×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં બેન્કો સાથે પાંચ લાખ કરોડના ફ્રોડ


90 નાણાં સંસ્થાઓ છેતરપિંડીનો ભોગ બની, 45,613 કેસ નોંધાયા : આરટીઆઇ હેઠળ ઘટસ્ફોટ

સૌથી વધુ 78072 કરોડ રૂપિયાના બેન્ક ફ્રોડ એસબીઆઇ સાથે, બીજાક્રમે 39733 કરોડ પીએનબી સાથે થયાં છે

મુંબઇ : બેન્કો સાથે લોનના નામે ફ્રોડ થયાની ઘટનાઓ સતત વધી રહી છે. કોરોના સંકટકાળ દરમિયાન પણ બેન્કો સાથે મોટી સંખ્યામાં છેતરપિંડી થતા કરોડો રૂપિયા ગુમાવવા પડયા છે. ફ્રોડનો આ આંકડો પાંચ લાખ કરોડ રૂપિયા જેટલો થવા જાય છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ ભારતમાં બેન્કો સાથે 31મી માર્ચ, 2021 સુધીમાં 4.92 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ છે. જે બેન્કોએ આપેલી કુલ લોનના 4.5 ટકા સમકક્ષ છે.

આ સ્ફોટક માહિતી રાઇટ ટૂ ઇન્ફોર્મેશન (આરટીઆઇ) હેઠળ બહાર આવી છે. 31મી માર્ચ 2021 સુધીમાં દેશમાં કામકાજ કરતી 90 બેન્કો અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયૂશના કુલ 45,613 ફ્રોડ કેસ નોંધાયા છે, જેમાં પબ્લિક સેક્ટરની બેન્કો મોખરે છે.

દેશમાં અત્યાર સુધી બેન્કો સાથે 5 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ છે, જેમાં સૌથી વધુ ફ્રોડ સરકારી માલિકીની ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) સાથે થઇ છે. એસબીઆઇને લેભાગુ તત્વોએ 78,072 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે, ત્યારબાદ સૌથી વધુ 39733 કરોડ રૂપિયાની છેતરપિંડી પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે થઇ છે.

આ ઉપરાંત બેન્ક ઓફ ઇન્ડિયા સાથે 32,224 કરોડ રૂપિયા અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા સાથે 29,572 કરોડરૂપિયાની છેતરપિંડી થઇ છે. રિપોર્ટ મુજબ ખાનગી બેંકોમાં સૌથી વધુ લોન ફ્રોડ આઈસીઆઈસીઆઈ બેન્ક સાથે થયું છે. લોન ફ્રોડની કુલ રકમમાં ખાનગી બેંકોની હિસ્સેદારી 11.87 ટકા જેટલી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના વાર્ષિક રિપોર્ટ અનુસાર 2019-20માં ભારતીય બેંકિગ ક્ષેત્રમાં શંકાસ્પદ લેણદેણમાં 159 ટકાની વૃદ્ધિની સાથે 1.86 લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ જોવાઈ હતી. આરબીઆઇના આંકડાઓથી માહિતી મળે છે કે 2014-15 અને 2019-20 વચ્ચે બેંકોએ 3.6 લાખ કરોડના લોન ફ્રોડની માહિતી આપી હતી.

નાણાકીય વર્ષ 20 અને નાણાકીય વર્ષ 19 માટેના આરબીઆઈના ડેટામાં લોન સંબંધિત મોટી છેતરપિંડી જોવા મળી હતી. નાણાકીય વર્ષ 19માં અગાઉથી સંબંધિત છેતરપીંંડી અનુક્રમે 90.2% અને નાણાકીય વર્ષ 15માં 98.1% હતી.  બેલેન્સશીટની વિગતો, થાપણો અને ઇન્ટરનેટથી સંબંધિત ફ્રોડ એ લોન સંબંધિત છેતરપીંડિનો એક નાનો હિસ્સો છે. આનો અર્થ એ છે કે મોટાભાગની છેતરપીંડીઓ લોન લેનારાઓ દ્વારા કરવામાં આવી હતી.

