×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નક્સલીઓ બેફામ : છત્તીસગઢમાં ૨૨ જવાન શહીદ, સરકાર લાચાર


૪૦૦ નક્સલવાદીઓએ જવાનોને 'યુ શેપ'માં ઘેરી લઈ એલએમજી રાઇફલથી બેફામ ગોળીબાર કર્યો હતો

નક્સલીઓ ચાર ટ્રેક્ટર ભરીને તેમના સાથીઓના શબ લઈ ગયા નક્સલી હુમલા વચ્ચે પણ અમિત શાહ આસામમાં પ્રચારમાં વ્યસ્ત હતા

પાક.-ચીન સરહદે તંગદિલી વચ્ચે સરકાર દેશના આતંકીઓને પણ મહાત કરી શકતી નથી : અત્યંત શરમજનક ઘટના

સર્ચ ઓપરેશનમાં ૧૭ જવાનોના મૃતદેહ મળતાં કુલ મૃત્યુઆંક ૨૨ થયો

નક્સલીઓ જવાનોના હથિયારો-કપડાં લઈને ભાગી છૂટયા

રાયપુર : છત્તિસગઢના નક્સલગ્રસ્ત બીજાપુર અને સુકમાના સરહદી ક્ષેત્રના જંગલમાં નક્સલીઓ સાથેની અથડામણમાં ૨૫ જવાન શહીદ થઈ ગયા છે અને ૩૦થી વધુ જવાન ઈજાગ્રસ્ત થયા છે. કુખ્યાત નક્સલી હિડમાને પકડવા માટે સલામતી દળોના ૨૦૦૦ જવાનોની ટીમ અલગ અલગ વિસ્તારોમાં જંગલની અંદર ઘૂસી હતી.

નક્સલીઓને તેમના આવવાનો અંદાજ હતો, તેથી તેમણે જવાનોને જંગલમાં આવવા દિધા અને 'યુ શેપ એમ્બુશ' બનાવી જવાનો પર ત્રણે બાજુથી ગોળીબાર કર્યો હતો. જોકે, જવાનોએ પણ વળતો જવાબ આપતાં નક્સલીઓને પણ ભારે નુકસાન થયું છે. તેઓ ચાર ટ્રેક્ટર ભરીને તેમના સાથીઓના શબ લઈ ગયા. 

છત્તિસગઢ પોલીસે બીજાપુર અને સુકમાના જંગલોમાંથી રવિવારે બપોર સુધીમાં ગોળીઓથી ચારણી થઈ ગયેલા ૨૦ જવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ સાથે શનિવારે સલામતી દળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં કુલ ૨૨ જવાન શહીદ થયા છે.

પોલીસે જણાવ્યું હતું કે, શનિવારે પાંચ જવાન શહીદ થયા હતા, પરંતુ બેના જ મૃતદેહ મળ્યા હતા અને ૧૮ જવાનો લાપતા હતા. રવિવારે વધુ ૨૦ જવાનોના મૃતદેહ મળ્યા હતા. આમ, રવિવારે વધુ ૧૭ જવાનો શહીદ થયા હતા. હજુ કેટલાક જવાન લાપતા હોવાનું કહેવાય છે. બીજાપુર એસપી કમલોચન કશ્યપે તેની પુષ્ટી કરી છે.

ગામની નજીક અને જંગલમાં શહિદ જવાનોના શબ મળ્યા છે. આ હુમલામાં ૩૦થી વધુ જવાનો ઈજાગ્રસ્ત થયા છે, તેમાંથી ૨૩ ઈજાગ્રસ્તોને બીજાપુર હોસ્પિટલમાં અને ૭ને રાયપુર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે, બધાની સ્થિતિ જોખમથી બહાર હોવાનું જણાવાયું છે. આ હુમલામાં ૧૫થી વધુ નક્સલીઓ ઠાર મરાયા હોવાનું અને એક મહિલા નક્સલીનું શબ મળ્યું હોવાનું સૂત્રોએ કહ્યું છે.

