×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં સળંગ ત્રીજા દિવસે કોરોનાના ચાર લાખથી વધુ કેસ : 24 કલાકમાં 3915નાં મૃત્યુ


- 10 દિવસમાં દૈનિક કેસોમાં એક લાખનો ઉછાળો

- મહારાષ્ટ્રમાં 62 હજાર, કર્ણાટકમાં 49 હજાર અને કેરળમાં 42 હજાર નવા કેસ, 24 કલાકમાં 3915ના મોત

- 24 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 15 ટકાથી વધુ, દેશમાં એક્ટિવ કેસ 36 લાખ અને કુલ મૃત્યુઆંક 2.34 લાખને પાર

- 24 કલાકમાં 18 લાખથી વધુ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટિંગ 30 કરોડ નજીક જ્યારે કુલ કેસ 2.14 કરોડને પાર

- દેશમાં 24 કલાકમાં રસીના 23 લાખ ડોઝ સાથે કુલ અપાયેલા ડોઝની સંખ્યા 16.49 કરોડને પાર પહોંચી 

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાઇરસના દૈનિક કેસો હવે ચાર લાખથી વધુ સામે આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪.૧૪ લાખ કેસો નોંધાયા છે. જ્યારે આ મહિનામાં ત્રીજી વખત દૈનિક કેસ ચાર લાખથી વધુ નોંધાયા છે. બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા હવે ૩૬ લાખને પાર પહોંચી ગઇ છે જે કુલ કેસોના ૧૬.૯૬ ટકા છે. જ્યારે ૨૪ કલાકમાં વધુ ૩૯૧૫ લોકોના મોત નિપજ્યા છે અને કુલ મૃત્યુઆંક વધીને હવે ૨.૩૪ લાખને પાર પહોંચી ગયો છે. 

બીજી તરફ કોરોનાના કુલ કેસો હવે ૨.૧૫ કરોડની નજીક પહોંચી ગયા છે. જે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં માત્ર ૨૦ લાખ હતા અને હવે સીધા બે કરોડથી પણ વધુ થઇ ગયા છે. જે ૨.૩૪ લાખ લોકો મોતને ભેટયા છે તેમાં ૭૩ હજારથી વધુ માત્ર મહારાષ્ટ્રના છે જ્યારે ૧૮ હજાર સાથે દિલ્હી બીજા અને ૧૭ હજાર મોત સાથે કર્ણાટક ત્રીજા ક્રમે છે. હાલ ૨૪ રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ૧૫ ટકાથી વધુ છે. ૧૨ રાજ્યો એવા છે કે જ્યાં એક્ટિવ કેસો હાલ એક લાખથી વધુ છે. 

દેશમાં જે નવા કેસો ૨૪ કલાકમાં સામે આવ્યા છે તેના ૭૧ ટકા માત્ર ૧૦ રાજ્યોમાં છે, આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ વગેરેનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૬૨ હજાર જેટલા નવા કેસો નોંધાયા છે. જ્યારે કર્ણાટક ૪૯ હજાર, કેરળ ૪૨ હજાર નવા કેસો સાથે બીજા અને ત્રીજા ક્રમે છે. આ મે મહિનામાં ત્રીજી વખત દૈનિક કેસો ચાર લાખને પાર ગયા છે. પહેલી મેએ જ દૈનિક કેસ ચાર લાખને પાર જતા રહ્યા હતા, જ્યારે ૨૧મી એપ્રીલે કોરોનાના દૈનિક કેસો ત્રણ લાખને પાર ગયા હતા અને પહેલી મેએ ચાર લાખને પાર, એટલે કે માત્ર ૧૦ જ દિવસમાં કોરોનાના દૈનિક કેસો એક લાખ વધી ગયા છે. 

કોરોનાથી બચવા માટે હાલ રસિકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ૧૬મી જાન્યુઆરીથી રસી આપવાની શરૂઆત થઇ હતી, છેલ્લા ૨૪ કલાકમાં ૨૩ લાખ ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧૬.૪૯ કરોડ ડોઝ રસીના આપવામાં આવ્યા છે. તેની સાથે જ ટેસ્ટિંગનુ પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં જ કુલ ૧૮ લાખ જેટલા સેંપલ ટેસ્ટ કરાયા હતા અને અત્યાર સુધીમાં કુલ ટેસ્ટિંગનો આંકડો ૩૦ કરોડ નજીક પહોંચી ગયો છે. જેમ ટેસ્ટિંગ વધતુ જાય છે તેમ દૈનિક કેસોની સંખ્યા પણ વધી રહી છે. સરકાર લોકોને સામે ચાલીને ટેસ્ટિંગની અપીલ કરી રહી છે. જોકે ગ્રામિણ વિસ્તારોમાં હજુ પણ ટેસ્ટિંગનું પ્રમાણ શહેરોની સરખામણીએ ઘણુ ઓછુ જોવા મળી રહ્યું છે.       

ફાઇઝર રસી કોરોનાના ચેપ સામે રક્ષણ આપવા સક્ષમ : અમેરિકન રીસર્ચ

અમેરિકામાં ફાઇઝર નામની રસી કોરોના સામે રક્ષણ આપવામાં મહત્વપૂર્ણ સાબિત થઇ રહી હોવાનું એક રીસર્ચમાં સામે આવ્યું છે. અમેરિકન મેડિકલ અસોસિએશનના જર્નલમાં પ્રકાશિત રીસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકોએ ફાઇઝર રસી લીધી હોય તેમનામાં રસી ન લીધી હોય તેની સરખામણીએ કોરોનાના ઇંફેક્શનમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. સેંટ જ્યૂડ ચિલ્ડ્રન હોસ્પિટલના કર્મચારીઓ પર આ રીસર્ચ હાથ ધરાયું હતું. જેમાં જે લોકોએ ફાઇઝર રસીના ડોઝ લઇ લીધા હોય અને જે લોકોએ ન લીધા હોય તેમની સરખામણી કરવામાં આવી હતી. રીસર્ચમાં સામે આવ્યું કે જે લોકોએ આ રસી લીધી હતી તેમનામા કોરોના સીમ્પ્ટમેટિક અને અસીમ્પ્ટમેટિક ઇંફેક્શન ઓછુ જોવા મળ્યું છે. એટલે કે આ રસી કોરોના સામે લડવામાં મદદરુપ થઇ રહી હોવાનો દાવો વધુ એક રીસર્ચમાં કરાયો છે.