×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દ.આફ્રિકાની સુપ્રીમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાને 15 મહિનાની જેલની સજા સંભળાવી

નવી દિલ્હી, 29 જુન 2021 મંગળવાર

દક્ષિણ આફ્રિકાની સુપ્રીમ કોર્ટે મંગળવારે પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાને કોર્ટની અવમાનનાં કેસમાં 15 મહિનાની સજા સંભળાવી છે. ગયા વર્ષે નવેમ્બરમાં સ્ટેટ કેપ્ચરમાં તપાસ પંચ સમક્ષ સુનાવણીનો બહિષ્કાર કરવા અને ત્યારબાદ તેમાં હાજર રહેવાનો ઇન્કાર કરવા બદલ તેમને સજા સંભળાવવામાં આવી.

કોર્ટે એમ પણ કહ્યું કે સજા સ્થગિત કરી શકાતી નથી. વિવિધ સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર અને લાંચ આપવાના આરોપોની તપાસ કરી રહેલા કમિશને કહ્યું હતું કે ઝુમાને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવે. ઝુમાએ વારંવાર કહ્યું છે કે કમિશનને સહયોગ આપવાને બદલે જેલમાં જઇશ.

બંધારણીય અદાલતના ન્યાયમૂર્તિ સીસી ખામ્પેપે મંગળવારે સવારે આપેલા ચુકાદામાં તેમણે ઝુમાના નિવેદનોને વિચિત્ર અને અસહ્ય ગણાવ્યા. "બંધારણીય અદાલતનો મત છે કે જે વ્યક્તિ (ઝુમા) જેમણે બે વખત પ્રજાસત્તાક (દક્ષિણ આફ્રિકા), તેના કાયદા અને બંધારણના શપથ લીધા છે, તેમણે કાયદાની અવગણના કરી છે, તેને નબળા સમજ્યા છે અને તેને વિવિધ રીતે નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો છે".

ન્યાયાધીશ ખામ્પેપેએ કહ્યું કે, "બેંચના મોટાભાગના ન્યાયાધીશોનું મંતવ્ય છે કે એક કડક સંદેશ મોકલવો જોઈએ કે આવી અવહેલના અને ઉલ્લંઘન ગેરકાયદેસર છે અને તેને સજા આપવામાં આવશે."