છત્તિસગઢના પોલીસ મહાનિદેશ ડીએમ અવસ્થીએ જણાવ્યું હતું કે, નક્સલ વિરોધી અભિયાન દરમિયાન સીઆરપીએફની જંગલ યુદ્ધ માટેના વિશેષ કોબ્રા યુનિટ, તેની રેગ્યુલર બટાલિયન, બસ્તરિયા બટાલિયનનું તેનું યુનિટ, છત્તિસગઢ પોલીસ સાથે સંકળાયેલા ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) સહિતના સલામતી દળોની ૨૦૦૦ જેટલા જવાનોની એક સંયુક્ત ટીમની નક્સલીઓ સાથે અથડામણ થઈ હતી.

છેલ્લા ૧૦ દિવસથી છત્તિસગઢમાં ખૂંખાર નક્સલી માધવી હિડમા છૂપાયો હોવાની સલામતી દળોને માહિતી મળી હતી. તેનું નામ ૨૦૧૩ના ઝીરમ ઘાટી સહિત અનેક મોટા નક્સલી હુમલાઓ સાથે સંકળાયેલું છે. ૨૦૧૩માં ઝીરમ ઘાટી નક્સલી હુમલામાં છત્તિસગઢ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સહિત ૩૦થી વધુ લોકો માર્યા ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું કે, જોનાગુડાનો પહાડી વિસ્તાર ગોરિલ્લા યુદ્ધ ક્ષેત્ર મનાય છે. અહીં છુપાઈને હુમલાની રણનીતિ સફળ થાય છે. સલામતી દળના જવાનો હિડમાને શોધવા માટે જંગલોમાં ઘૂસતાં એલએમજી સહિત અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ હિડમાની બટાલિયનના ૪૦૦થી વધુ નક્સલીઓએ 'યુ શેપ એમ્બુશ'માં જવાનોને ત્રણ બાજુથી ઘેરી લીધા હતા.

હિડમાની બટાલિયન પર્વતની ઉપર હતી અને જવાનો નીચે. ત્યાર બાદ જવાનોની ઘેરાબંદી કરી તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જવાનોએ નક્સલીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ અથડામણમાં મોટી સંખ્યામાં નક્સલીઓ પણ માર્યા ગયા હતા. 

નક્સલીઓ ચાર ટ્રેક્ટર ભરીને તેમના સાથીઓના શબ લઈ ગયા હોવાનું સૂત્રોનું કહેવું છે. જોકે, અનેક નક્સલીઓએ જવાનોના બે ડઝનથી વધુ હથિયાર લૂંટી લીધા અને જવાનોના જૂતાં અને કપડાં પણ લઈને જતા રહ્યા છે.

આ પહેલાં શનિવારે પોલીસે નક્સલીઓ સાથેની અથડામણમાં પાંચ જવાન શહીદ થવાની પુષ્ટી કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ નક્સલી માધવી હિડમાના માથે ૨૫ લાખનું ઈનામ રખાયું છે. હિડમાની ટીમમાં અંદાજે ૮૦૦ જેટલા નક્સલીઓ હોવાનું મનવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નક્સલી હુમલાને પગલે અસમમાં ચૂંટણી પ્રચાર અભિયાન વચ્ચે છોડીને દિલ્હી પાછા ફર્યા છે. ગુવાહાટીમાં અમિત શાહે જવાનોને  શ્રદ્ધાંજલી આપી હતી અને કહ્યું કે જવાનોએ દેશ માટે તેમનો જીવ ગુમાવ્યો છે, જે વ્યર્થ નહીં જાય.

નક્સલીઓ વિરુદ્ધ અમારી લડાઈ મજબૂતીથી ચાલુ રહેશે. ગૃહમંત્રી અમિત શાહના આદેશ પર સીઆરપીએફના મહાનિદેશક કુલદીપ સિંહ સ્થિતિની સમિક્ષા કરવા માટે રવિવારે સવારે છત્તિસગઢ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી બઘેલ રવિવારે સાંજ સુધીમાં અસમથી છત્તિસગઢ પાછા ફર્યા હતા.