×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશભરમાં H3N2 વાયરસ ફેલાતા તાવ-શરદી-ઉધરસનો વાયરો


- હોસ્પિટલો તાવ-શરદી-ઉધરસ-કફ સહિતના કોરોના જેવા લક્ષણો ધરાવતા દર્દીઓથી ઉભરાઈ ગઈ

- કર્ણાટકમાં 26 કેસ નોંધાતા રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને નિષ્ણાતો સાથે ચર્ચા કરી: મેડિકલ સ્ટાફ માટે માસ્ક ફરજિયાત બનાવાયું

- એન્ટિબાયોટિક બિનઅસરકારક, ગભરાવાની જરૂર નથી પાંચ-સાત દિવસ સુધી અસર રહેશે : ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની સલાહ 

નવી દિલ્હી : દેશમાં વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા છે. અનેક રાજ્યોમાં ઈન્ફ્લુએન્ઝા વાયરસના ટાઈપ-એના સબ વેરિઅન્ટ એચ૩એન૨નો વ્યાપ વધતા તાવ-શરદી-ઉધરસ-કફ-ગળું બળવા સહિતના લક્ષણો સાથે સેંકડો દર્દીઓ હોસ્પિટલોમાં એડમીટ થઈ રહ્યાં છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશને લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે અને માસ્ક પહેરવાની ભલામણ પણ કરી છે. કર્ણાટકમાં આ વાયરસની સૌથી વધુ અસર જોવા મળતા રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી. એન્ટિબાયોટિક્સની ખાસ અસર આ વાયરસમાં થતી નથી, પરંતુ ઘરેલું નુસખા અને તકેદારીથી રાહત મળે છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એક્સપર્ટ્સે કહ્યું હતું કે ઈન્ફ્લુએન્ઝા વાયરસના કારણે દેશભરમાં તાવ-શરદી-ઉધરસ-કફની વ્યાપક ફરિયાદ ઉઠી છે. આમ તો દેશમાં બે-ત્રણ મહિનાથી ઈન્ફ્લુએન્ઝા વાયરસના એ સબટાઈપના વેરિઅન્ટ એચ૩એન૨ના કેસ નોંધાતા હતા. પરંતુ છેલ્લાં થોડા દિવસથી અચાનક કોરોના જેવા લક્ષણો ધરાવતા આ વાયરસના કેસ વધવા માંડયા છે. અનેક રાજ્યોમાં સેંકડો દર્દીઓએ તાવ-શરદી-ઉધરસ-કફ-ગળામાં બળતરા-કળતર વગેરેની ફરિયાદ કરીને સારવાર લીધી છે. ઘણાં રાજ્યોમાં સરકારી હોસ્પિટલો આવા લક્ષણો ધરાવતા દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. ખાનગી હોસ્પિટલો અને ડોક્ટરો પાસે પણ આવા કેસ વધ્યા છે.

જોકે, આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, માત્ર સાવધાની રાખવાની જરૂર છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના કહેવા પ્રમાણે આ તાવ અને તેના લક્ષણો પાંચ-સાત દિવસ સુધી રહેશે. એમાં એન્ટિબાયોટિક્સથી તુરંત રાહત મળતી નથી. એન્ટિબાયોટિક્સ એક રીતે બિનઅસરકારક છે. પરંતુ ઘરેલુ નુસખા અને માસ્ક સહિતની સાવધાની રાખવી જોઈએ. કોરોનામાં જેવા લક્ષણો જોવા મળતા હતા એવા જ લક્ષણો આમાં પણ દેખાય છે, છતાં તેનાથી કોઈ મોટો ખતરો નથી. ૧૫ વર્ષથી ૫૦ વર્ષની વયના લોકોમાં ખાંસી ઉપરાંત શ્વાસનળીમાં સંક્રમણના કેસ પણ જોવા મળ્યા છે.

