×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ધરતી પર કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ છેલ્લા 36 લાખ વર્ષમાં સૌથી વધુ


- 'નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિઅરિક એડમિનિસ્ટ્રેશન (નોઆ)'નો અહેવાલ

- હવાના દસ લાખ કણોએ કાર્બનના કણો 412 ના આંકડે પહોંચ્યા, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે : વસુંધરાનું નિકંદન કાઢવામાં ધરતીવાસીઓનો નવો વિક્રમ


વૉશિંગ્ટન : 2020નું વર્ષ કોરોનાને કારણે શાંત રહ્યું હોવા છતાં હવામાં કાર્બનના કણોનું પ્રમાણ દર દસ લાખ કણે ૪૧૨.૫ નોંધાયુ હતું. હવામાં કાર્બનના આ કણોનું પ્રમાણ ઘણું ઊંચુ ગણાય. આટલો કાર્બન હવામાં છેલ્લા ૩૬ લાખ વર્ષ દરમિયાન ક્યારેય નોંધાયો નથી. અમેરિકી હવામાન સંસ્થા 'નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિઅરિક એડમિનિસ્ટ્રેશન (નોઆ)'એ આ અંગે અહેવાલ રજૂ કરી જગતને ચેતવણી આપી હતી. છેલ્લા ૩૬ લાખ વર્ષમાં અત્યારે વાતાવરણમાં ઘાતક વાયુઓ કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ સૌથી વધારે છે.

હવાઈ ટાપુ પર આવેલી માઉના લોઆ ઓબ્ઝર્વેટરી દ્વારા હવામાનનો સતત અભ્યાસ કરાઈ રહ્યો છે. આ આંકડાઓ જગતના ૪૦ વાતાવરણ અભ્યાસ કેન્દ્રનો ડેટા ભેગો કરીને તારવવામાં આવ્યા છે. નોઆ છેલ્લા ૬૩ વર્ષથી હવામાં કાર્બનનો રેકોર્ડ રાખે છે. જ્યારે એ પહેલાના લાખો વર્ષોનો રેકોર્ડ તો ધરતીના વિવિધ અવશેષોમાં સચવાયેલો છે. તેનો અભ્યાસ કરી સંશોધકોએ આ આંકડા રજૂ કર્યા હતા. 

૨૦૨૦ ના વર્ષમાં જગતની ઘણી ખરી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શાંત થઈ હોવા છતાં હવામાં ભળતાં કાર્બનનું પ્રમાણ માંડ સાત ટકા ઘટયું હતું. કેમ કે કાર્બન છેલ્લી દોઢ સદીથી તો સતત ઠલવાઈ રહ્યો છે. એકાદ વર્ષ ઔદ્યોગિક પ્રવૃત્તિ બંધ રહેવાથી કાર્બનના પ્રમાણમાં ખાસ ઘટાડો સંભવ નથી. સાન ડિએગો સ્થિત અન્ય સંસ્થા સ્ક્રીપ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ઓશનોગ્રાફીએ પણ આવો જ અહેવાલ આપ્યો હતો. તેની નોંધ મુજબ હવામાં કાર્બનનું પ્રમાણ ૪૧૭.૪ પાર્ટ્સ પર મિલિયન (પીપીપી) નોંધાયુ છે.

૨૦૧૨પછી હવામાં ઠલવાતા કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ૪૩ ટકા વધ્યું છે. અત્યારે હવામાં જેટલો કાર્બન છે, એટલો કાર્બન ૩૬ લાખ વર્ષ પહેલા ધરતી પર હતો. એ વખતે ધરતીનું વાતાવરણ  તોફાની હતું. સમુદ્ર સપાટી આજના કરતા સરેરાશ ૭૮ ફીટ ઊંચી હતી. આજે આર્કટિકનો જે પ્રદેશ બરફથી છવાયેલો છે, ત્યાં એ વખતે જંગલો હતા.

ધરતી પર સતત વધી રહેલી નુકસાનકર્તા પ્રવૃત્તિને કારણે હવામાનની આ અવદશા થઈ છે. હવામાં કાર્બનનું આ પ્રમાણ વૈશ્વિક સરેરાશ છે. ક્યાંક કાર્બન વધારે હોય તો ક્યાંક ઓછો પણ છે. પરંતુ સરેરાશ એટલો વધારે છે કે શ્વાસ લેવો મુશ્કેલ થાય. કાર્બન ડાયોક્સાઈડ-મોનોક્સાઈડ ઉપરાંત ઘાતક વાયુ મિથેન પણ હવામાં વધ્યો છે. ૨૦૦૦ની સરખામણીમાં ૨૦૨૦માં હવામાં ૬ ટકા વધારે મિથેન ભળ્યો હતો.

કાર્બનનું પ્રમાણ વધવાથી શું થાય?

- હવા પ્રદૂષિત થાય અને એ શ્વાસમાં જાય એટલે સંખ્યાબંધ બિમારીઓનો પણ શરીરમાં પ્રવેશ થાય.

- ચામડીને પણ પ્રદૂષિત હવા નુકસાન કરે.

- કાર્બન શોષી લઈ હવામાં ઓક્સિજન ઠાલવવાની જંગલોની ક્ષમતા ઘટી ગઈ છે. પાંદડાઓ પાતળા થવા લાગ્યા છે.

- આંખોમાં બળતરા, માથાનો દુખાવો વગેરે પ્રશ્નો ઉભા થાય.

- ગરમીમાં વધારો થાય અને ખેતપેદાશોની ઉત્પાદકતા ઘટે.

- આ ઉપરાંત બીજી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે જેનાથી છેવટે તો ધરતીના સૌ રહેવાસીઓનું જીવન દુષ્કર બને.