×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નવી સ્ક્રેપિંગ પોલિસી લોન્ચ, PM મોદીએ કહ્યું- ટેસ્ટિંગ બાદ સ્ક્રેપ થશે કાર, નવી પર મળશે છૂટ


- વડાપ્રધાનના કહેવા પ્રમાણે સ્ક્રેપ થનારી ગાડી માટે સર્ટિફિકેટ મળશે, નવી ગાડી ખરીદતી વખતે રજિસ્ટ્રેશનના પૈસામાં છૂટ મળશે અને રોડ ટેક્સ પર પણ છૂટ મળશે

નવી દિલ્હી, તા. 13 ઓગષ્ટ, 2021, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાત ઈન્વેસ્ટર સમિટને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી હતી. આ કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો હતો અને કેન્દ્રી મંત્રી નીતિન ગડકરી આ દરમિયાન અમદાવાદમાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ઓટોમોબાઈલ સ્ક્રેપિંગ પોલિસી પણ લોન્ચ કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, તેનાથી દેશમાં એક સકારાત્મક પરિવર્તન આવશે. દેશના અર્થતંત્ર માટે મોબિલિટી મોટું ફેક્ટર છે, આર્થિક વિકાસમાં તે ખૂબ ઉપયોગી છે. 

વડાપ્રધાને જણાવ્યું કે, નવી સ્ક્રેપિંગ પોલિસી વેસ્ટ ટુ વેલ્થનો મંત્ર આગળ વધારશે. દેશ માટે આગામી 25 વર્ષ ખૂબ જ મહત્વના છે. જે રીતે ટેક્નોલોજી બદલાઈ રહી છે તે પ્રમાણે આપણે ફેરફાર કરવાનો છે. આપણે ક્લાઈમેટ ચેન્જના પડકારનો સામનો પણ કરી રહ્યા છીએ માટે આપણા હિતમાં મોટા પગલા ભરવા જરૂરી છે. 

વડાપ્રધાનના કહેવા પ્રમાણે સ્ક્રેપ થનારી ગાડી માટે સર્ટિફિકેટ મળશે, નવી ગાડી ખરીદતી વખતે રજિસ્ટ્રેશનના પૈસામાં છૂટ મળશે અને રોડ ટેક્સ પર પણ છૂટ મળશે. ગાડીઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી ટેસ્ટ કર્યા બાદ સ્ક્રેપ કરવામાં આવશે અને આગળની પ્રક્રિયા થશે. 

તેનાથી ઓટો-મેટલ ઈન્ડસ્ટ્રીને બૂસ્ટ મળશે અને સાથે જ સ્ક્રેપિંગ ફીલ્ડમાં કામ કરતા લોકોને મોટો ફાયદો થશે. ઈન્ડસ્ટ્રીવાળાઓ પાસે આગામી 25 વર્ષ માટે આત્મનિર્ભર ભારતનો રોડમેપ હોવો જોઈએ. જૂની નીતિઓ બદલવી પડશે અને નવી નીતિ પર કામ કરવું પડશે. 

વડાપ્રધાને જણાવ્યું કે, ઈથેનોલ હોય, હાઈડ્રોજન ફ્યુઅલ હોય કે પછી ઈલેક્ટ્રિક મોબિલિટી, સરકારની આ પ્રાથમિકતાઓ સાથે ઈન્ડસ્ટ્રીની સક્રિય ભાગીદારી ખૂબ જરૂરી છે. આર એન્ડ ડીથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી, ઈન્ડસ્ટ્રીએ પોતાની હિસ્સેદારી વધારવી પડશે. આ માટે તમને જે પણ મદદ જોઈએ તે આપવા માટે સરકાર તૈયાર છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દર વર્ષે આ પ્રકારની ઈન્વેસ્ટર સમિટનું આયોજન થાય છે જેની શરૂઆત વડાપ્રધાન મોદીએ જ કરી હતી. શુક્રવારે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 7 કંપનીઓએ સરકાર સાથે એમઓયુ સાઈન કર્યા હતા. તેમાં 6 કંપની ગુજરાતની અને એક કંપની આસામની હતી.