નેશનલ સેન્ટર ફોર ડિસીઝના કહેવા પ્રમાણે કફ, શરદી અને તાવના લક્ષણો હોય તે દર્દીઓએ નજીકની હોસ્પિટલમાં તપાસ કરાવવી હિતાવહ છે. જો ૧૫ વર્ષની નીચેની વયના બાળકોમાં આવા લક્ષણો જોવા મળે તો પણ તેમની યોગ્ય સારવાર કરાવવી જોઈએ, જેથી તેનો સંભવિત ખતરો ઘટાડી શકાય.

કર્ણાટકમાં એન૩એચ૨ વાયરસના ૨૬ કેસ નોંધાતા રાજ્ય સરકારે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને સ્વાસ્થ્ય મંત્રાલય, પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. નિષ્ણાતો સાથે ચર્ચા કરીને કર્ણાટક સરકારે ગાઈડલાઈન જાહેર કરી હતી. મેડિકલ સ્ટાફ માટે માસ્ક ફરજિયાત બનાવાયું હતું. આ વાયરસની સારવાર, તેની ઓળખ, લક્ષણો વગેરે બાબતે સરકારી હોસ્પિટલને જાણકારી આપવામાં આવી હતી.

ઈન્ફ્લુએન્ઝા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ચેતવણી

ઈન્ફ્લુએન્ઝા એક પ્રકારે વાયરલ ઈન્ફેક્શન છે. વાતાવરણ બદલાય તે વખતે આ વાયરસ ફેલાય છે. ઈન્ફ્લુએન્ઝાના મુખ્ય ચાર પ્રકાર છે. એ, બી, સી અને ડી. એમાંના એ અને બીથી મોસમ પ્રમાણે ચેપી તાવ-શરદી-ઉધરસ થાય છે. જોકે, ઈન્ફ્લુએન્ઝાનો એ પ્રકારનો વેરિએન્ટ મહામારી ફેલાવી શકે એટલો શક્તિશાળી છે. ઈન્ફ્લુએન્ઝા-એના બે પેટા પ્રકારો છે. એકનું નામ છે એચ૩એન૨ અને બીજાનું નામ છે એચ૧એન૧.

ઈન્ફ્લુએન્ઝાના બી પ્રકારમાં સબ વેરિઅન્ટ હોતા નથી. એ પણ એક પ્રકારનો તાવ છે અને ઘણી વખત અમુક કેસમાં ગંભીર સાબિત થાય છે. સી ટાઈપ ખૂબ જ હળવો તાવ હોય છે. ડી ટાઈપ પશુઓમાં થાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ઈન્ફ્લુએન્ઝાના એ ટાઈપ માટે ચેતવણી આપે છે અને તેને મહામારી ફેલાવવા માટે કારણભૂત પણ ગણે છે. ડબલ્યુએચઓના કહેવા પ્રમાણે  શરદી-ખાંસી-તાવ-માથાનો દુખાવો-કળતર, થાક, સાંધાનો દુખાવો, ગળામાં ખરાશ આ વાયરસના લક્ષણો છે. સાજા થવામાં એક સપ્તાહનો સમય લાગે છે. ગર્ભવતી મહિલાઓ, પાંચ વર્ષથી નીચેના બાળકો અને ૬૫ વર્ષથી વધુ વયના વયોવૃદ્ધોને આ વાયરસથી વધારે જોખમ હોય છે. આ ચેપી વાયરસ છે. ઈન્ફ્લુએન્ઝા ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવવાથી એ થઈ શકે છે, તેથી જાહેર જગ્યાએ જવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડાં પ્રમાણે ઈન્ફ્લુએન્ઝાના દર વર્ષે ૫૦ કરોડ દર્દીઓ નોંધાય છે. એમાંથી ત્રણથી છ કરોડ લોકોને તેની ગંભીર અસર પણ થાય છે. નાની વયના દર્દીઓ કે ખૂબ જ મોટી વયના ઘણાં દર્દીઓનું આ વાયરસથી મૃત્યુ થાય છે.