×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં સતત બીજા દિવસે 24 કલાકમાં 4000નાં મોત, 4.12 લાખ નવા કેસ


- ભારતમાં કુલ કેસ 2.10 કરોડ, મૃત્યુઆંક 2.30 લાખને પાર

- ઉત્તર ભારતમાં યુકે વેરિઅન્ટ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાતમાં ડબલ મ્યુટન્ટે કેર મચાવ્યો : એક્ટિવ કેસ 35.66 લાખ

- કેન્દ્ર બધા લોકોના રસીકરણની જવાબદારીમાંથી છટકી શકે નહીં, રાજ્યોએ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવો જોઈએ : રંગરાજન


નવી દિલ્હી : ભારતમાં નિષ્ણાતોની આગાહી મુજબ કોરોના મહામારીની બીજી લહેર વધુ ને વધુ વિકરાળ બની રહી છે. દેશમાં ગુરુવારે એક જ દિવસમાં કોરોનાથી ૪,૦૦૦ દર્દીનાં મોત થયા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. દેશમાં સતત બીજા દિવસે એક જ દિવસમાં સૌથી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. વધુમાં કોરોનાના નવા કેસ પણ ૪.૧૨ લાખ નોંધાયા છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના ચાર લાખ કરતાં વધુ કેસ નોંધાયા છે. દેશમાં નિષ્ણાતોએ કોરોનાની બીજી લહેરમાં મે મહિનાના મધ્ય સુધીમાં દૈનિક કેસ પાંચ લાખ સુધી અને એક્ટિવ કેસ ૫૦ લાખ સુધી વધવાની આગાહી કરી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૩,૯૮૦ના મોત નીપજ્યાં હતા, તેમજ કોરોનાના નવા ૪.૧૨ લાખ કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક ૨.૩૦ લાખ અને કુલ કેસ ૨.૧૦ કરોડને પાર થઈ ગયા છે. એક્ટિવ કેસ પણ વધીને ૩૫.૬૬ લાખ થયા છે, જે કુલ કેસમાં ૧૬.૯૨ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧.૭૨ કરોડ દર્દીઓ સાજા થયા છે. જોકે, રીકવરી રેટ ઘટીને ૮૧.૯૯ થયો છે અને મૃત્યુદર ૧.૦૯ ટકા નોંધાયો છે.

દેશમાં કોરોનાના નવા કેસમાં ૭૨ ટકાથી વધુ કેસ ૧૦ રાજ્યોમાં નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીનો સમાવેશ થાય છે. એ જ રીતે દેશમાં કુલ એક્ટિવ કેસમાંથી ૮૧.૦૫ ટકા કેસ ૧૨ રાજ્યોમાં નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૯.૩૪ લાખથી વધુ સત્રોમાં કોરોનાની રસીના ૧૬.૨૫ કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. દેશમાં ૧લી મેથી ૧૮થી ૪૪ વર્ષની વયજૂથના લોકોને રસી આપવાનું શરૂ થયું છે. મંત્રાલયના જણાવ્યા મુજબ ૧૨ રાજ્યોમાં આ વયજૂથમાં ૯,૦૪,૨૬૩ લાભાર્થીઓએ રસીનો પહેલો ડોઝ મૂકાવ્યો છે.

દેશમાં ૧૮થી ૪૪ વર્ષની વયજૂથના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થયું ત્યારથી રસીના અલગ અલગ ભાવનો મુદ્દો સતત ચર્ચાતો રહ્યો છે. ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટયૂટે કોરોનાની રસીના કેન્દ્ર, રાજ્યો અને ખાનગી હોસ્પિટલો માટે અલગ અલગ ભાવની જાહેરાત કરી છે. આવા સમયમાં આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર સી. રંગરાજને ગુરુવારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દેશમાં બધા જ લોકોના રસીકરણની જવાબદારીમાંથી છટકી શકે નહીં. 

કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન હાથ ધરવું જોઈએ જ્યારે રાજ્યોએ હોસ્પિટલોમાં બેડ, મેડીકલ સાધનો અને મેડીકલ સ્ટાફની ભરતી જેવા અન્ય હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પર ખર્ચ કરવો જોઈએ. રસીકરણ ખૂબ જ મહત્વનું છે તેથી તે કેન્દ્રીય સ્તરે થવું જોઈએ અને રસીકરણ માટેનો ખર્ચ કેન્દ્ર સરકારે ભોગવવો જોઈએ.

દરમિયાન નેશનલ સેન્ટર ફોર ડીસીસ કંટ્રોલ (એનસીડીસી)ના ડિરેક્ટર સુજીત સિંહે જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં યુકે સ્ટ્રેન વ્યાપક પ્રમાણમાં ફેલાયેલો છે જ્યારે મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં મોટાભાગે કોરોનાના ડબલ મ્યુટન્ટ વાઈરસે કેર મચાવ્યો છે.

આંધ્ર પ્રદેશ સરકારની ચેતવણી

નવો અત્યંત ચેપી કોરોના સ્ટ્રેન યુવાનોમાં ઝડપથી ફેલાય છે

કોરોના વાઈરસનો અત્યંત ચેપી સ્ટ્રેન બી.૧.૬૧૭ અને બી.૧ હાલમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં મળી આવ્યો છે અને વયસ્કો ઉપરાંત યુવાનોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજીના અભ્યાસને ટાંકીને રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું કે, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા સહિત દક્ષિણ ભારતમાં એપ્રિલ મહિનાના પોઝિટિવ ડેટાના સેમ્પલ્સમાંથી મળી આવેલા મોટાભાગના સ્ટ્રેઈન બી.૧.૬૧૭ અને બી.૧ છે, જે અત્યંત ચેપી છે અને યુવાનોમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. આ નોંધ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૨૫મી એપ્રિલના કોવિડ-૧૯ સાપ્તાહિક એપિડેમિઓલોજિકલ અપડેટ સાથે સુસંગત છે, જેમાં ભારતમાંથી બી.૧.૬૧૭ લાઈનેજને વીઓઆઈ (વેરિઅન્ટ ઓફ ઈન્ટ્રેસ્ટ) અંગે ઉલ્લેખ કરાયો છે, પરંતુ એન૪૪૦કે વેરિઅન્ટ અંગે કોઈ ઉલ્લેખ કરાયો નથી તેમ એપી કોવિડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના ચેરમેન કે. એસ. જવાહર રેડ્ડીએ જણાવ્યું હતું.