×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નાપાક ઈરાદાઃ અલકાયદાએ તાલિબાનને વિજયની શુભેચ્છા આપી, કાશ્મીરને 'મુક્ત' કરાવવા કર્યું આહ્વાન

- અલકાયદાએ અમેરિકાને શેતાનનું સામ્રાજ્ય કહ્યું હતું. સાથે જ તાલિબાનના આ વિજયને વિશ્વમાં દબાયેલા-કચડાયેલા લોકો માટે પ્રેરણા ગણાવ્યો હતો.

નવી દિલ્હી, તા. 01 સપ્ટેમ્બર, 2021, બુધવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાનની જીતને લઈ અલકાયદાએ મંગળવારે શુભેચ્છા પાઠવી હતી. શુભેચ્છા સંદેશામાં 'ઈસ્લામના દુશ્મનોની ચુંગાલમાંથી' કાશ્મીર અને અન્ય તથાકથિત ઈસ્લામિક ભૂમિની 'મુક્તિ'નું આહ્વાન કર્યું હતું. અલકાયદાના આ શુભેચ્છા સંદેશાએ ભારતના માથે ચિંતાની રેખા ખેંચી દીધી છે. 

અમેરિકી સેનાઓએ અફઘાનિસ્તાન છોડ્યું ત્યાર બાદ તાલિબાને જાહેરાત કરી હતી કે, અફઘાનિસ્તાને સંપૂર્ણ આઝાદી હાંસલ કરી લીધી છે. તેના થોડા કલાકો બાદ જ અલકાયદાએ તાલિબાનને શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. 

શું છે અલકાદાનો મેસેજ

અલકાયદાએ તાલિબાનને પાઠવેલા શુભેચ્છા સંદેશાને 'ઈસ્લામિક ઉમ્માહને અફઘાનિસ્તાનમાં અલ્લાહ દ્વારા આપવામાં આવેલી આઝાદી મુબારક' એવું શીર્ષક આપ્યું હતું. આ સંદેશામાં લખ્યું હતું કે, 'ઓ અલ્લાહ, લેવંત, સોમાલિયા, યમન, કાશ્મીર અને વિશ્વની અન્ય ઈસ્લામી જમીનોને ઈસ્લામના દુશ્મનોથી આઝાદ કરાવો. ઓ અલ્લાહ, સમગ્ર વિશ્વમાં મુસ્લિમ કેદીઓને આઝાદી અપાવો.'

અલકાયદાએ વધુમાં લખ્યું હતું કે, અમે સર્વશક્તિમાન અને સર્વવિદ્યમાન અલ્લાહની પ્રશંસા કરીએ છીએ કે તેમણે અવિશ્વાસના મુખિયા અમેરિકાને અપમાનિત કર્યું અને તેને પરાજય આપ્યો. અમે તેમની પ્રશંસા કરીએ છીએ કે, તેમણે અમેરિકાને તોડી નાખ્યું અને ઈસ્લામની ધરતી અફઘાનિસ્તાન પર તેને પરાજય આપ્યો. નિશ્ચિત રીતે અફઘાનિસ્તાન સામ્રાજ્યોનું કબ્રસ્તાન છે. અમેરિકાને માત આપવાની સાથે આ દેશે 2 દશકાના ટૂંકા સમયમાં 3 વખત અલગાવવાદી શક્તિઓને દેશની બહાર કરી છે. 

વિજયને પ્રેરણા ગણાવ્યો

અલકાયદાએ અમેરિકાને શેતાનનું સામ્રાજ્ય કહ્યું હતું. સાથે જ તાલિબાનના આ વિજયને વિશ્વમાં દબાયેલા-કચડાયેલા લોકો માટે પ્રેરણા ગણાવ્યો હતો. અલકાયદાના કહેવા પ્રમાણે આ તમામ ઘટનાઓથી સાબિત થાય છે કે, ફક્ત જિહાદ દ્વારા જ વિજય મેળવી શકાય છે. હવે સમય આવી ગયો છે કે, ભવિષ્યના સંઘર્ષ માટે રસ્તો તૈયાર કરવામાં આવે. અલ્લાહની મદદથી હાંસલ થયેલો આ ઐતિહાસિક વિજય મુસ્લિમોને પશ્ચિમ દ્વારા મુસ્લિમ દેશો પર થોપવામાં આવેલી ગુલામીમાંથી બચવાનો રસ્તો દેખાડશે.