×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ધોરણ 12ની પરીક્ષા 1લી જુલાઈથી લેવાશે


કોરોના વચ્ચે બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરનાર ગુજરાત પ્રથમ, 6.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

વિદ્યાર્થીઓ, માતા-પિતાની ઉચાટનો અંત : સરકાર ટૂંક સમયમાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરશે : જો કે સમય અને પેટર્નમાં ફેરફાર નહીં

અમદાવાદ : ધો.12ની પરીક્ષાઓ કયારે થશે અને કઈ રીતે લેવાશે તેની ચર્ચા અને ચિંતા વચ્ચે રાજ્ય સરકારે આજે પરીક્ષાઓની તારીખ જાહેર કરી દીધી છે.જે મુજબ 1લી જુલાઈથી ધો.12 વિજ્ઞાાન પ્રવાહ અને ધો.12 સામાન્ય પ્રવાહની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા શરૂ થશે. પરીક્ષાઓના સમય અને પેટર્નમાં કોઈ જ ફેરફાર કરાયો નથી.થોડા દિવસમાં બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ તૈયાર કરી જાહેર કરવામા આવશે.

કોરોનાને લીધે આ વર્ષે માર્ચમાં ધો.10-12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાઓ લઈ શકાઈ ન હતી અને પરીક્ષાઓ સરકારના આદેશથી બે મહિના મોડી કરી 10મેથી લેવાનું નક્કી કરાયુ હતુ.બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો હતો દરમિયાન કોરોનાની બીજી લહેર શરૂ થતા અને સ્થિતિ ખૂબ જ ગંભીર થતા પરીક્ષાઓ ફરી મોકુફ કરી દેવાઈ હતી.

કોરોનાના કેસ અને મૃત્યુ વધતા અને રાજ્યમાં સ્થિતિ ખૂબ જ વિકટ બની જતા ધો.10ની પરીક્ષાઓ સીબીએસઈ બોર્ડની જેમ રદ કરવાની માંગ ઉઠી હતી.ધો.10મા આ વર્ષે 12 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે અને કોરોનાના કહેર વચ્ચે તેઓની પરીક્ષાઓ વેક્સિનેશનલ વગર લેવી સરકારને ખૂબ જ પડકારજનક લાગતા ધો.10ની પરીક્ષા રદ કરવા થોડા દિવસ પહેલા જાહેરાત કરી  દેવાઈ હતી.

જ્યારે ધો.12ની પરીક્ષાઓ લેવાશે કે કેમ અને કઈ રીતે લેવાશે તેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં ચર્ચા ચાલી છે.બીજી બાજુ વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ચિંતામા મુકાયા છે.તાજેતરમાં કેન્દ્ર સરકાર સાથે તમામ રાજ્યોના શિક્ષમંત્રીઓ સાથે પણ ધો.12ની પરીક્ષાઓને લઈને ચર્ચા થઈ હતી .

જેમાં કેન્દ્ર સરકારે રાજ્યોને પોતાની રીતે નિર્ણય લેવાની છુટ પણ આપી હતી અને 12 સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ બાબતે 1લી જુને નિર્ણય લેવાઈ શકે છે તેવુ કેન્દ્રએ જણાવ્યુ હતુ. આ બેઠકના બે દિવસમાં જ રાજ્ય સરકારે ધો.12ની પરીક્ષાઓનો નિર્ણય લઈ લીધો છે અને આજે મુખ્યમંત્રની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 1લી જુલાઈથી પરીક્ષાઓ લેવાનું નક્કી કરી દેવાયુ છે.

રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ કોરોનાની એસઓપી સાથે 1લી જુલાઈથી ધો.12 સાયન્સ અને 12 સા.પ્ર.ના 6.83 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાશે. જેમાં 12 સાયન્સના 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને 12 સા.પ્ર.ના 5.33 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે. સરકારે અગાઉ કેન્દ્ર સાથેની બેઠકમા સીબીએસઈના સૂચના બાદ એમસીક્યુ આધારીત પરીક્ષાઓ લેવા અને પરીક્ષાનો સમય 3 કલાકથી ઘટાડી 90 મીનિટ કરવાની વિચારણા કરી હતી.

પરંતુ એમસીકયુ આધારીત તમામ પરીક્ષાઓ લેવામા બોર્ડને વધારાનો કરોડોનો ખર્ચ થાય તેમ છે.ઉપરાંત 90 મીનિટ માટે અને દોઢ કલાક માટે પણ વિદ્યાર્થીએ પરીક્ષા આપવાસેન્ટરમાં જવુ પડે તેમ છે જેથી એમસીક્યુ આધારીત પરીક્ષાઓ લેવાનો વિકલ્પ સંપૂર્ણપણે યોગ્ય ન લાગતા બોર્ડ કોઈ પણ ફેરફાર વગર પરીક્ષાઓ લેવા નિર્ણય કર્યો છે.

