×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં વસતી નિયંત્રણ કાયદો બનાવી બધા પર સમાનરૂપે લાગુ કરો : ભાગવત


નાગપુર, તા.૧૫
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શુક્રવારે દશેરાના દિવસે તેના ૯૬મા સ્થાપના દિનની ઊજવણી કરી હતી. આ પ્રસંગે સંઘ પ્રમુખ મોહન ભાગવતે દેશમાં વધતી વસતીથી પેદા થઈ રહેલી સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું કે, દેશમાં વસતી નિયંત્રણ કાયદો બનાવી બધા જ લોકો પર તે સમાનરૂપે લાગુ કરવો જોઈએ. વધુમાં સંઘ પ્રમુખે દેશમાં ક્રિપ્ટોકરન્સીના વધતા ચલણ તેમજ ઓટીટી પ્લેટફોર્મ પર દર્શાવાતા કાર્યક્રમો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને આ બંને પર નિયંત્રણ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સંઘ પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે વસતી વૃદ્ધિદરમાં અસંતુલન દેશ માટે પડાકરજનક બન્યું છે. તેમણે ઉમેર્યું કે, જે ગતિએ વિવિધ સંપ્રદાયોની વસતીની સરેરાશમાં પરિવર્તન આવી રહ્યું છે તેને જોતાં વસતી નિયંત્રણ કાયદા પર પુનર્વિચાર કરવાની જરૂર છે. દેશની સમગ્ર વિસતી ખાસ કરીને સરહદીય વિસ્તારોમાં વસતીની સંખ્યાની સરેરાશમાં વધી રહેલું અસંતુલન દેશની એકતા, અખંડતા અને સાંસ્કૃતિક ઓળખ માટે ગંભીર સમસ્યા પેદા કરી શકે છે.

સરહદીય જિલ્લાઓમાં મુસ્લિમોનો વૃદ્ધિદર ઘૂસણખોરીના સંકેત આપે છે
તેમણે કહ્યું કે વિશ્વમાં ભારત એવા ટોચના દેશોમાં હતો, જેણે ૧૯૫૨માં જ વસતી નિયંત્રણના ઉપાયોની જાહેરાત કરી હતી, પરંતુ છેક ૨૦૦૦માં સમગ્ર જનસંખ્યા નીતિનું નિર્માણ અને જનસંખ્યા પંચની રચના થઈ શકી હતી. તેમણે ઉમેર્યું કે આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી જિલ્લાઓમાં મુસ્લિમ વસતીનો વૃદ્ધિદર રાષ્ટ્રીય સરેરાશથી ગણો વધુ છે, જે અસ્પષ્ટરૂપે સતત ઘૂસણખોરીના સંકેત આપે છે. તેથી દેશમાં ઉપલબ્ધ સંશાધનો, ભવિષ્યની જરૂરિયાતો અને વસતીના અસંતુલનની સમસ્યાને ધ્યાનમાં રાખતા વસતી નિયંત્રણ નીતિ સમાનરૂપે લાગુ કરવી જોઈએ. સરહદ પારથી થતી ઘૂસણખોરી પર અંકુશ મુકાવો જોઈએ. દેશમાં અસંતુલિત વસતી વૃદ્ધિને કારણે સ્થાનિક હિન્દુ સમાજ પર પલાયન કરવાનું દબાણ બનવાની અને ગૂનાઓ વધવાની ઘટનાઓ સામે આવી છે.
દેશમાં જાતિગત વિષમતા જૂની સમસ્યા, તેને દૂર કરવા સંવાદ જરૂરી
મોહન ભાગવતે જણાવ્યું કે દેશમાં જાતિગત વિષમતા આપણી જૂની સમસ્યા છે. તેને દૂર કરવા માટે અનેક પ્રયાસો થયા છતાં પણ આ સમસ્યા હજુ સંપૂર્ણપણે સમાપ્ત નથી થઈ. આપણે અલગ અલગ જાતિઓ વચ્ચે સંવાદ સ્થાપિત કરીને આ વિષમતાને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે અને સામાજિક અંતર દૂર કરવું પડશે.

વિશ્વમાં કેટલાક તત્વો ભારતની પ્રગતિની ઈર્ષ્યા કરે છે
સંઘ પ્રમુખે કહ્યું કે વિશ્વમાં કેટલાક એવા તત્વો છે, જે ભારતની પ્રગતિ તથા વિશ્વમાં સન્માનિત સ્થાન પર પહોંચવાના આપણા પ્રયાસોથી તેમને ઈર્ષ્યા થઈ રહી છે. ભારત પોતાનું ગુમાવેલું મહત્વનું સ્થાન પાછું ન મેળવી શકે તે માટે ભારતની જનતા, ભારતની વર્તમાન સ્થિતિ, ભારતના ઈતિહાસ, સંસ્કૃતિ, રાષ્ટ્રીય નવોદયનો આધાર બનનારી શક્તિઓ આ બધા વિરુદ્ધ કાવતરાં રચવાનું કામ થઈ રહ્યું છે. આપણે આ બધા કાવતરાંઓથી સમાજને બચાવવો પડશે. છેવટે સ્થિતિ એવી સર્જાય છે કે આપણે પરસ્પર જ લડી રહ્યા છીએ. રાજકીય સ્વાર્થના કારણે સરકારો પણ લડી રહી છે.
કોરોના મહામારીની ત્રીજી લહેર અંગે સાવધ રહેવું જરૂરી
કોરોના મહામારી અંગે ચર્ચા કરતાં તેમણે કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ પોતાના જીવનની ચિંતા કર્યા વિના લોકોને મદદ કરી. બીજી લહેરમાં સમાજે ફરી એક વખત સામુહિક પ્રયાસ કર્યા. આ સમસ્યા સંપૂર્ણપણે દૂર નથી થઈ. હજુ સમાજે સાવધ રહેવાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે દેશમાં સારવાર એવી હોવી જોઈએ, જે બધા લોકો માટે સસ્તી હોય, સુલભ હોય અને તે ગામોમાં પણ ઉપલબ્ધ હોય. પર્યાવરણના સંરક્ષણ માટે અનેક સંગઠનો દ્વારા કામ ચાલી રહ્યું છે.
અનિયંત્રીત ઓટીટી પ્લેટફોર્મથી બાળકો પર વિપરિત અસર થાય છે
ભાગવતે જણાવ્યું કે, કોરોનાના કારણે દેશના અર્થતંત્રને ઘણું નુકસાન થયું છે, પરંતુ તેને પૂરું કરતા અર્થતંત્રને પહેલાંથી પણ વધુ ગતિ આપવી અને આગળ વધારવાનું કામ પડકારજનક છે. દેશમાં ક્રિપ્ટોકરન્સીના વધતા ચલણ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું કે ક્રિપ્ટો કરન્સી પર નિયંત્રણ મૂકાવું જરૂરી છે. વધુમાં દેશમાં હાલ ઓટીટી પ્લેટફોર્મનું ચલણ પણ વધ્યું છે. આજે નાના છોકરાઓના હાથમાં મોબાઈલ આવી ગયા છે, જેમાં ઓટીટી પ્લેટફોર્મ પર તેઓ શું જોઈ રહ્યા છે, તેનું કોઈ ધ્યાન રાખી રહ્યું નથી. ઓટીટી પ્લેટફોર્મ પર કોઈ નિયંત્રણ ન હોવાથી બાળકો પર તેની વિપરિત અસર થઈ રહી છે. સરકારે ઓટીટી પ્લેટફોર્મ પર પણ નિયંત્રણ મૂકવાની જરૂર છે.