×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં કોઈ ભૂખ્યું ના સૂવે તે જોવાની જવાબદારી સરકારની


- મફત અનાજ યોજના ચાલુ રાખવા સુપ્રીમનો કેન્દ્રને આડકતરો સંકેત

- સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ઈ-પોર્ટલ પર રજિસ્ટર્ડ પ્રવાસી, અસંગઠિત મજૂરોની સંખ્યા નવા ચાર્ટ સાથે રજૂ કરવા નિર્દેશ

- લોકોની માથાદીઠ આવક વધ્યાના સરકારના દાવા વચ્ચે હંગર ઈન્ડેક્સમાં ભારત સતત નીચે ગગડે છે : અરજદારો

- એનએફએસએ હેઠળ 81.35 કરોડ લોકોને મફત અનાજ યોજનાનો લાભ આપ્યાનો સરકારનો દાવો

નવી દિલ્હી : આપણી સંસ્કૃતિ છે કે આપણે એ બાબતની ખાતરી કરીએ કે કોઈપણ વ્યક્તિ ભૂખ્યા પેટે ના ઊંઘે તેમ સુપ્રીમ કોર્ટે મંગળવારે એક કેસની સુનાવણી કરતા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકારે એ બાબત સુનિશ્ચિત કરવી જોઈએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ છેવાડાની વ્યક્તિ સુધી અનાજ પહોંચે. આ સમયે સુપ્રીમ કેન્દ્રને ઈ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટર્ડ પ્રવાસી અને અસંગઠિત ક્ષેત્રના મજૂરોની સંખ્યા સાથે એક નવો ચાર્ટ રજૂ કરવા માટે પણ કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતા.

ન્યાયાધીશો એમઆર શાહ અને હિમા કોહલીની બેન્ચે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (એનએફએસએ) હેઠળ અનાજ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે છે કે નહીં તે સુનિશ્ચિત કરવાની સરકારની ફરજ છે. અમે એમ નથી કહેતા કે કેન્દ્ર સરકાર કશું નથી કરી રહી. ભારત સરકારે કોરોના દરમિયાન લોકોને ખાદ્યાન્ન આપ્યું છે. સાથે જ આપણે એ જોવાનું રહેશે કે આ સિલસિલો ચાલતો રહે. એ આપણી સંસ્કૃતિ છે કે કોઈપણ ખાલી પેટ ના ઊંઘે તેની આપણે ખાતરી કરીએ.

સુપ્રીમ કોર્ટમાં મંગળવારે કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોને થયેલી અનેક મુશ્કેલીઓના મુદ્દે સુનાવણી થઈ હતી. આ સમયે બેન્ચે આ નિવેદન કર્યું હતું. ત્રણ સામાજિક કાર્યકરો અંજલિ ભારદ્વાજ, હર્ષ મંદર અને જગદીપ છોકર તરફથી કોર્ટમાં દલીલો કરી રહેલા વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, ૨૦૧૧ની વસતી ગણતરી પછી વસતી વધી છે. તેની સાથે એનએફએસએ હેઠળ આવતા લોકોની સંખ્યા પણ વધી છે. પ્રશાંત ભૂષણે કહ્યું કે, આ કાયદાનો યોગ્ય રીતે અમલ નહીં થઈ શકે તો જરૂરિયાતમંદ લોકોને અનાજ નહીં મળી શકે.

પ્રશાંત ભૂષણે કહ્યું કે સરકાર દાવો કરી રહી છે કે તાજેતરના વર્ષોમાં લોકોની પ્રતિ વ્યક્તિ આવકમાં વધારો થયો છે, પરંતુ ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત ઝડપથી ગગડી રહ્યું છે. સરકાર તરફથી દલીલ કરતાં અધિક સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહ્યું કે એનએફએસએ હેઠળ ૮૧.૩૫ કરોડ લાભાર્થીને કેન્દ્ર સરકારે મફત અનાજ આપ્યું છે. ભારતની દૃષ્ટિએ આ મોટી સંખ્યા છે.

દેશમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો વર્ષ ૨૦૧૩માં ૧૦મી સપ્ટેમ્બરે લાગુ થયો હતો. તેનો આશય લોકોને ગરીમા સાથે જીવન જીવવા માટે સસ્તી કિંમતો પર ગુણવત્તાપૂર્ણ પર્યાપ્ત ભોજન પૂરું પાડવાનો છે. આ કાયદા હેઠળ ૭૫ ટકા ગ્રામીણ વસતી અને ૫૦ ટકા શહેરી વસતીને આવરી લેવામાં આવી છે, તેમને ખૂબ જ ઓછા ભાવે સરકાર દ્વારા અનાજ પૂરું પાડવામાં આવે છે.

જુલાઈ ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટે  કહ્યું હતું કે, પ્રવાસી મજૂરો રાષ્ટ્રના નિર્માણમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેના અધિકારીઓની જરા પણ અવગણના કરી શકાય નહીં. કોર્ટે કેન્દ્રને પ્રવાસી મજૂરોને રાશનકાર્ડ વિના ભોજન પૂરું પાડવા માટે પાસેથી એક તંત્ર તૈયાર કરવા કહ્યું હતું, જેથી તેઓ કોઈપણ જગ્યાએથી ખાદ્યાન્ન મેળવી શકે. સુપ્રીમ કોર્ટે તે સમયે પણ કહ્યું હતું કે, દેશના વિકાસ છતાં નાગરિકો ભૂખના કારણે મરી રહ્યા છે અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે વધુમાં વધુ પ્રવાસી મજૂરોને રાશન મળી શકે. આ સાથે સુપ્રીમે આ કેસની વધુ સુનાવણી ૮મી ડિસેમ્બરે મુલતવી રાખી હતી.