×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં વધુ એક કૃષિ ક્રાંતિની જરૂર, ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધે તે સમયની માંગઃ PM


- કિસાન રેલ આજે દેશના કોલ્ડ સ્ટોરેજ નેટવર્કનું સશક્ત માધ્યમ બની

નવી દિલ્હી, તા. 1 માર્ચ, 2021, સોમવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કૃષિક્ષેત્રે બજેટના અમલીકરણ મુદ્દે વેબિનાર સંબોધિત કર્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે સતત વધી રહેલા કૃષિ ઉત્પાદનો વચ્ચે 21મી સદીમાં ભારતને પોસ્ટ હાર્વેસ્ટ ક્રાંતિ કે ફુડ પ્રોસેસિંગ ક્રાંતિની જરૂર હોવાનું કહ્યું હતું. સાથે જ તેમણે આ કામ 2-3 દશકા પહેલા કરી દેવામાં આવ્યું હોત તો દેશ માટે સારૂં રહેત તેવી લાગણી વ્યક્ત કરી હતી. 

ગ્રામીણ ખેડૂતોને સ્ટોરેજની સુવિધા મળે

વડાપ્રધાને કહ્યું કે, આજે આપણને ખેતીના દરેક સેક્ટરમાં દરેક ખાદ્યાન્ન, ફળ, શાકભાજી, માછલી વગેરેમાં પ્રોસેસિંગ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આ માટે ખેડૂતોને પોતાના ગામની નજીક સ્ટોરેજની આધુનિક સુવિધા મળી રહે તે જરૂરી છે. ખેતરથી પ્રોસેસિંગ યુનિટ સુધી પહોંચવાની વ્યવસ્થા સુધારવી જ પડશે. 

કૃષિ ઉદ્યોગ કલસ્ટરની સુવિધા વધારવી પડશે

વડાપ્રધાને કહ્યું કે, આપણે દેશના કૃષિ ક્ષેત્રનો પ્રોસેસ્ડ ફુડના વૈશ્વિક માર્કેટમાં વિસ્તાર કરવો જ પડશે. આપણે ગામ પાસે જ કૃષિ ઉદ્યોગ કલસ્ટરની સંખ્યા વધારવી પડશે જેથી ગામના લોકોને ગામમાં જ ખેતી સાથે સંકળાયેલા રોજગાર મળી રહે. 

કિસાન રેલ દ્વારા સબસિડી

વડાપ્રધાને કહ્યું કે, "અમે કૃષિ ઉદ્યોગને મદદ કરવા માટે 11,000 કરોડ રૂપિયાની યોજનાઓ અને પીએલઆઈ સ્કીમ કાઢી. તે સિવાય ખાવા અને બનાવવા માટે તૈયાર એવા સમુદ્રી ભોજન અને ખાવાની બીજી વસ્તુઓનો પ્રચાર કર્યો. ઓપરેશન ગ્રીન યોજના અંતર્ગત કિસાન રેલ દ્વારા તમામ ફળો અને શાકભાજીના પરિવહન પર 50 ટકા સબસિડી આપી રહ્યા છીએ. કિસાન રેલ આજે દેશના કોલ્ડ સ્ટોરેજ નેટવર્કનું સશક્ત માધ્યમ બની છે."

કરોડો ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ

બજેટ સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, ખેતી સાથે સંકળાયેલું અન્ય એક મહત્વનું પાસું સોઈલ ટેસ્ટિંગનું છે. પાછલા વર્ષોમાં કેન્દ્ર સરકારે કરોડો ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપ્યા છે. હવે આપણે દરેક ગામડા સુધી સોઈલ હેલ્થ કાર્ડની ટેસ્ટિંગ સુવિધા પહોંચાડવાની છે. 

કૃષિ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારી વધારવા જોર

વડાપ્રધાને કહ્યું કે, કૃષિ ક્ષેત્રે સંશોધન અને વિકાસને લઈ મોટા ભાગનું યોગદાન સાર્વજનિક ક્ષેત્રનું છે. હવે તેમાં પ્રાઈવેટ સેક્ટરની ભાગીદારી વધે તે સમય આવી ગયો છે. હવે આપણે ખેડૂતોને એવા વિકલ્પ આપવાના છે કે તેઓ ઘઉં-ચોખા ઉગાડવા પૂરતા સીમિત ન રહે. 

કોરોના બાદ બરછટ અનાજની લોકપ્રિયતા વધી

વડાપ્રધાને કહ્યું કે, ભારતની એક મોટી જમીન બરછટ ધાન્ય માટે ખૂબ ઉપયોગી છે. પહેલેથી જ વિશ્વમાં બરછટ અનાજની માંગ વધારે હતી અને કોરોના બાદ તે ઈમ્યુનિટી બુસ્ટર તરીકે પ્રસિદ્ધ થયા છે. આ તરફ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા તે પણ ફુડ ઈન્ડસ્ટ્રીની મોટી જવાબદારી છે. તે સિવાય આપણા ત્યાં ઘણાં લાંબા સમયથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થઈ રહ્યું છે પરંતુ તે ફક્ત વેપાર જ ન બની રહે તે આપણો પ્રયત્ન હોવો જોઈએ અને આપણે તે જમીન પ્રત્યેની આપણી જવાબદારી પણ નિભાવવી જોઈએ. 

ખેડૂતની પ્રાથમિક જરૂરિયાતો

વડાપ્રધાને કહ્યું કે, બિયારણ, બજાર, લોન અને ખાતર એ કોઈ પણ ખેડૂતની પ્રાથમિક જરૂરિયાત છે જે તેને સમયસર જોઈએ જ. પાછલા વર્ષોમાં નાનામાં નાના ખેડૂતો, પશુપાલકોથી લઈને માછીમારો સુધી કિસાન ક્રેડિટ કાર્ડનો વ્યાપ વધારાયો છે.