×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં પેટ્રોલમાં પ્રતિ લીટર 24 પૈસા, ડીઝલમાં પ્રતિ લીટર 27નો વધારો: મુંબઈમાં પેટ્રોલ રૂ. 99 નજીક, ડીઝલ રૂ. 90.40

નવી દિલ્હી, 16 મે 2021 રવિવાર

દેશમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરીણામો જાહેર થયા પછી અપેક્ષા મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ચાલુ રહ્યો છે. આ મહિનામાં છેલ્લા 13 દિવસમાં રવિવારે નવમી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો. રવિવારે પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલમાં 27 પૈસાનો વધારો કરાયો હતો. આ સાથે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિક્રમી સપાટીએ યથાવત્ રહ્યા છે. આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત રૂ. 99 નજીક પહોંચી ગઈ છે.

ઈંધણના ભાવમાં રવિવારના વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 92.58અને ડીઝલ રૂ. 83.22ની વિક્રમી સપાટીએ પહોંચ્યા છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 100ને પાર થઈ ગયો છે. તાજેતરના વધારા સાથે મુંબઈમાં પેટ્રોલ રૂ. 100ની નજીક પહોંચી રહ્યું છે. અત્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 98.88 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટ રૂ. 90.40થયો છે. રાજ્યોના વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) અલગ અલગ હોવાના કારણે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાની અલગ અલગ અસર થાય છે. દેશમાં પેટ્રોલ પર સૌથી વધુ વેટ રાજસ્થાનમાં અને ત્યાર પછી મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસૂલાય છે.

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 18દિવસના વિરામ પછી 4થી મેથી ભાવ વધારો શરૂ થયો છે. છેલ્લા 13 દિવસમાં ઈંધણના ભાવમાં 9મી વખત વધારો કરાયો છે.  આ નવ વધારામાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 2.19 અને ડીઝલ રૂ. 2.49 મોંઘા થયા છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 103.52 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 9599 છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક સુધારો કરતી ઓઈલ કંપનીઓએ તાજેતરના મહિનાઓમાં અનપેક્ષિત રીતે 15મી એપ્રિલે આંશિક રીતે ભાવ ઘટાડયા પછી ભાવમાં સુધારો ફ્રીઝ કરી દીધો હતો.

યોગાનુયોગ આ જ સમયમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ હતી. બીજી મેએ પરિણામ જાહેર થયા પછી તુરંત જ ઓઈલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય ઓઈલ બજારમાં મજબૂતીના ટ્રેન્ડને અનુરૂપ પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં વધારાના સંકેત આપ્યા હતા. ગયા વર્ષે માર્ચમાં સરકારે એક્સાઈઝ ડયુટીમાં વધારો કરતાં પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ.22.99 અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ.20.93નો વધારો કરાયો હતો.  પેટ્રોલ અને ડીઝલના રીટેલ વેચાણમાં કેન્દ્ર અને રાજ્યોના ટેક્સનો હિસ્સો અનુક્રમે 60 ટકા અને 54 ટકા જેટલો હોય છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 32.90 અને ડીઝલ પર રૂ. 31.80ની એક્સાઈઝ ડયુટી વસૂલે છે.