×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નવા વેરિઅન્ટને લઈ સરકાર સંપૂર્ણ તૈયારીમાં, લોકોને માસ્ક પહેરવા કર્યો આગ્રહ

Image : pixabay












ચીન સહિત દુનિયાના તમામ દેશોમાં કોરોનાના નવા વેરિઅન્ટ Omicron BF.7નો પગપેસારો વધી જવાને પગલે છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કુલ ૩૬ લાખથી વધારે કેસો નોંધાયા છે. ચીન ઉપરાંત આર્જેન્ટિના, બ્રાઝિલ અને જાપાનમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. જેને લઇ કેન્દ્ર સરકાર હવે સતર્ક થઈ ગઈ છે. દેશભરના એરપોર્ટ પર આ વાયરસ માટે વિદેશી મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યા છે. જો કે કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું છે કે, આ વાયરસથી ગભરાવાની જરૂર નથી.

નવા  વેરિઅન્ટને લઈ સરકાર સંપૂર્ણ તૈયારીમાં 

Omicronના વેરિયન્ટ BF.7 અને BF.12 ના કેસ ગુજરાત અને ઓડિશામાં નોંધાયા છે. સરકારે આ અંગે ઘણી વિશેષ માર્ગદર્શિકા પણ તૈયાર કરી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નવા વેરિઅન્ટને લઈને નિષ્ણાતો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથેની બેઠક બાદ કહ્યું છે કે, કોરોના હજી સંપૂર્ણ નાબુદ થયો નથી. આરોગ્ય મંત્રીએ સંબંધિત વિભાગોને તે અંગે સતર્ક રહેવા અને દેખરેખ મજબૂત કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, સરકાર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશમાં રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના કુલ 220.01 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ગુજરાત અને ઓડિશામાં નોધાયા BF.7 અને BF.12ના કેસો

કોવિડ-19 પર નેશનલ ટાસ્ક ફોર્સના વડા અને નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું છે કે, ગભરાવાની જરૂર નથી. તેમને રોકવા પર્યાપ્ત પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે.  ઓક્ટોબર-નવેમ્બરમાં ગુજરાતમાં ઓમિક્રોનના BF.7 અને BF.12 વેરિઅન્ટથી સંક્રમિત ત્રણ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે ઓડિશામાંથી એક મામલો સામે આવ્યો છે. દર્દીઓને હોમ આઈસોલેશનમાં સારવાર આપવામાં આવી છે અને હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે.

સાર્વજનિક સ્થળો  માસ્ક પહેરવાનો કર્યો આગ્રહ 

ભારતમાં સાર્વજનિક સ્થળો અને પ્રવાસન સ્થળો માટે હાલ કોઈ કોવિડ-19 પ્રોટોકોલ લાગુ નથી. જૂનમાં કેન્દ્રની એડવાઈઝરી બાદ કોઈપણ રાજ્યમાં માસ્ક ફરજિયાત નથી. એડવાઈઝરીમાં રાજ્યોને માસ્કના ઉપયોગ અંગે નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું હતું. હાલમાં, એરપોર્ટ પર પણ માસ્ક ફરજિયાત નથી, પરંતુ નવેમ્બરમાં મોકલવામાં આવેલી એડવાઈઝરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સલાહ આપવામાં આવી હતી. તેમજ લોકોને સાર્વજનિક સ્થળો અને વધારે ભીડ વાળી જગ્યાએ માસ્ક પહેરવાનો આગ્રહ કર્યો છે.