×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નાશિકની હોસ્પિટલમાં ઓક્સિજન લિકેજથી કોરોનાનાં 24 દર્દીનાં તરફડીને મોત


- ઓક્સિજન હોવા છતાં ઓક્સિજનની અછતથી મૃત્યુની કરૂણાંતિકા

- ડૉ.ઝાકીર હુસૈન હોસ્પિટલમાં દુર્ઘટના : કુલ 150 પૈકી 23 દર્દી વેન્ટિલેટર પર હતા 

મુંબઈ : મહારાષ્ટ્રમાં લૉકડાઉન છતાં કોરોનાના દર્દીની સંખ્યામાં સતત થઈ રહેલા વધારાથી ચિંતાનું વાતાવરણ છે અને ઓક્સિજનની અછતથી પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. આવા સમયે નાશિકમાં મહાનગર પાલિકાની હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજ થતાં કોરોનાના ૨૪ દર્દીનાં મોત નીપજ્યાં છે. મૃતકમાં મહિલાનો સમાવેશ છે. મૃતકની સંખ્યા વધી શકે છે. આ ઘટનાથી હતપ્રભ મૃતકોના પરિવારજનોએ ભારે આક્રોશ વ્યક્ત કરતા આ ઘટના માટે જવાબદાર દોષીતો સામે કડક કાર્યવાહીની માગણી કરી હતી.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રત્યેક મૃતક દર્દીના પરિવારને પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી અને સંપૂર્ણ બનાવની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. બીજી તરફ હોસ્પિટલમાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

નાશિકમાં મહાનગરપાલિકાની ડૉ. ઝાકીર હુસેન હોસ્પિટલમાં આશરે ૧૫૦ દર્દી સારવાર માટે દાખલ હતા. જ્યારે ૨૩ દર્દી વેન્ટિલેટર પર હતા. હોસ્પિટલમાં બુધવારે સવારે ઓક્સિજનની મોટી ટાંકીનો કૉક બગડી જતાં ગેસ લીક થઈ રહ્યો હતો. આથી તેને રિપેર કરવાનું કામ હાથ ધરાયું ંહતું. દરમિયાન કૉક સંપૂર્ણપણે તૂટી જતાં મોટા પ્રમાણમાં ઓક્સિજન લીક થવા લાગ્યું હતું. પરિણામે હોસ્પિટલમાં ઓક્સિજન પરના દર્દીઓને ઓક્સિજન ન મળતાં એક પછી એક દર્દી મૃત્યુ પામવા લાગ્યા હતા. આ બનાવથી હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી. દર્દીના પરિવારજનો, સંબંધીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. હોસ્પિટલમાં લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી.

આથી અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસ ઉપરાંત નાશિક મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા અધિકારી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં અંદાજે બે કલાકની ભારે જહેમત બાદ ઓક્સિજનનો પૂરવઠો રાબેતા મુજબ શરૂ થયો હતો. દરમિયાન કેટલાક દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ભદ્રકાલી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પવારે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે 'હોસ્પિટલમાં આજે બપોરે અંદાજે ૧૨ વાગ્યે ઓક્સિજન લીક થતાં કોરોનાના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. આ મામલાની પોલીસે ઝીણવટભરી તપાસ હાથધરી છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, એકબાજુ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં કોરોનાની સામે લડાઈ ચાલુ છે. ઓક્સિજન, દવા, હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા. જેને લીધે દર્દીની હાલત કફોડી બની ગઈ છે. ત્યાં નાશિક મહાનગરપાલિકાની હોસ્પિટલમાં બનેલી આ ઘટના માટે દુ:ખ વ્યક્ત કરવા મારી પાસે શબ્દ નથી.

મૃતકના પરિવારને કેવી રીતે સાંત્વના આપુ? તેમના આંસુ કેવી રીતે રોકી શકું? આ બનાવ માટે જવાબદાર લોકોને માફ કરવામાં નહીં આવે. આ ઘટનાને લઈને રાજકારણ કરવામાં ન આવે. આ ઘટનાથી સંપૂર્ણ મહારાષ્ટ્ર આઘાતમાં છે.

દેશભરમાં હાહાકાર મચાવનારી આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શોકની લાગણી વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પણ આ બનાવની ઝીણવટભરી તપાસ કરાશે એમ કહ્યું હતું.

નાશિકના પાલકમંત્રી છગન ભુજબળ અને તમામ અધિકારી મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં છે, એમ આદિત્ય ઠાકરેએ કહ્યું હતું. નાશિકની હોસ્પિટલમાં નિર્દોષ કોરોનાના દર્દીના મોતની જાણ થતા ઘણુ દુ:ખ થયું છે. અન્ય દર્દી જલ્દી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરું છું, એમ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ જણાવ્યું હતું.

રાજ્યમાં ડૉક્ટર, નર્સ, પૅરામેડિક્લ સ્ટાફ સંપર્ક આરોગ્ય વિભાગ કોરોનાના દર્દીનો જીવ બચાવવા ઘણા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આવી દુર્ઘના બને છે. આ બનાવની ઉચ્ચસ્તરીય તપાસ કરી દોષીને શિક્ષા આપવામાં આવશે. ફરી આવી ઘટના ન બને માટે જરૂરી દેખરેખ રાખવામાં આવશે. રાજ્યમાં તમામ હોસ્પિટલમાં ઓક્સિજન પુરવઠો મળી રહે એનું ધ્યાન રાખવામાં આવશે, એમ ઉપમુખ્યમંત્રી અજીત પવારે કહ્યું હતું. આ બનાવનો વિડીયો પણ સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો.