×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં ટાઈગર પ્રોજેક્ટના 50 વર્ષ, વાઘની સંખ્યા વધીને 3,167એ પહોંચી


- ભારત પ્રકૃતિ અને અર્થતંત્ર વચ્ચે સંતુલન જાળવવામાં વિશ્વાસ ધરાવ છે : મોદી 

- બાંદીપુર ટાઈગર રિઝર્વમાં પીએમ મોદી અલગ અંદાજમાં જોવા મળ્યા, ટાઈગર રિઝર્વથી ભારતમાં પ્રવાસનને પણ પ્રોત્સાહન મળ્યું

- દેશમાં ટાઈગર રિઝર્વની સંખ્યા પણ 9 થી વધીને 53 થઈ, દુનિયામાં કુલ વાઘમાંથી 75 ટકા વસતી ભારતમાં : વડાપ્રધાન

મૈસુર : ભારત પ્રકૃતિ અને અર્થતંત્ર વચ્ચે ઘર્ષણમાં વિશ્વાસ નથી ધરાવતું અને બંને વચ્ચેના સહ-અસ્તિત્વના મહત્વને તે ખૂબ સારી રીતે સમજે છે તેમ જણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે વન્ય જીવોનું રક્ષણ વૈશ્વિક મુદ્દો છે. આ સાથે વડાપ્રધાન મોદીએ બિલાડી કુળના (વાઘ, સિંહ) સંરક્ષણ અને જાળવણી માટે ઈન્ટરનેશનલ બીગ કેટ અલાયન્સ (આઈબીસીએ)નો પ્રારંભ કર્યો હતો. 

પ્રોજેક્ટ ટાઈગરના ૫૦ વર્ષ પૂરા થવા પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં રવિવારે વડાપ્રધાન મોદીએ આઝાદી પછી દેશમાં ૫૩ ટાઈગર રિઝર્વ વિસ્તારોમાં વાઘની સંખ્યા વધીને ૩,૧૬૭ થઈ હોવાની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટ ટાઈગરના ૫૦ વર્ષ પૂરા થવા પ્રસંગે એક સ્મારક સિક્કો જાહેર કર્યો હતો અને 'ઈન્ટરનેશનલ બીગ કેટ્સ અલાયન્સ'નો પણ પ્રારંભ કર્યો હતો. આ આઈબીસીએમાં એવા દેશોનો સમાવેશ થાય છે, જ્યાં બિલાડી કુળના સાત પશુઓ - સિંહ, વાઘ, દીપડો, હિમ દીપડો, પુમા, જગુઆર અને ચીત્તાનો સમાવેશ થાય છે. આ સંગઠન આ પશુઓના સંરક્ષણ અને સુરક્ષા પર ધ્યાન આપશે.

આ સમયે વડાપ્રધાન મોદીએ ભારતમાં વાઘોની નવી સંખ્યાના આંકડા જાહેર કર્યા હતા. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૨૨માં દેશમાં વાઘોની સંખ્યા ૩,૧૬૭ હતી. આમ, છેલ્લા ૪ વર્ષમાં દેશમાં ૨૦૦ વાઘ વધ્યા છે. આ પહેલા ૨૦૧૮માં આ સંખ્યા ૨,૯૬૭ હતી. વાઘની વસતીના આંકડા દર ચાર વર્ષે જાહેર કરવામાં આવે છે.

કર્ણાટકમાં પ્રોજેક્ટ ટાઈગરના ૫૦ વર્ષ પૂરા થવાના પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, આપણે બધાએ માત્ર વાઘને બચાવ્યા જ નથી, પરંતુ તેની વસતી વધારવા માટે સારી ઈકોસિસ્ટમ પણ આપી છે. પ્રોજેક્ટ ટાઈગર બિગ કેટ્સની સુરક્ષા અને સંરક્ષણનો માર્ગ આગળ લઈ જશે. પ્રકૃતિનું રક્ષણ કરવું એ ભારતીય સંસ્કૃતિનું અંગ છે. 

તેમણે ઉમેર્યું કે, પ્રોજેક્ટ ટાઈગરની સફળતા માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ગર્વની બાબત છે. ભારતે આઝાદીના ૭૫ વર્ષ પૂરા કરી લીધા છે. સાથે જ દુનિયામાં વાઘની ૭૫ ટકા વસતી આજે ભારતમાં છે. આ બીગ કેટ્સના કારણે ટાઈગર રિઝર્વની સંખ્યા પણ વધી છે અને તેના કારણે પ્રવાસનને પણ પ્રોત્સાહન મળ્યું છે તેમજ તેનાથી અર્થતંત્રને પણ મજબૂતી મળી છે.

આ પહેલાં રવિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વનો પ્રવાસ કર્યો હતો, જ્યાં મોદી એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે બ્લેક હેટ, સ્ટાઈલીશ ચશ્મા, પ્રિન્ટેડ ટી-શર્ટ અને ખાકી રંગની હાફ જેકેટ પહેર્યા હતા. તેમનો આ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

દેશમાં એક સમયે ૧ લાખ વાઘ હતા. પરંતુ વારંવાર તેનો શિકાર કરવામાં આવતા ભારતમાં વાઘ નામશેષ થવાના આરે પહોંચી ગયા હતા. દેશમાં વાઘની ઘટતી વસતીને ધ્યાનમાં લઈ ૧ એપ્રિલ ૧૯૭૩ના રોજ ભારતે પ્રોજેક્ટ ટાઈગર લોન્ચ કર્યો હતો. આ યોજનાની શરૂઆત સમયે દેશમાં કુલ ૧૮,૨૭૮ ચો. કિ.મી.ને આવરી લેતા ૯ વિસ્તારને ટાઈગર રિઝર્વ જાહેર કરાયા હતા. છેલ્લા ૫૦ વર્ષમાં આ યોજનાનો વિસ્તાર થયો અને આજે ટાઈગર રિઝર્વની સંખ્યા વધીને ૫૩ થઈ ગઈ છે, જેમાંથી ૨૩ ટાઈગર રિઝર્વને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે અને તેનો વિસ્તાર વધીને ૭૫૦૦ ચો. કિ.મી. થઈ ગયો છે.

ચેન્નઈમાં થેપ્પાકૂડ હાથી શિબિરની પણ મુલાકાત

વડાપ્રધાન મોદીએ રવિવારે તમિલનાડુમાં મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં થેપ્પાકડૂ હાથી શિબિરનો પ્રવાસ કર્યો અને મહાવત દંપતિ બોમન તથા બેલી સાથે વાતચીત કરી હતી. આ મહાવત દંપતિના જીવન પર આધારિત દસ્તાવેજી ફિલ્મ 'ધ એલિફન્ટ વિસ્પર્સ'ને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. આ દંપતિએ ફિલ્મમાં અભિનય પણ કર્યો હતો. પીએમ મોદીએ ફિલ્મમાં દંપતિ દ્વારા હાથીઓ રેઘુ અને બોમ્મી પ્રત્યે દર્શાવાયેલી દેખભાળની પ્રશંસા કરી હતી. પીએમ મોદી જમીન માર્ગે બાંદીપુર ટાઈગર રિઝર્વથી થેપ્પાકડૂ હાથી શિબિર પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાને હાથીઓને શેરડી ખવડાવી હતી. 

દેશમાં વાઘની વસતી

વર્ષ

વસતી

૨૦૦૬

,૪૧૧

૨૦૧૦

,૭૦૬

૨૦૧૪

૨૨૨૬

૨૦૧૮

૨૯૬૭

૨૦૨૨

૩૧૬૭