×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશભરમાં કોરોનાના રોજિંદા ત્રણ લાખ કેસ, 2263 વ્યક્તિના મૃત્યુ


- કોરોના મામલે અમેરિકા કરતા પણ ભારતની સ્થિતિ વધુ ખરાબ

- મહારાષ્ટ્રમાં વધુ 67 હજાર, ઉત્તર પ્રદેશમાં 37 હજાર અને કેરળમાં દૈનિક 28 હજારથી વધુ કેસ કેસો સામે આવ્યા

- 18 વર્ષથી વધુ વયનાને મફત રસી આપનારા રાજ્યોમાં અરુણાચલ પણ સામેલ

નવી દિલ્હી : કોરોનાના કેસો ઝડપથી વધવા લાગ્યા છે. સતત ત્રીજા દિવસે દૈનિક કેસો ત્રણ લાખથી વધુ સામે આવ્યા છે. જાહેર આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૩.૩૨ લાખ કેસ સામે આવ્યા છે જે વિશ્વમાં દૈનિક કેસો મામલે એક રેકોર્ડ છે. કેમ કે કોઇ દેશમાં કોરોના મહામારી ફાટી નિકળી ત્યારથી લઇને અત્યાર સુધી આટલા દૈનિક કેસ સામે નથી આવ્યા.  ૨૪ કલાકમાં વધુ ૨૨૬૩ લોકોના મોત નિપજ્યા છે. 

દેશભરમાં કોરોનાના કુલ કેસોનો આંકડો હવે ૧.૬૨ કરોડને પાર પહોંચી ગયો છે. જ્યારે એક્ટિવ કેસ પણ વધીને હવે ૨૪ લાખે પહોંચી ગયા છે જે કુલ કેસોના ૧૫ ટકાની આસપાસ છે. બીજી તરફ કુલ મૃત્યુઆંક ૧.૮૬ લાખને પાર કરી ગયો છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહથી સ્થિતિ વધુ કફોડી બનતી જાય છે. આ ત્રણ સહિત કુલ ૧૦ રાજ્યોમાં જ દેશના કુલ કેસોના ૭૫ ટકા કેસો સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના નવા ૬૭ હજારથી વધુ કેસો સામે આવ્યા છે. 

જ્યારે બીજા ક્રમે ઉત્તર પ્રદેશ છે કે જ્યાં દૈનિક ૩૭ હજારથી વધુ કેસો નોંધાયા છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીની હરોળમાં હવે કેરળ પણ સામેલ થઇ ગયું છે. કેરળમાં એક જ દિવસમાં ૨૮૪૪૭ હજાર જેટલા નવા કેસો સામે આવ્યા છે. જે નવા મૃત્યુઆંક સામે આવ્યા છે તેમાં દિલ્હી સહિત નવ રાજ્યોના જ ૮૧.૭૯ ટકા છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીના સૌથી વધુ ૩૭,૨૩૮ કેસો સામે આવ્યા છે જ્યારે ૨૦૦ જેટલા લોકોના મોત નિપજ્યા છે. હાલ કોરોના મહામારી વકરી રહી હોવાથી રાજ્યોમાં પ્રતિબંધો પણ લગાવવામાં આવી રહ્યા છે. સાથે રસીકરણનો કાર્યક્રમ વધુ ઝડપી બનાવવામાં આવી રહ્યો છે. 

 બીજી તરફ અરુણાચલ પ્રદેશ પણ હવે ૧૮ વર્ષથી વધુ વયનાને કોરોનાની રસી ફ્રીમાં આપવા જઇ રહ્યું છે. આ અંગેનો નિર્ણય શુક્રવારની કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. અગાઉ આ જ પ્રકારનો નિર્ણય આસામ અને અન્ય કેટલાક રાજ્યો લઇ ચુક્યા છે. કેન્દ્ર સરકાર હાલ ૪૫ વર્ષથી વધુ વયનાને મફતમાં રસી આપી રહી છે. એવામાં ૪૫ વર્ષથી નીચેની વયનાને રાજ્યો મફતમાં રસી આપવાની જાહેરાતો કરી રહી છે. દૈનિક કેસોનો રેકોર્ડ અમેરિકામાં નોંધાયો હતો જ્યારે હવે આ રેકોર્ડ તોડીને ભારત એક નંબર પર આવી ગયું છે. એટલે કે કોરોના મામલે અમેરિકા કરતા પણ ભારતની સ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે.