×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ધર્મ સંસદમાં હવે મહાત્મા ગાંધી અંગે વિવાદિત નિવેદન, સંતે કહ્યા અપશબ્દો, દેશદ્રોહના કેસની માગ


- કાલીચરણે કહ્યું હતું કે, 'ઈસ્લામનું લક્ષ્ય રાજકારણના માધ્યમથી રાષ્ટ્ર પર કબજો જમાવવાનું છે

નવી દિલ્હી, તા. 27 ડિસેમ્બર, 2021, સોમવાર

દેશના અલગ અલગ રાજ્યોમાં હિંદુ 'ધર્મ સંસદ'નું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમાં સામેલ થનારા સાધુ-સંતો પોતાના વિવાદિત નિવેદનો દ્વારા ચર્ચામાં આવી રહ્યા છે. રવિવારે ધર્મગુરૂ કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધીની હત્યા માટે નાથુરામ ગોડસેની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, લોકોએ ધર્મની રક્ષા માટે સરકારના પ્રમુખ તરીકે એક કટ્ટર હિંદુ નેતાની પસંદગી કરવી જોઈએ. 

છત્તીસગઢની રાજધાની રાયપુર ખાતે આયોજિત ધર્મ સંસદમાં ભાષણ આપતી વખતે કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધી વિરૂદ્ધ એક અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો હતો જેની કોંગ્રેસ સહિત અન્ય દળોના નેતાઓએ આકરી ટીકા કરી હતી. 

કોંગ્રેસી નેતા સંજય નિરૂપમે ટ્વિટમાં કડવાશભર્યા શબ્દોમાં લખ્યું હતું કે, 'આ ભગવાધારી ફ્રોડ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને જાહેરમાં ગાળો આપી રહ્યો છે, તેને તાત્કાલિક અંદર કરવો જોઈએ. ગાંધીજીથી કોઈને વૈચારિક મતભેદ હોઈ શકે પરંતુ તેમનું અપમાન કરવાનો અધિકાર કોઈને નથી. આ અક્ષમ્ય અપરાધ છે.'

મહારાષ્ટ્ર સરકારમાં ઉર્જા મંત્રી ડો. નીતિન રાઉતે લખ્યું હતું કે, 'આ કેવો દેશ બનાવી દીધો નરેન્દ્ર મોદીજી તમે? જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને જાહેર મંચ પરથી ગાળો આપવામાં આવી રહી છે અને સામે બેઠેલા લોકો તાળીઓ વગાડી રહ્યા છે. તેમના પર દેશદ્રોહ લગાવી દો, તે જ બાપુને સાચી શ્રદ્ધાંજલિ હશે.'

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે લખ્યું હતું કે, 'સત્ય, અહિંસાને જૂઠા અને હિંસક કદી હરાવી ન શકે. બાપુ અમે શરમ અનુભવીએ છીએ કે તમારા કાતિલ જીવે છે.'

AAPએ કરી ટીકા

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ પોતાની આકરી પ્રતિક્રિયા નોંધાવી છે. આપ દ્વારા ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, આ કોણ છે જે આપણા રાષ્ટ્રપિતાને ગાળો આપી રહ્યું છે? મોદીજી કશું કરશો કે પછી આમને પણ ફક્ત 'દિલથી માફ નહીં કરી શકો.'

આ છે સમગ્ર કેસ

હકીકતે રાયપુરના રાવણ ભાટા મેદાન ખાતે આયોજિત 2 દિવસીય કાર્યક્રમના સમાપનના દિવસે કાલીચરણે કહ્યું હતું કે, 'ઈસ્લામનું લક્ષ્ય રાજકારણના માધ્યમથી રાષ્ટ્ર પર કબજો જમાવવાનું છે. આપણી આંખોની સામે તેમણે 1947માં કબજો કરી લીધો હતો... તેમણે પહેલા ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. તેમણે રાજકારણના માધ્યમથી બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર કબજો કરી લીધો હતો... નાથુરામ ગોડસેને સલામ કરૂ છું કે, તેમણે મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કરી.'