મહત્ત્વનો રહ્યો હતો. ભારતીય મૂળના વિજ્ઞાાની સ્વાતી મોહને મંગળ પર મિશન સફળતાપૂર્વક ઉતર્યાની સૌથી પહેલી જાહેરાત કરી હતી. કેમ કે તેઓ યાનનું લેન્ડિંગ, નેવિગેશન, વગેરે કામગીરીની ટીમના લિડર છે.

ડૉ. સ્વાતી એક વર્ષના હતા ત્યારથી જ અમેરિકામાં છે. નાસા સાથેની કારકિર્દીમાં તેમણે અગાઉ શનિ પર મોકલાયેલા કાસિની યાનમાં પણ આવી કામગીરી કરી હતી. સ્વાતી મોહને કામગીરી કરતી વખતે કપાળમાં નાની બિંદી ચોંટાડી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ એ વાતનું પણ ગૌરવ લીધું હતું.

ગુજરાતી મૂળના ફ્લાઈટ એન્જિનિયર યોગીતા શાહ નાસામાં 20 વર્ષથી કામ કરે છે. તેઓ ફ્લાઈટ સિસ્ટમ એન્જિનિયર છે. ગુજરાતમાં મૂળિયા ધરાવતા અને મહારાષ્ટ્રમાં જન્મી અમેરિકા સ્થિર થયેલા યોગીતાએ યાનની રચનામાં મહત્ત્વની કામગીરી કરી હતી. મંગળ પર કેવું મિશન જોઈશે તેની ડિઝાઈન કરનારી ટીમમાં તેઓ હતા.