×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નાલાસોપારામાં ડ્રગ ફેક્ટરીમાંથી 1400 કરોડ રૃપિયાનું મેફેડ્રોન જપ્ત કર્યું


મુંબઇ એન્ટી નાર્કોટિક્સ સેલે 

ઉચ્ચ શિક્ષિત આરોપી સહિત 5 જણની ગેંગની ધરપકડઃ  સોશિયલ મીડિયાના માધ્યમથી વેચતો હતો

પોસ્ટ ગ્રેજ્યુએટ મુખ્ય આરોપી જુદા જુદા કેમિકલ ભેળવીને મેફેડ્રોન બનાવતો હતો

મુંબઈ :  મુંબઇ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલ શહેરમાં નશીલા પદાર્થનું વેચાણ કરનારા સામે સતત કાર્યવાહી કરી રહી છે. પોલીસે નાલાસોપારામાં ડ્રગ ફેક્ટરી પર દરોડા પાડી ૭૦૦ કિલોથી વધુ મેફેડ્રોન જપ્ત કરતા ચકચાર જાગી છે. આ મેફેડ્રોનના જથ્થાની કિંમત આશરે ૧૪૦૦ કરોડ રૃપિયા છે.

નાલાસોપારાથી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ આરોપીને પકડવામાં આવ્યો છે. તે મેફેડ્રોન બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી ડ્રગ પેડલરને વેચતો હતો આ ડ્રગ રેકેટમાં મહિલા  સહિત પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે તાજેતરમાં મુંબઇ પોલીસે જપ્ત કરેલો આ સૌથી મોટો નશીલાપદાર્થનો જથ્થો છે મેફેડ્રોનને એમડી ડ્રગ અને મ્યાંઉ મ્યાઉ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મુંબઇ ક્રાઇમબ્રાન્ચ એન્ટી નાર્કોટિક્સ સેલની વરલી યુનિટે આ કાર્યવાહી કરી હતી. ગોવંડીમાં શિવાજીનગર ખાતે ૨૯ માર્ચ, ૨૦૨૨ના પોલીસે માહિતીના આધારે એક ડ્રગ પેડલરને પકડીને ૨૫૦ ગ્રામ મેફેડ્રોન કબજે કર્યું હતું એની કિંમત અંદાજે ૩૭ લાખ ૫૦ હજાર રૃપિયા હતી. ત્યારબાદ તેને મેફેડ્રોન આપનારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસે બે કિલો ૭૬૦ ગ્રામ મેફેડ્રોન મળ્યું હતું. આરોપી પાસેથી ૪ કરોડ ૧૪ લાખ રૃપિયાનો નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ ગુનાની તપાસ કરતી પોલીસે ગત ૨૭ જુલાઇના ફરાર મહિલા આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં તેની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે ગત મંગળવારે ચોથા આરોપીને પકડવામાં આવ્યો હતો. પોલીસને તેણે જણાવ્યું હતું કે નાલાસોપારાના મુખ્ય આરોપી પાસેથી મેફેડ્રોન ખરીદીને તે અગાઉ પકડાયેલા આરોપીને વેચતો હતો. ત્યારબાદ નાલાસોપારા (પશ્ચિમ)માં હનુમાન રોડ, ચક્રધર નગર સ્થિત એક હાઉસિંગ સોસાયટીમાં આવેલા ગાળામાં પોલીસે ગઇકાલે છાપો માર્યો હતો આ ડ્રગ ફેક્ટરીમાંથી ૭૦૧ કિલો ૭૪૦ ગ્રામ એમ.ડી. (મફેડ્રોન) મળી આવ્યું હતું. એની કિંમત ૧૪૦૩ કરોડ ૪૮ લાખ રૃપિયા છે.

આ મુખ્ય આરોપી રસાયણ શાસ્ત્રમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે. તેણે નશીલોપદાર્થ બનાવવાનું જ્ઞાાન મેળવ્યું હતું. તે જુદા જુદા કેમિકલને ભેળવીને મેફેડ્રોન બનાવતો હતો. તે ઝડપથી પૈસા કમાવવા ડ્રગ પેડલરને મેફેડ્રોન વેચતો હતો. આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા એમ.ડી. ડ્રગ વેચતો હતો.

મોટા પ્રમાણમાં ડ્રગ વેચનારા તેનો સંપર્ક કરતા હતા. તે ૨૫ કિલોથી ઓછી માત્રામાં મેફેડ્રોન વેચતો નહોતો. અગાઉ આરોપીએ મુંબઇ અને ઉપનગરમાં ચારથી પાંચ વખત મોટા પ્રમાણમાં મેફડ્રોનનો જથ્થો વેચ્યો હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે એન.ડી.પી.એસ. કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.