×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશ માત્ર 15 વર્ષમાં ફરી અખંડ ભારત બનશે : ભાગવત


- આરએસએસ વડા ભાગવતની પ્રજાને અભિયાનમાં જોડાવા અપીલ

- દેશનો વિકાસ ધર્મના માર્ગે જ થશે, દુનિયા શક્તિને જ માનતી હોવાથી આપણે ડંડા સાથે અહિંસાની વાત કરવાની છે : સંઘ

- ભારત સતત પ્રગતિના માર્ગ ઉપર આગળ વધી રહ્યો છે, તેના માર્ગમાં આવનારા ખતમ થઈ જશે : ભાગવત

હરિદ્વાર : અખંડ ભારતનો મુદ્દો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એજન્ડામાં હંમેશા માટે સર્વોપરી રહ્યો છે ત્યારે સંઘના વડા મોહન ભાગવતે હરિદ્વારમાં જણાવ્યું કે, સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર છે. આમ તો ૨૦થી ૨૫ વર્ષમાં ભારત અખંડ રાષ્ટ્ર હશે, પરંતુ પ્રજા પ્રયાસ કરે તો માત્ર ૧૫ વર્ષમાં અખંડ ભારત બની જશે અને આપણે પોતાની આંખોથી જ દેશને અખંડ ભારત બનતા જોઈ શકીશું. ભારત હવે રોકાવાનું નથી, તેના રસ્તામાં આવનારા ખતમ થઈ જશે. આ દેશનો વિકાસ થશે તો તે ધર્મથી જ થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

 સંઘ પ્રમુખ ભાગવતે કહ્યું કે, જે રીતે ભગવાન કૃષ્ણની આંગળી પર ગોવર્ધન પર્વત ઊઠયો હતો તે રીતે સંતોના આશીર્વાદથી ભારત ફરી નજીકના સમયમાં અખંડ ભારત બની જશે, પરંતુ પ્રજા થોડો પ્રયાસ કરે તો સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદના સપનાઓનું અખંડ ભારત ૧૦થી ૧૫ વર્ષમાં જ બની જશે.

ભાગવતે વધુમાં કહ્યું હતું કે, કેટલાક કહેવાતા નેતાઓ, સનાતન ધર્મનો વિરોધ કરે છે તેમનું પણ તેમાં પ્રદાન છે. જો તેનો વિરોધ કરતા જ હોત તો હિન્દુઓ જાગત જ નહીં તેઓ સૂતા જ રહ્યા. તેમણે કહ્યું કે ભારતનું ઉત્થાન થશે તો ધર્મના માધ્યમથી જ થશે. કારણ કે ધર્મનું પ્રયોજન ભારતનું પ્રયોજન છે. ભારતમાં ધર્મના વિકાસ માટે પ્રયાસ થશે તો ભારતનો પણ વિકાસ થશે. સાથે જ તેના માર્ગમાં આવનારા કાં તો હટી જશે અથવા ખતમ થઈ જશે. આ રાષ્ટ્ર હવે વિકાસ વિના રોકાવાનું નથી. 

સંઘ પ્રમુખે કહ્યું કે, આ પ્રવાસમાં પ્રજાએ પણ જોડાઈ જવું જોઈએ અને રાષ્ટ્રને આગળ ધપાવવામાં સાથ આપવો જોઈએ. આપણે અહિંસાની વાત કરીએ છીએ પરંતુ તે વાત હાથમાં ડંડો લઈને કરવાની છે. આપણા મનમાં કોઈ દ્વેષ કે શત્રુભાવ નથી પરંતુ દુનિયા શક્તિને જ માન આપે છે. તો આપણે શું કરી શકીએ ? તેમણે ઉમેર્યું કે, એક હજાર વર્ષથી સનાતન ધર્મને ખતમ કરવાનો સતત પ્રયાસ થતો રહ્યો, પરંતુ તે લોકો ખતમ થઈ ગયા, પરંતુ સનાતન ધર્મ આજે પણ હયાત છે.

આરએસએસ પ્રમુખ મોહન ભાગવત હરિદ્વારમાં કનખલના સંન્યાસ રોડ સ્થિત શ્રી કૃષ્ણ નિવાસ આશ્રમ અને પૂર્ણાનંદ આશ્રમમાં બ્રહ્મલીન મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદ ગિરી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને ગુરુત્રય મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે સંતોને પણ રાષ્ટ્રના વિકાસમાં જોડાવા માટે હાકલ કરી હતી. તેમણે અમૃત મંથનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અમૃત મંથનના સમયે સૌથી પહેલાં વિષ નિકળ્યું હતું, પરંતુ દેવો અમૃત પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેમના કર્તવ્યથી વિચલિત થયા નહોતા. રાષ્ટ્ર સાધનામાં વિઘ્નો આવતા રહેશે. પરંતુ આપણે તેને પરાજિત કરીને સતત આગળ વધવાનું છે.

અખંડ ભારતની કલ્પના

આઝાદી પછી આજનું ભારત બે સદી પહેલાંના ભારત કરતાં ઘણું મર્યાદિત છે. કહેવાય છે કે એક સમયે ભારતનો ભૂભાગ ઘણો વિશાળ હતો. તે કાશ્મીરથી કન્યાકુમારી અને આસામથી ગુજરાત સુધી મર્યાદિત નહોતો. એક સમયે અફઘાનિસ્તાન, ભૂતાન, મ્યાંમાર, તિબેટ, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશનો અખંડ ભારતમાં સમાવેશ થતો હતો, પરંતુ બ્રિટિશ શાસનમાં વર્ષ ૧૮૫૦ પછી ક્રમશ: અલગ અલગ દેશો ભારતથી વિખુટા પડતા ગયા. અંતે આઝાદી સમયે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા તથા ૧૯૭૧માં પાકિસ્તાનના ભાગલા થઈ બાંગ્લાદેશ અલગ દેશ બન્યો.