×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશ કોરોનાના અજગર ભરડામાં : ૨૪ કલાકમાં ૧.૨૦ લાખ કેસની નવી ટોચ


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૭

દેશ કોરોનાની બીજી લહેરના અજગર ભરડામાં સપડાઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧.૨૦ લાખ નવા કેસ સામે આવ્યા છે. કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં એક દિવસમાં કોરોનાના આ સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૨૮ કરોડને પાર થઈ ગયા છે. દેશમાં છેલ્લા ચાર દિવસમાં ત્રીજી વખત એક દિવસમાં કોરોનાના કેસ એક લાખથી વધુ નોંધાયા છે. કોરોનાના કેરને પગલે છત્તિસગઢના રાયપુરમાં ૧૧ દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદી દેવાયું છે તો દિલ્હી સહિત અનેક રાજ્યોએ કોરોના પર કાબૂ મેળવવા લૉકડાઉન, નાઈટ કરફ્યૂ, વીકએન્ડ લૉકડાઉન જેવા આકરા પ્રતિબંધો મૂક્યા છે. દેશમાં કોરોનાની સ્થિતિ મુદ્દે વડાપ્રધાન મોદી ગુરુવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે. 

દેશમાં કોરોનાની સૌથી વધુ ગંભીર સ્થિતિ મહારાષ્ટ્રમાં છે, જ્યાં વીકએન્ડ અને નાઈટ કરફ્યૂ લાગુ કરી દેવાયા છે. આ સિવાય દિલ્હીમાં પણ નાઈટ કરફ્યૂ લાગુ છે. છત્તિસગઢના રાયપુરમાં ૯ એપ્રિલથી ૧૯ એપ્રિલ સુધી સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. છત્તિસગઢના દુર્ગમાં ૬ એપ્રિલથી ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરી દેવાયું છે. 

દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કુલ કેસ ૧,૨૮,૦૧,૭૮૫ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૨૦,૭૩૬ કેસ નોંધાયા હતા જ્યારે વધુ ૬૫૦નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧,૬૬,૧૭૭ થયો છે. દેશમાં સતત ૨૮મા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે, જેને પગલે એક્ટિવ કેસ વધીને ૮,૪૩,૪૭૩ થયા છે, જે કુલ કેસના ૬.૫૯ ટકા છે જ્યારે રીકવરી રેટ ઘટીને ૯૨.૧૧ થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧,૧૭,૯૨,૧૩૫ દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોના પર નિયંત્રણ લાવવા સરકારે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટ પર ભાર મૂક્યો છે. ત્યારે આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં ૬ઠ્ઠી એપ્રિલ સુધીમાં કુલ ૨૫,૧૪,૩૯,૫૯૮ ટેસ્ટ થયા છે. મંગળવારે એક જ દિવસમાં ૧૨,૦૮,૩૩૯ ટેસ્ટ થયા હતા.

દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તેના પર નિયંત્રણ લાવવા રસીકરણ અભિયાનની ગતિમાં વધારો કરવા માટે સરકાર ૧૧મી એપ્રિલથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૧૦૦ લાયક લાભાર્થીઓને સરકારી અને ખાનગી ઓફિસોમાં રસી લેવાની મંજૂરી આપશે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, સરકારી અને ખાનગી ઓફિસો અથવા ઉત્પાદન અને સર્વિસ એકમોમાં કામ કરતા ૪૫ વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા ઘણી મોટી છે. આ લોકોને રસીની ઉપલબ્ધતા પૂરી પાડવા માટે કંપનીઓ વર્તમાન કોવિડ રસીકરણ કેન્દ્રો સાથે મળીને તેમની ઓફિસોમાં ૧૦૦ લાયક લાભાર્થીઓને રસી આપી શકશે. જોકે, ઓફિસોમાં માત્ર ૪૫ વર્ષથી વધુ વયના કંપનીના કર્મચારીને જ રસી આપી શકાશે. લાયક લાભાર્થીના પરિવાર સહિત બહારની કોઈપણ વ્યક્તિને રસી આપી શકાશે નહીં. આવા લાભાર્થીઓએ કો-વિન પોર્ટલ પર અગાઉથી રસીકરણ માટે નોંધણી કરાવવી પડશે અને સીવીસી નોડલ અધિકારી બધા જ લક્ષ્યાંકિત લાભાર્થી અને એકમોની સ્થળ પર નોંધણી માટે ઉપલબ્ધ હશે.