×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નક્સલ પ્રભાવિત રાજ્યો સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની બેઠક, છત્તીસગઢના CM નહીં થાય સામેલ


- બેઠકમાં છત્તીસગઢ ઉપરાંત ઝારખંડ અને ઓડિશા પર વિશેષ ભાર આપવામાં આવશે

નવી દિલ્હી, તા. 26 સપ્ટેમ્બર, 2021, રવિવાર

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રવિવારે નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક યોજી છે. ગૃહ મંત્રી અમિત શાહ આ મુખ્યમંત્રીઓ સાથે નક્સલ પ્રભાવિત વિસ્તારોની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે. એક અહેવાલ પ્રમાણે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ આ બેઠકમાં સામેલ નહીં થાય. 

જ્યારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ બેઠકમાં સહભાગી બની રહ્યા છે. ઉદ્ધવની સાથે આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સીતારામ કુંતે અને ડીજીપી સંજય પાંડે પણ સામેલ થશે. જોકે છત્તીસગઢના બે પ્રતનિધિઓ પણ આ બેઠકમાં સામેલ થઈ રહ્યા છે. રાજ્યના ડીજીપી અને ચીફ સેક્રેટરી દિલ્હીમાં છે અને તેઓ આ બેઠકમાં સામેલ થશે. બઘેલનો આજે દિલ્હી જવાનો કાર્યક્રમ નથી. તેઓ મહાસમુંદ જશે અને ત્યાં સ્થાનિક કાર્યક્રમોમાં સહભાગી બનશે. 

આ બેઠક દિલ્હી ખાતેના વિજ્ઞાન ભવનમાં યોજાશે. ઉદ્ધવ ઠાકરે મીટિંગમાં સહભાગી બનવા દિલ્હી એરપોર્ટથી વિજ્ઞાન ભવન જશે. આ બેઠક 2:00 વાગ્યા સુધી ચાલશે. ત્યાર બાદ તેઓ મહારાષ્ટ્ર જવા રવાના થશે. 

અમિત શાહ કરશે અધ્યક્ષતા

ગૃહ મંત્રી અમિત શાહ આ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રીઓની સાથે જ મુખ્ય સચિવ અને ડીજીપીને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બેઠકનું ફોકસ સુરક્ષાની સાથે સાથે વિકાસ જેવા મુદ્દાઓ પર છે. તેમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, આઈબી ડાયરેક્ટર અરવિંદ કુમાર અને ગૃહ મંત્રાલયના તમામ મોટા અધિકારીઓ સામેલ થશે. સીઆરપીએફના ડીજી પણ આ બેઠકમાં સામેલ થશે. 

10 રાજ્યોના સીએમને બોલાવાયા

અમિત શાહે બેઠક માટે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને બોલાવ્યા છે જેથી તે રાજ્યોની નક્સલી ગતિવિધિઓની માહિતી લઈ શકાય. સાથે જ બેઠકમાં નક્સલીઓનો સામનો કરવા માટે ભરવા પડતા પગલાંઓ અંગે પણ ચર્ચા થશે. બેઠકમાં છત્તીસગઢ ઉપરાંત ઝારખંડ અને ઓડિશા પર વિશેષ ભાર આપવામાં આવશે. 

કેન્દ્ર ઈચ્છે છે કે, છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા દળોના અભિયાન તેજ કરવામાં આવે. રાજ્ય પોલીસ ઓપરેશનનું નેતૃત્વ કરે છે. પરંતુ કેટલાક લોકોના મતે બઘેલ સરકારમાં આ ઓપરેશન્સની સંખ્યા ઘટી છે.