×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નાગાલેન્ડઃ ફાયરિંગમાં 13 લોકોના મોતથી ભડક્યાં ગ્રામીણો, સુરક્ષાદળોની ગાડીઓ ફૂંકી


- રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી એક ઉચ્ચ સ્તરીય એસઆઈટી આ ઘટનાની ઉંડાણપૂર્વકની તપાસ કરશે 

નવી દિલ્હી, તા. 5 ડિસેમ્બર, 2021, રવિવાર

ભારતના પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડ ખાતે શનિવારે રાત્રિના સમયે ફાયરિંગની ચોંકાવનારી ઘટના બની છે. સવાર સુધીમાં આ ફાયરિંગના કારણે 13 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે અને મૃતકઆંક હજુ ઉંચો જાય તેવી શક્યતા છે. ફાયરિંગની ઘટના બાદ જે તસવીરો સામે આવી તેમાં ગાડીઓને સળગાવાઈ હોવાનું દેખાઈ રહ્યું છે. આ ઘટના નાગાલેન્ડના મોન જિલ્લાના ઓટિંગ ખાતેની છે. જાણવા મળ્યા મુજબ આ ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામીણોએ સુરક્ષાદળોની ગાડીઓને આગ ચાંપી દીધી હતી. 

નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. તેમના કહેવા પ્રમાણે આ કેસની તપાસ માટે તેમણે SITની રચના પણ કરી દીધી છે. મુખ્યમંત્રીએ ટ્વિટમાં લખ્યું હતું કે, મોનના ઓટિંગ ખાતે નાગરિકોની હત્યાએ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય ઘટના છે. હું શોક સંત્પત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું અને ઘાયલો શીઘ્ર સ્વસ્થ થાય તેવી કામના કરૂ છું. ઉચ્ચ સ્તરીય એસઆઈટી આ કેસની તપાસ કરશે અને દેશના કાયદા પ્રમાણે ન્યાય અપાવશે, હું તમામ વર્ગોને શાંતિ જાળવવા માટે અપીલ કરૂ છું. 

ગૃહ મંત્રી અમિત શાહે પણ આ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે. અમિત શાહે ટ્વિટમાં લખ્યું હતું કે, નાગાલેન્ડના ઓટિંગ ખાતેની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી ખૂબ જ વ્યથિત છું. જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનો પ્રત્યે હું મારી ગાઢ સંવેદના વ્યક્ત કરૂ છું. રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી એક ઉચ્ચ સ્તરીય એસઆઈટી આ ઘટનાની ઉંડાણપૂર્વકની તપાસ કરશે જેથી શોક સંતપ્ત પરિવારોને ન્યાય સુનિશ્ચિત કરી શકાય. 

ઘટનાની વિગતો પ્રમાણે મોન જિલ્લાના ઓટિંગ ખાતે આવેલા તિરૂ ગામમાં આ ઘટના બની હતી. હુમલામાં માર્યા ગયેલા લોકો એક પિકઅપ મિની ટ્રક દ્વારા પરત આવી રહ્યા હતા. સ્થાનિક સૂત્રોના કહેવા પ્રમાણે ઘટના શનિવારે સાંજે 4:00 કલાક આસપાસના સમયે બની હતી. જ્યારે ઘણો સમય વીતવા છતાં તે લોકો ઘરે પાછા ન આવ્યા ત્યારે ગામના વોલેન્ટિયર્સ તેમને શોધવા માટે નીકળ્યા હતા અને ત્યારે સૌના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના બાદ તે વિસ્તારમાં ભારે તણાવ વ્યાપ્યો છે અને રોષે ભરાયેલા ગ્રામજનોએ સુરક્ષાદળોની ગાડીઓને આગ ચાંપી હતી.