2261 એકાઉન્ટ વિલફુલ ડિફોલ્ટર જાહેર

આરબીઆઇ દ્વારા આરટીઆઇમાં જે જવાબ આપવામાં આવ્યો છે તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 31મી ડિસેમ્બર 2020 સુધી 2261 એકાઉંટને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેની કુલ રકમ આશરે 1.72 લાખ કરોડ રૂપિયા છે.  ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસીકમાં બેંકોએ 147 નવા વિલફૂલ ડિફોલ્ટરની ઓળખ કરી હતી. આ ડિફોલ્ટર્સ પર બેંકોના આશરે 5785 કરોડ રૂપિયા લેવાના બાકી છે. 

સીધા વિદેશી રોકાણમાં વિક્રમજનક વધારો

દેશમાં ઇક્વિટીમાં એફડીઆઇ 19 ટકા વધી 59.64 અબજ ડોલર 

દેશમાં કુલ સીધુ વિદેશી રોકાણ દસ ટકા વધી 81.72 અબજ ડોલર

નવી દિલ્હી : દેશમાં 2020-21માં સીધું  વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઇ) 19 ટકા વધીને 59.54 અબજ ડોલર થયું છે. સરકારે નીતિગત સુધારાના મોરચે લીધેલા પગલાના કારણે, રોકાણમાં સુગમતા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના લીધે રોકાણ વધ્યું છે, એમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું. 

દેશમાં 2020-21 દરમિયાન ઇક્વિટી, રિ-ઇન્વેસ્ટેડ અર્નિંગ્સ અને મૂડી સહિત કુલ એફડીઆઇ રોકાણ 10 ટકા વધીને અત્યાર સુધીનું સૌથી વધુ થઈને 81.72 અબજ ડોલર થયું હતું,  જે 2019-20માં 74.3 અબજ ડોલર હતું. 

મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે 2020-21માં એફડીઆઇનો ઇક્વિટી ઇનફ્લો 19 ટકા વધીને 59.64 અબજ ડોલર થયો હતો, જે 2019-20માં 49.98 અબજ ડોલર હતો. ટોચના રોકાણકારની રીતે જોઈએ તો . ગયા નાણાકીય વર્ષમા સિંગાપોર 29 ટકા હિસ્સા સાથે ટોચ પર છેં અમેરિકા 23 ટકા હિસ્સા સાથે બીજા ક્રમે અને મોરેશિયસ 9 ટકા હિસ્સા સાથે ત્રીજા ક્રમે છે. 

તેમણે જણાવ્યું હતું કે એફડીઆઇના મોરચે નીતિગત સુધારા, રોકાણમાં સુગમતા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના પગલાના લીધે દેશમા એફડીઆઇ ઇનફ્લોમાં વધારો જોવા મળ્યો છે. આમ એફડીઆઇના રોકાણનો વધેલો મૂડીપ્રવાહ દર્શાવે છે કે ભારત હજી પણ વૈશ્વિક રોકાણકારો માટે રોકાણની પસંદગીનું સૃથળ છે. 

કુલ એફડીઆઇમાં કોમ્પ્યુટર અને હાર્ડવેર સેક્ટરમાં રોકાણનો સૌથી વધુ 44 ટકા મૂડીપ્રવાહ જોવા મળ્યો હતો. તેના પછી બાંધકામ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટિવિટીઝમાં 13 ટકા અને સર્વિસિસ સેક્ટરમાં આઠ ટકા મૂડીપ્રવાહ જોવા મળ્યો હતો. ગુજરાત 2020-21માં મૂડીપ્રવાહ મેળવનાર ટોચનું રાજ્ય હતુ. કુલ એફડીઆઇ ઇક્વિટી ઇનફ્લોના 37 ટકા રોકાણ ગુજરાતમાં આવ્યું હતું. તેના પછી મહારાષ્ટ્રમાં 27 ટકા અને કર્ણાટકમાં 13 ટકા આવ્યું હતું, એમ તેમણે ઉમેર્યું હતું.