×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં ફરી માથું ઊંચકતો કોરોનો : 24 કલાકમાં 44 હજાર કેસ, 200નાં મોત


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૧૨

દેશમાં ફરીથી કોરોના મહામારી માથું ઊંચકી રહી છે. દેશમાં છેલ્લા ૧૧ દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રવિવારે એક જ દિવસમાં કોરોનાના નવા ૪૩,૮૪૬ કેસ નોંધાયા હતા, જે છેલ્લા ૧૧૫ દિવસમાં એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૧.૧૬ કરોડ નજીક પહોંચી ગઈ છે. વધુમાં કોરોનાથી રવિવારે એક દિવસમાં ૧૯૭નાં મોત નીપજ્યાં હતા, જે છેલ્લા ૯૭ દિવસમાં સૌથી વધુ છે. આ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક ૧.૬૦ લાખ નજીક પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે, જ્યાં રવિવારે ૩૦,૫૩૫ કેસ નોંધાયા હતા, જે ગયા વર્ષે માર્ચ પછી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજસ્થાનમાં પણ આઠ શહેરોમાં નાઈટ કરફ્યૂ લાદવામાં આવ્યો છે.

દેશમાં એક વર્ષ અગાઉ કોરોનાના કેસ વધતા ૨૨મી માર્ચે સૌપ્રથમ વખત લોકડાઉન લાગુ કરાયું હતું. બરાબર એક વર્ષ પછી ભારત ફરી એની એ સ્થિતિમાં આવી ગયું છે.  સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં સતત ૧૧મા દિવસે કોરોનાના કેસ વધ્યા છે. રવિવારે કોરોનાના ૪૩૮૪૬ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૧,૧૫,૯૯,૧૩૦ થઈ છે. કોરોનાના કેસમાં વધારાના પગલે એક્ટિવ કેસ પણ વધીને ૩,૦૯,૦૮૭ થયા છે, જે કોરોનાના કુલ કેસમાં ૨.૬૬ ટકા જેટલા છે. દેશમાં છેલ્લે ૨૬મી નવેમ્બરે એક જ દિવસમાં કોરોનાના નવા ૪૪,૪૮૯ કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧,૧૧,૩૦,૨૮૮ દર્દીઓ સાજા થઈ ગયા છે. જોકે, રીકવરી રેટ વધુ ઘટીને ૯૫.૯૬ ટકા થયો છે.

દેશમાં કોરોનાના નવા કેસમાંથી ૮૩ ટકા કેસ માત્ર પાંચ રાજ્યોમાં નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. વધુમાં દેશમાં કોરોનાથી કુલ ૧,૫૯,૭૫૫ લોકોના મોત થયા છે, જેમાં ૮૬.૮ ટકા મોત માત્ર છ રાજ્યોમાં નોંધાયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ ૫૩,૩૦૦ મોત મહારાષ્ટ્રમાં થયા છે. પંજાબમાં એક દિવસમાં વધુ ૩૮નાં મોત સાથે મૃત્યુઆંક ૬,૨૮૦ થયો છે. કેરળમાં કુલ મૃત્યુઆંક ૪,૪૮૨ છે. 

દેશમાં ફરીથી મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના નવા ૩૦,૫૩૫ કેસ નોંધાયા હતા, જે ગયા વર્ષે માર્ચ પછી એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ છે.આ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ ૨૪,૭૯,૬૮૨ થયો છે જ્યારે મૃત્યુઆંક ૫૩,૩૯૯ થયો છે. રવિવારે પંજાબમાં ૨,૫૭૮ અને કેરળમાં ૨,૦૭૮ કેસ નોંધાયા હતા. એક દિવસમાં કર્ણાટકમાં કોરોનાના નવા ૧,૭૯૮, ગુજરાતમાં ૧૫૬૫ અને મધ્ય પ્રદેશમાં ૧૩૦૮ કેસ નોંધાયા છે. કોરોનાના કેસની સાથે મહારાષ્ટ્રમાં મોતનો આંકડો પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ હતો. દેશમાં રવિવારે કોરોનાથી ૧૯૭નાં મોત નીપજ્યાં હતાં, જેમાં મહારાષ્ટ્રમાં ૯૨, પંજાબમાં ૩૮, કેરળમાં ૧૫નો સમાવેશ થાય છે.

દરમિયાન નવી દિલ્હીમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાકોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને સારવાર માટે એઈમ્સના કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા છે. રાજસ્થાનમાં પણ કોરોનાની સ્થિતિ વકરી રહી છે. પરીણામે રાજ્ય સરકારે આઠ શહેરોમાં સોમવારથી નાઈટ કરફ્યૂ લાદવાનો નિર્ણય કર્યો છે. વધુમાં રાજસ્થાનમાં પ્રવેશતા લોકો માટે કોરોનાનો નેગેટિવ રીપોર્ટ સાથે રાખવાનું ફરજિયાત કર્યું છે. રાજ્ય સરકારે સોમવારથી અજમેર, ભિલવાડા, જયપુર, જોધપુર, કોટા, ઉદયપુર, સગવાડા (ડુંગરપુર) અને કુશાલગઢ (બાંસવાડા)માં રાતે ૧૧.૦૦થી સવારે ૫.૦૦ સુધી નાઈટ કરફ્યુ લાદી દીધો છે. રાજસ્થાનના શહેરી વિસ્તારોમાં રાત્રે ૧૦.૦૦ વાગ્યાથી નાઈટ કરફ્યૂ લાદવામાં આવ્યો છે. રાજસ્થાનમાં શનિવારે કોરોનાના ૪૪૫ કેસ નોંધાયા હતા.

હરિદ્વારમાં કુંભ મેળાથી કોરોના મહામારી ફેલાવાનું જોખમ : કેન્દ્ર

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ઉત્તરાખંડના મુખ્ય સચિવને રાજ્યમાં કુંભ મેળાને ધ્યાનમાં લઈ કોરોના મહામારી વધવાની ચેતવણી આપી છે. પત્રમાં કહેવાયું છે કે હરિદ્વારમાં આરટી-પીસીઆર ટેસ્ટની સંખ્યા ઘણી ઓછી છે, જેને તુરંત આઈએમઆરના માપદંડો મુજબ વધારવા જોઈએ. હરિદ્વારમાં હાલ માત્ર પાંચ હજાર આરટી-પીસીઆર અને ૫૦ હજાર એન્ટીજેન ટેસ્ટ થઈ રહ્યા છે. ઉત્તરાખંડમાં કોરોનાની સ્થિતિની સમિક્ષા માટે કેન્દ્રની એક ટૂકડી ૧૬-૧૭ માર્ચે હરિદ્વાર પહોંચી હતી. છેલ્લા કેટલાક સમયમાં દેશના અગ્રણી ૧૨ રાજ્યોમાં કોરોના મહામારી વકરી છે. આ રાજ્યોના લોકો કુંભ મેળામાં આવી શકે છે. વધુમાં કેન્દ્રીય ટીમના એક અહેવાલ મુજબ રાજ્યમાં દૈનિક ૧૦-૨૦ શ્રદ્ધાળુઓ અને ૧૦-૨૦ સ્થાનિક લોકો કોરોનાની ઝપેટમાં આવતા હોવાનું જણાયું છે.