×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં કોરોનાના નવા 2.57 લાખ કેસ અને 4194ના મોત નોંધાયા


તમિલનાડુમાં લોકડાઉનને એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યું

રાજ્યો પાસે હજી  કોરોના રસીના 1.6 કરોડ ડોઝ પડયા હોવાનો કેન્દ્રના આરોગ્ય ખાતાનો દાવો

ભોપાલમાં કોરોના કરફ્યુ પહેલી જુન સુધી લંબાયો 

નવી દિલ્હી : ભારતમાં કોરોના મહામારીની સ્થિતિમાં આંશિક સુધારો જોવા મળ્યો છે. દેશમાં કોરોનાના દૈનિક કેસમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે, પરંતુ કોરોનાથી થતાં મોતનું પ્રમાણ ફરી એક વખત વધ્યું છે.

ભારતમાં કોરોના મહામારી હવે ગામડાઓમાં ઝડપથી ફેલાઈ રહી હોવાથી શનિવારે કોરોનાના દૈનિક મોતની સંખ્યા વધીને 4,194 થઈ હતી. આ સાથે કોરોનાનો કુલ મરણાંક 2,95,525 થયો હતો. ગામડાઓમાં જાહેર સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી કોરોના પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો છે.

ભારતમાં આજે સતત છઠ્ઠા દિવસે કોરોનાના નવા કેસોની સંખ્યા ત્રણ લાખ કરતાં ઓછી રહી હતી. આજે દેશમાં કોરોનાના નવા 2.57 લાખ કેસો નોંધાયા હતા. દેશમાં કોરોનાના એક્ટિવકેસોની સંખ્યામાં 11.12 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે નેશનલ રિકવરી રેટ સુધરીને 87.76 ટકા થયો હતો. આજે દેશમાં કારોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા 2,30, 70,365 રહી હતી.

ભારતમાં આજે 4,194 જણાના મોત થયા તેમાં 1263 મહારાષ્ટ્રમાંથી, 467 તમિલાનાડુમાંથી, 353 કર્ણાટકમાંથી, 252 દિલ્હીમાંથી, 172  ઉત્તરપ્રદેશ અને પંજાબ દરેકમાંથી,142 કેરળમાંથી, 129 રાજ્સ્થાનમાંથી, 116 ઉત્તરાખંડમાંથી, 112 હરિયાણામાંથી, 104 આંધ્રમાંથી અને 96 મોત છત્તિસગઢમાંથી નોંધાયા હતા. આરોગ્ય મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે આમાંથી 70 ટકા કરતાં વધારે મોત કોમોર્બિટિડિઝને કારણે થયા હતા. 

કેન્દ્રના આરોગ્ય ખાતાએ આજે દાવો કર્યો હતો કે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજી 1.60 કરોડ કોરોના રસીના ડોઝ ઉપલબ્ધ છે અને આગામી ત્રણ દિવસમાં બીજા 2.67 લાખ ડોઝ પુરાં પાડવામાં આવશે.

આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું કે વેડફાઇ ગયેલા રસીના ડોઝ સહિત કુલ 19,73,61,311 ડોઝ વપરાઇ ગયા છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ 21 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. આમ વપરાઇ ગયેલા ડોઝને બાદ કરતાં હજી રાજ્યો પાસે 1.60 કરોડ ડોઝ પડેલા છે.

નીતિ આયોગના સભ્ય વીકે પોલે જણાવ્યું હતું કે પોઝિટિવીટી રેટમાં ઘટાડો થયો છે પણ દેશમાં 382 જિલ્લાઓમાં પોઝિટિવીટી રેટ હજી દસ ટકા કરતાં વધારે છે. લવ અગરવાલે જણાવ્યું હતું કે આઠ રાજ્યોમાં એકલાખ કરતાં વધારે સક્રિય કોરોના કેસો છે જ્યારે 18 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ પંદર ટકા કરતાં વધારે છે.

રસીના વેડફાટમાં પણ ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયે દેશમાં છેલ્લા 24 કલાકમાં 20.66 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જે એક દિવસમાં કરવામાં આવેલાં સર્વાધિક ટેસ્ટ છે.

દેશમાં રસીકરણ ઝૂંબેશ હેઠળ 19.33 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. લગભગ 66,91,350 આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસીનો બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 18-44 વર્ષના વયજૂથના 92,97,532 જણાને કોરોના રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. 

દરમ્યાન તમિલનાડુમાં મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિને કોરોના લોકડાઉનને વધુ એક સપ્તાહ માટે લંબાવ્યો હતો. મુખ્ય પ્રધાને લોકોને માસ્ક પહેરવાની અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરી હતી. તમિલનાડુમાં કોરોનાના નવા 36,000 કેસો નોંધાયા હતા. 

મધ્ય પ્રદેશના પાટનગર ભોપાળમાં બાર એપ્રિલેે લાદવામાં આવેલાં કરફ્યુને હવે પહેલી જૂૃનની સવાર સુધી લંબાવવામાં આવ્યો છે. આવશ્યક ચીજ વસ્તુઓની હેરફેર અને ઇમરજન્સી પ્રવાસને આ કરફયુમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. ભોપાળમાં કોરોનાના કેસોની સંખ્યા 1,16,481 થઇ છે જ્યારે મરણાંક 895 થયો છે.