×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નસીરૂદ્દીન શાહે કહ્યું- અમે 20 કરોડ લોકો એટલી સરળતાથી ખતમ નહીં થઈએ, પાકિસ્તાનમાં પણ ચર્ચા


- પાકિસ્તાનના અનેક લોકોએ નસીરૂદ્દીન શાહના નિવેદનનો ઉલ્લેખ કરીને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું 

નવી દિલ્હી, તા. 30 ડિસેમ્બર, 2021, ગુરૂવાર

પ્રસિદ્ધ અભિનેતા નસીરૂદ્દીન શાહે હરિદ્વાર ધર્મ સંસદ મામલે જે નિવેદન આપ્યું છે તેની ચર્ચા પાકિસ્તાનમાં પણ ખૂબ થઈ રહી છે. નસીરૂદ્દીન શાહના નિવેદન મામલે પાકિસ્તાનના મીડિયા સહિત અનેક મશહૂર હસ્તિઓએ ટિપ્પણી કરી છે. નસીરૂદ્દીન શાહે એક ઈન્ટરવ્યુ દરમિયાન હરિદ્વાર ધર્મ સંસદમાં મુસલમાનો વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ મામલે વિસ્તારપૂર્વક પોતાની વાત રજૂ કરી હતી. 

તેમણે કહ્યું કે, 'જો તેમને ખબર છે કે, તેઓ શેના વિશે વાત કરી રહ્યા છે તો હું આશ્ચર્યચકિત છું. તેઓ એક ગૃહ યુદ્ધની અપીલ કરી રહ્યા છે. અમે 20 કરોડ લોકો એટલી સરળતાથી ખતમ નહીં થઈએ. અમે 20 કરોડ લોકો લડીશું. આ લડાઈ મજહબ (ધર્મ)ની રક્ષા માટે નહીં પરંતુ પોતાના પરિવાર અને ઘરોને બચાવવા માટેની હશે. ભારત અમારી માતૃભૂમિ છે અને હું એ વાતને લઈ નિશ્ચિંત છું કે, જો આ પ્રકારનું કોઈ અભિયાન શરૂ થયું તો આકરો પ્રતિરોધ થશે અને લોકોને ગુસ્સો ફાટી નીકળશે.'

પાકિસ્તાની મીડિયામાં ચર્ચા

પાકિસ્તાનના સરકારી બ્રોડકાસ્ટર રેડિયો પાકિસ્તાને નસીરૂદ્દીન શાહના નિવેદન મામલે ભારતની મોદી સરકારને ઘેરી છે. રેડિયો પાકિસ્તાને પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલી એક ટ્વિટમાં ભારત સરકારને ફાસીવાદી સરકાર ગણાવતા લખ્યું કે, 'પ્રખ્યાત ભારતીય અભિનેતા નસીરૂદ્દીન શાહે ફાસીવાદી મોદી સરકારને મુસલમાનોનો નરસંહાર રોકવા માટે કહ્યું છે અને ચેતવણી આપી છે કે, અલ્પસંખ્યકોનું ઉત્પીડન દેશને ગૃહ યુદ્ધ તરફ લઈ જશે.'

પાકિસ્તાનની સરકારી ટીવી ચેનલ પીટીવી ન્યૂઝે પણ ભારતીય અભિનેતાના નિવેદન મુદ્દે અનેક ટ્વિટ કરી છે. પીટીવી ન્યૂઝે લખ્યું હતું કે, 'ભારતીય અભિનેતા નસીરૂદ્દીન શાહે કહ્યું કે, ભારતમાં મુસલમાનોને બીજા વર્ગના નાગરિક બનાવવામાં આવી રહ્યા છે.' અને આ દરેક ક્ષેત્રમાં થઈ રહ્યું છે.

પાકિસ્તાનના અનેક લોકોએ નસીરૂદ્દીન શાહના નિવેદનનો ઉલ્લેખ કરીને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારી જફર હિલાલીએ પોતાની ટ્વિટમાં નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા લખ્યું હતું કે, 'તો અંતતઃ એક પ્રમુખ ભારતીય શખ્સીયત નસીરૂદ્દીન શાહે એક ટાળી ન શકાય તેવા ગૃહ યુદ્ધની ચેતવણી આપી છે. તેમાં કોઈ શંકા નથી કે, પાકિસ્તાન અને દુનિયા આ લડાઈમાં કોની સાથે હશે.'