×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં હવે ટ્રિપલ મ્યુટન્ટ કોરોના : મહારાષ્ટ્ર-બંગાળમાં વધુ કેસ


- એક દિવસમાં નવા ત્રણ લાખ જેટલા કેસ, 2,000થી વધુનાં મોત, ચાર જ દિવસમાં 10 લાખ કેસ વધ્યા

નવી દિલ્હી :દેશમાં કોરોનાનો રાફડો ફાટયો છે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૯૫૦૪૧ કેસો સામે આવ્યા છે. જ્યારે પહેલી વખત એક જ દિવસમાં સૌથી વધુ બે હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે. જે સાથે જ મૃત્યુઆંક ૧.૮૨ લાખને પાર પહોંચી ગયો છે. એક્ટિવ કેસો હવે વધીને ૨૧.૫૭ લાખને પાર પહોંચ્યો છે. છેલ્લા ૪૨ દિવસથી એક્ટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ ભારતમાં હવે ટ્રિપલ મ્યૂટેંટ કોરોના વાઇરસ મળી આવ્યો છે. જેની મહારાષ્ટ્ર અને બંગાળમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે.    

ઉત્તરાખંડમાં રાત્રી કરફ્યૂનો સમય લંબાવાયો, મહારાષ્ટ્રમાં વધુ ૬૨ હજાર, ઉ. પ્રદેશમાં ૨૯ હજાર અને દિલ્હીમાં ૨૮ હજાર કેસ જ્યારે જે નવા કેસો સામે આવ્યા છે તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન, ગુજરાત સહિત ૧૦ રાજ્યો એવા છે કે જ્યાં ૭૬ ટકા કેસો સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૬૨ હજાર નવા કેસો નોંધાયા છે, જ્યારે ઉત્તર પ્રદેશ ૨૯ હજાર કેસો સાથે બીજા ક્રમે છે. દિલ્હીમાં નવા ૨૮ હજાર કેસો નોંધાયા છે. અનેક રાજકારણીઓને હાલ કોરોના થઇ રહ્યો છે, મનમોહનસિંહ, રાહુલ ગાંધી, જિતેન્દ્રસિંહ, આનંદ શર્મા વગેરે બાદ હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૬૧ વર્ષીય મંત્રીને કોરોનાને કારણે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 

અનેક રાજ્યો હાલ કોરોના મહામારીને કારણે કરફ્યૂ અને લોકડાઉન લગાવી રહ્યા છે જેમાં હવે ઉત્તરાખંડનો પણ સમાવેશ થાય છે. ઉત્તરાખંડમાં રાત્રી કરફ્યૂનો સમય લંબાવી દેવામાં આવ્યો છે. જેને પગલે હવે રાત્રે સાત વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કરફ્યૂ લાગુ રહેશે.

હાલ કોરોનાના કેસોનો ધરખમ વધારો થઇ રહ્યો છે જે સાથે જ અનેક રેકોર્ડ પણ તુટી રહ્યા છે. નવા કોરોનાના કેસોના મામલે ભારત વિશ્વમાં સૌથી આગળ છે. જ્યારે દુનિયામાં દરેક ચાર વ્યક્તિમાંથી એક સંક્રમિત વ્યક્તિ ભારતમાં સામે આવી રહી છે. 

હાલ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે છેલ્લા ચાર દિવસમાં જ ભારતમાં કોરોનાના નવા ૧૦ લાખથી વધુ કેસો સામે આવ્યા છે. હાલ દેશમાં કોરોનાના દૈનિક અઢી લાખથી વધુ કેસો સામે આવી રહ્યા હોવાથી આંકડો બહુ જ ઝડપથી વધી રહ્યો છે. હાલ પોઝિટિવિટી રેટ પણ રાષ્ટ્રીય સ્તરે ૧૯ ટકાએ પહોંચ્યો છે.   મહારાષ્ટ્રમાં થયેલા જીનોમ સિક્વેંસિંગથી સામે આવ્યું છે કે જેટલા પણ કેસો સામે આવ્યા છે તેમાં ૬૦ ટકા નવા કોરોના વાઇરસના છે. જેનું નામ બી.૧.૬૧૮ વેરિએંટ રાખવામાં આવ્યું છે.

આ પહેલા ડબલ મ્યૂટેંટ કોરોના વાઇરસ આવ્યો હતો, જેનું નામ બી.૧.૬૧૭ રાખવામાં આવ્યું હતું. નવા ટ્રિપલ મ્યૂટેંટ કોરોના વાઇરસમાં નવા જેનેટિક સેટ છે. જેમાં ઇ૪૮૪કે વેરિએંટના અંશ પણ છે. ટ્રિપલ મ્યૂટેંટ કોરોના વાઇરસ બી.૧.૬૧૮ કોઇના પણ શરીરની પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઇમ્યૂન સિસ્ટમને પણ છેતરીને શરીરમાં અસર કરી જાય છે.