×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં દોઢ મહિના પછી કોરોનાના નવા ૧૫ હજાર કેસથી તંત્રમાં દોડધામ


નવી દિલ્હી, તા.૩૦
સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એવામાં ભારતમાં પણ કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસમાં અચાનક જ કોરોનાના કેસમાં તીવ્ર ઊછાળો આવ્યો છે. ગુરુવારે છેલ્લા એક મહિનામાં પહેલી વખત કોરોનાના નવા કેસ ૧૦,૦૦૦ને પાર થયા હતા અને પોઝિટિવિટી રેટ પણ ૧.૧૦ ટકા થયો હતો. પરિણામે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કોરોનાના કેસ વધતા ગુજરાત, મહારાષ્ટ્ર સહિત આઠ રાજ્યોમાં એલર્ટ જાહેર કરાઈ છે. દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં પણ તીવ્ર ઉછાળો આવ્યો છે અને આ વેરિઅન્ટ ૨૨ રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારતમાં ગુરુવારે અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક જ બમણો ઊછાળો આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૫,૩૬૮ કેસ નોંધાયા હતા જ્યારે પશ્ચિમ બંગાળમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨,૧૨૮ કેસ જોવા મળ્યા હતા. દિલ્હીમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૩૧૩ કેસ નોંધાયા હતા. ગુજરાતમાં પણ એક દિવસમાં ૫૭૩ લોકોના કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.
દેશમાં દોઢ મહિના પછી દૈનિક ૧૩,૦૦૦ કેસ નોંધાયા હતા અને દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૧૦ ટકા થયો છે. દેશભરમાં ૮ જિલ્લામાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ નોંધાયો છે. દેશમાં કોરોનાના કેસમાં આકસ્મિક વધારા અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટને ધ્યાનમાં રાખતાં મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, દિલ્હી, કર્ણાટક સહિતના રાજ્યોમાં એલર્ટ જાહેર કરાઈ હતી. મંત્રાલયે કહ્યું કે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ પાંચ રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસ સૌથી વધુ છે.
કોરોનાના કેસ વધવાના કારણે સ્વાસ્થ્ય મંત્રાલયે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ટેસ્ટિંગ વધારવા, હોસ્પિટલોની તૈયારીઓને સુદ્રઢ કરવા, રસીકરણ અભિયાન ઝડપી બનાવવા અને કવરેજ વધારવા તેમજ સંક્રમણના પ્રસારને ધ્યાનમાં રાખી આકરા પ્રતિબંધો લાદવા માટે પત્ર લખ્યો છે. આ રાજ્યોમાં અચાનક જ કોરોનાના કેસ વધવા લાગ્યા છે. મંત્રાલયે આ રાજ્યોને કોરોના પોઝિટિવ લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવા અને સંક્રમિત જણાતા લોકોને ક્વોરન્ટાઈન અને આઈસોલેટ કરવાની સલાહ આપી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં ગુરુવારે કોરોનાના દૈનિક કેસ ૧૫,૦૦૦ને વટાવી ગયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૩,૪૮,૨૩,૭૩૭ થયા હતા જ્યારે સક્રિય કેસ વધીને ૮૨,૪૦૨ થયા હતા. દેશમાં ગુરુવારે વધુ ૨૬૮ દર્દીનાં મોતની સાથે મૃત્યુઆંક ૪,૮૦,૮૬૦ થયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના સક્રિય કેસમાં ૫,૪૦૦નો વધારો થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૩,૪૨,૫૮,૭૭૮ દર્દીઓ સાજા થયા છે. વધુમાં દેશમાં કોરોના વિરોધી રસીના કુલ ૧૪૩.૮૩ કરોડ ડોઝ અપાયા છે.
દરમિયાન દિલ્હીમાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે દિલ્હીમાં વિદેશ પ્રવાસ ન કર્યો હોય તેવા લોકો પણ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જણાયું છે. તેનો અર્થ એ છે કે ઓમિક્રોન ઝડપથી પ્રસરી રહ્યો છે. દિલ્હીમાં કોરોનાના ૪૬ ટકા નવા કેસ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું જણાય છે. એટલે કે ઓમિક્રોન વેરિઅન્ટ ધીમે ધીમે લોકોમાં પ્રસરી રહ્યો છે અને તે હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. બીજીબાજુ પશ્ચિમ બંગાળ સરકારે ૩જી જાન્યુઆરીથી બ્રિટનથી કોલકાતા એરપોર્ટ માટે આવી રહેલી બધી જ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે.