×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં જાન્યુઆરીમાં કોરોના માથું ઉંચકશે : 40 દિવસ મહત્ત્વના


- દેશમાં કોરોનાના 188 નવા કેસ : એક્ટિવ કેસો વધીને 3468

- ચીન સહિતના છ દેશોના પ્રવાસીઓ માટે આગામી સપ્તાહથી આરટીપીસીઆર ફરજિયાત બનાવાય તેવી શક્યતા

- છેલ્લા બે દિવસમાં વિદેશમાંથી આવેલા 6000 યાત્રીઓમાંથી 41ના યાત્રીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર આગામી સપ્તાહથી ચીન અને અન્ય પાંચ દેશો જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, થાઇલેન્ડ અનેિ સિંગાપોરમાંથી આવતા યાત્રીઓ માટે નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજિયાત બનાવે તેવી શક્યતા છે તેમ સત્તાવાર સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું હતું. 

ચીનમાં કોરોના વાયરસે વરસાવેલા હાહાકાર પછી ભારતમાં પણ ચિતાજનક ખબરો મળી રહી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આગામી ૪૦ દિવસ ભારત માટે મુશ્કેલીભર્યા બની રહેવાના છે. કારણ કે જાન્યુઆરીમાં કોરોના કેસો વધવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. દેશમાં કોરોનાનું ત્રીજું મોજું ફરી વળવાની શક્યતા છે.

વાસ્તવમાં પૂર્વ એશિયામાં કોવિડ ફેલાયા પછી ૩૦- ૩૫ દિવસે ભારતમાં કોવિડનું મોજું આવ્યું હતું. આ એક ટ્રેન્ડ બની ગયો છે જેના આધારે આ અનુમાન કરવામાં આવ્યું છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ચીનમાં ફેલાયેલા કોવિડ- મોજાનું કારણ ઑમિક્રોનનું સબ વેરિયન્ટ બી-એફ-૭ છે. આ પ્રકારના બધા જ સબ-વેરિયન્ટ ઝડપભેર સંક્રમણ ફેલાવે છે અને એકી સાથે ૧૬ લોકોને સંક્રમિત કરી શકે છે.

જો કે, આરોગ્ય મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે, આ વખતે સંક્રમણ બહુ ગંભીર નહી રહે તેવામાં કોઈ મોજું આવે તો પણ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની સંખ્યા તેમજ કોવિડથી થતા મૃત્યુદર પણ ઓછો રહેશે.

નવા વેરિયન્ટ બીએફ-૭ ઉપર દવાઓ અને વેક્સિન કેટલા અસરકારક નીવડે છે તે અંગે પણ આરોગ્ય મંત્રાલય અભ્યાસ કરી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં ૬ હજાર આંતરરાષ્ટ્રીય યાત્રીઓની તપાસ થઈ ચૂકી છે તેમાં ૪૧ કોરોના પોઝિટીવ મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે જો ભારત જોડો યાત્રામાં કોરોના પ્રોટોકોલનો અમલ થતો ન હોય તો આ યાત્રા બંધ કરવી જોઇએ. હાલમાં આ યાત્રામાં શિયાળુ બ્રેક ચાલી રહ્યો છે અને ત્રણ જાન્યુઆરીથી આ યાત્રા ફરીથી શરૂ થશે. 

જો કે સીએસઆઇઆર-ઇન્સ્ટીટયૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટેગ્રેટીવ બાયોલોજી (આઇજીઆઇબી)ના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોનાની મોટી લહેર આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૮૮ કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ એક્ટિવ કેસો વધીને ૩૪૬૮ થઇ ગયા છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૪૬,૭૭,૬૪૭ થઇ ગઇ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ ૫,૩૦,૬૯૬ લોકોનાં મોત થયા છે. 

દૈનિક પોઝિટીવ રેટ ૦.૧૪ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૦.૧૮ ટકા નોંધવામાં આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં એક્ટિવ કેસોમાં ૪૭નો ઘટાડો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર રાષ્ટ્રવ્યાપી કોરોના વેક્સિન અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના ૨૨૦.૦૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 

ભારતમાં ચીન જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા ઓછી

હાલમાં દેશમાં કોરોના વેક્સિનના ચોથા ડોઝની જરૂર નથી : નિષ્ણાતો

- દેશમાં મોટા ભાગના લોકોએ હજુ સુધી ત્રીજો જ ડોઝ લીધો નથી તો ચોથા ડોઝની વાત જ ક્યાંથી

વિશ્વના અનેક દેશોમાં કોરોના વેક્સિનનો ત્રીજો અને ચોથો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે જ્યારે ભારતમાં વેક્સિનના બે ડોઝ લેનારા અનેક લોકોએ હજુ સુધી વેક્સિનનો એક પણ બુસ્ટર ડોઝ લીધો નથી. ત્યારે ભારતના નિષ્ણાતોએ જણાવ્યું છે કે હાલમાં ભારતમાં કોરોના વેક્સિનના ચોથા ડોઝની જરૂર નથી.

હવે જ્યારે ચીન સહિતના દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે દેશમાં વેક્સિનના બીજા બૂસ્ટર ડોઝની જરૂર છે કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે. 

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દેશમાં મોટા ભાગના લોકોએ વેક્સિનનો ત્રીજો એટલે કે પ્રથમ બુસ્ટર ડોઝ જ લીધો નથી ત્યારે હાલમાં વેક્સિનના ચોથા ડોઝ એટલે કે બીજા બુસ્ટર ડોઝની હાલમાં જરૂર નથી.

આ દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (આઇઆઇએસઇઆર), પુણેના ફેકલ્ટી સત્યજીત રથના જણાવ્યા અનુસાર ભારતમાં ચીન જેવી િસ્થિ સર્જાવાની કોઇ શક્યતા નથી.  ભારતની સ્થિતિ ચીન કરતા ખૂબ જ અલગ છે. 

ભારતમાં એક વર્ષ પહેલા જ ઓમિક્રોન વેરિયન્ટની લહેર જોવા મળી હતી. અમેરિકા અને બ્રિટનમાં હાલમાં વેક્સિનના બે ડોઝ લેનારાઓને ત્રીજો અને ચોથો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.