અગાઉની જેમ 12 સાયન્સની પરીક્ષા 50 ટકા એમસીક્યુ (પાર્ટ-1) અને 50 ટકા વર્ણનાત્મક (પાર્ટ-2) રીતે લેવાશે.જ્યારે 12 સા.પ્ર.ની 100 ટકા વર્ણનાત્મક પ્રશ્નો સાથે પરીક્ષા લેવાશે.પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ હવે થોડા દિવસમાં બોર્ડ દ્રારા પરીક્ષાનો કાર્યક્રમ તૈયારી કરી જાહેર કરવામા આવશે.

આ વર્ષે એક કલાસમાં 20 વિદ્યાર્થીની પરીક્ષા : બ્લોક-બિલ્ડીંગો 50 ટકા વધશે

કોરોનાને પગલે ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાઓમાં કલાસદીઠ 20 વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા ગોઠવાશે.બોર્ડ દ્વારા નિયમિત રીતે કલાસદીઠ 30 વિદ્યાર્થીઓને બેસાડવામા આવતા હોય છે પરંતુ સોશિયલ ડીસ્ટન્સિંગને ધ્યાનમા રાખી 20 વિદ્યાર્થીને બેસાડવા પડશે અને જે બોર્ડે બેઠક વ્યવસ્થા-સેન્ટરોમાં મોટા પાય ફેરબદલ કરવી પડશે. નવેસરથી વ્યવસ્થા કરવી પડશે અને આ વર્ષે બ્લોક-બિલ્ડીંગો 50 ટકા વધારવા પડશે.

ગત વર્ષે 12 સા.પ્રમા 476 કેન્દ્રો રાખવામા આવ્યા હતા ત્યારે આ વર્ષે 50 ટકા જેટલા કેન્દ્રો વધારવા પડતા 250 જેટલા કેન્દ્રો વધશે.ઉપરાંત વિદ્યાર્થીઓને બને તેટલુ ઘરથી નજીક સેન્ટર મળે તે રીતની વ્યવસ્થા કરાશે અને તાલુકા-ગ્રામ્ય કેન્દ્રો પણ વધારાશે.

વિદ્યાર્થી પરીક્ષા ન આપી શકે તોે 25 દિવસ પછી ફરી આપી શકશે

1લી જુલાઈથી લેવાનારી ધો.12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષામાં જે વિદ્યાર્થી કોરોના સહિતના કોઈ કારણસર જો બેસી ન શકે કે પરીક્ષા ન આપી શકે અથવા  જેટલા પણ વિષયની પરીક્ષા નહી આપી શકે તેઓ માટે 25 દિવસ બાદ ફરીથી પરીક્ષા લેવાશે. ધો.12ની પુરક પરીક્ષા સાથે આ વિદ્યાર્થીઓની પરીક્ષા નવા પ્રશ્નપત્ર સાથેલેવાશે.12ની બે વિષયની પુરક પરીક્ષામા જે વિદ્યાર્થીઓ અગાઉ નહી આપી શક્યા હોય તેઓ માટે પણ પરીક્ષા લઈ લેવાશે. પુરક પરીક્ષાઓ ઓગસ્ટમાં લેવાશે.

300 વિદ્યાર્થીનો મુખ્ય ન્યાયાધીશને પત્ર 

સીબીએસઇની ધો.12ની પરીક્ષા રદ કરવા સીજેઆઇ સમક્ષ માગ 

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી પરીક્ષામાં હાજર રહેવા સામેનો વિકલ્પ શોધવાની પણ માગ 

નવી દિલ્હી : સીબીએસઇના 300 જેટલા વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો છે અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હાલ સીબીએસઇની પરીક્ષા ન યોજવા આદેશ આપવામા આવે તેવી માગણી કરી છે. 

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ) પરીક્ષા યોજવાની તરફેણમાં છે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા હાલ ન યોજવાની તરફેણમાં જોવા મળી રહ્યા છે. આવા જ આશરે 300 જેટલા વિદ્યાર્થીઓેએ મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો છે અને સીબીએસઇની 12મા ધોરણની પરીક્ષાને હાલ પુરતા રદ કરવાની માગણી કરી છે. 

મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓએ વિનંતી કરી છે કે ધોરણ બારની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને હાજર રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે તે અમને મંજૂર નથી.

સુપ્રીમ કોર્ટ પરીક્ષા માટે રૂબરૂ હાજર રહેવા સામે બીજો વિકલ્પ કાઢે આૃથવા આ પરીક્ષાને હાલ પુરતા રદ કરી દેવામાં આવે. દિલ્હી અને મહારાષ્ટ્ર રાજ્ય પણ હાલ પરીક્ષાઓ ન યોજવાની તરફેણ કરી રહ્યા છે. જ્યારે નિષ્ણાતોનો દાવો છે કે પરીક્ષાઓ ન યોજવામાં આવી તો તેની અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર થઇ શકે છે.