×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં એક દિવસમાં કોરોનાના એક લાખ કેસ, મહારાષ્ટ્રમાં ૫૭ હજાર


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૪

દેશમાં કોરોના મહામારીની બીજી લહેરમાં નવા કેસમાં ગતિ આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના અનેક પ્રયાસો છતાં કોરોનાના સંક્રમણની ગતિ રોકવામાં નિષ્ફળતા મળી રહી છે. આવા સંજોગોમાં રવિવારે ફરી એક વખત કોરોનાએ દૈનિક કેસનો નવો વિક્રમ બનાવ્યો છે. રવિવારે એક જ દિવસમાં કોરોનાના એક લાખને પાર થઈ ગયા છે, જે એક દિવસમાં અત્યાર સુધીમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૨૫ કરોડ નજીક પહોંચી ગયા છે. કોરોનાના વધતા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થિતિની સમિક્ષા કરી હતી અને કોરોનાને અટકાવવા માટે ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, યોગ્ય કોવિડ વ્યવહાર અને રસીકરણની રણનીતિ પર ભાર મૂક્યો હતો. આ સાથે કોરોનાના વધુ કેસ અને મૃત્યુઆંક ધરાવતા મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તિસગઢમાં તાત્કાલિક કેન્દ્રીય ટીમો રવાના કરવાનો પણ તેમણે નિર્દેશ આપ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રવિવારે એક દિવસમાં કોરોનાના વિક્રમી એક લાખ નોંધાયા હતા, જેમાં એકલા મહારાષ્ટ્રમાં ૫૭ હજારથી વધુ કેસ નોંધાયા છે. વધુમાં રવિવારે કોરોનાથી વધુ ૫૧૩નાં મોત નીપજ્યાં હતાં. આ સાથે કુલ મૃત્યુઆંક ૧,૬૪,૬૨૩ થયો છે. દેશમાં સતત ૨૫મા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે. પરિણામે એક્ટિવ કેસ વધીને ૬,૯૧,૫૯૭ થયા છે, જે કુલ કેસમાં ૫.૫૪ ટકા જેટલા છે. આ સાથે અત્યાર સુધીમાં ૧,૧૬,૨૯,૨૮૯ દર્દીઓ સાજા થયા છે. જોકે, એક્ટિવ કેસ વધતાં રીકવરી રેટ ઘટીને ૯૩.૧૪ થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ઉમેર્યું કે, દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિ એ બાબત પરથી સમજી શકાય છે કે છેલ્લા પ૦ દિવસમાં કોરોનાના કેસમાં ૧૦ ગણો ઊછાળો આવ્યો છે. ૫૦ દિવસ પહેલાં એક દિવસમાં કોરોનાના ૯,૦૦૦ કેસ નોંધાયા હતા, જે આજે વધીને એક લાખે પહોંચી ગયા છે. આઈસીએમઆરના જણાવ્યા મુજબ રવિવારે ૧૧,૬૬,૭૧૬ ટેસ્ટ સાથે કુલ ૨૪,૮૧,૨૫,૯૦૮ લોકોના સેમ્પલ લેવાયા છે.

દરમિયાન કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થિતિની સમિક્ષા કરી હતી. કોરોના સંક્રમણ રોકવા માટે તેમણે પાંચ સૂત્રની રણનીતિ એટલે કે ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, યોગ્ય કોરોના વ્યવહાર અને રસીકરણની જરૃરિયાત પર ભાર મૂક્યો હતો. આ સાથે વડાપ્રધાને વધુ કેસ અને વધુ મૃત્યુ દર ધરાવતા રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તિસગઢ માટે તાત્કાલિક કેન્દ્રીય ટીમો રવાના કરવાનો નિર્દેશ આપ્યો છે. 

વડાપ્રધાને ૬ એપ્રિલથી ૧૪ એપ્રિલ દરમિયાન કોવિડ યોગ્ય વર્તણૂક માટે વિશેષ અભિયાનનું આયોજન કરવા જણાવ્યું છે. તેમણે મહામારી સામેની લડાઈમાં લોકોની ભાગીદારી, સમાજની સામેલગીરી પણ ખૂબ જ મહત્વની છે. પીએમ મોદીએ આરોગ્ય કેન્દ્રોને તૈયાર રાખવા નિર્દેશ આપ્યા છે.

દેશમાં કોરોનાના કુલ કેસમાંથી ૮૦ ટકા કેસ માત્ર આઠ રાજ્યોમાં નોંધાયા છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તિસગઢ, કર્ણાટક, દિલ્હી, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ,  અને ગુજરાતનો સમાવેશ થાય છે. ઉપરાંત મહારાષ્ટ્ર, છત્તિસગઢ, પંજાબ સહિત ૧૨ રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસ સતત વધી રહ્યા છે. 

દરમિયાન ભારતમાં રસીકરણ અભિયાન મુદ્દે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં ૭૮ દિવસના રસીકરણ અભિયાનમાં ૧૧,૯૯,૧૨૫ સત્રોમાં કોરોનાની રસીના કુલ ૭,૫૯,૭૯,૬૫૧ ડોઝ અપાયા છે, જેમાં ૬.૫ કરોડ (૬,૫૭,૩૯ ,૪૭૦) લોકોને પહેલો ડોઝ જ્યારે એક કરોડ (૧,૦૨,૪૦,૧૮૧) લોકોને બીજો ડોઝ અપાયો છે.