×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશનો વિકાસ દર 8.7 ટકા સાથે પાંચ વર્ષનો સૌથી વધુ


- ઓમિક્રોન, યુદ્ધ અને વસ્તુઓના ઊંચા ભાવથી ગ્રાહક ખરીદી મંદ : જાન્યુઆરી-માર્ચમાં આર્થિક વિકાસ દર ધીમો પડી 4 ટકા

- દેશની માથાદીઠ આવક વધી રૂ.1.5 લાખને પાર : કાચામાલના ઊંચા ભાવ, અછતથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની ગાડી રીવર્સ ગીયરમાં 

- ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપે વૃદ્ધિ પામતું અર્થતંત્ર

અમદાવાદ : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે ઇંધણ, અનાજ અને અન્ય ચીજોની વૈશ્વિક અછતના કારણે વધેલા ભાવ તેમજ કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટની અસરના લીધે દેશનું અર્થતંત્ર માર્ચમાં પૂર્ણ થયેલા ચોથા ક્વાર્ટરમાં ડિસેમ્બર સામે ધીમું પડયું છે. દેશના જીડીપીનો વૃદ્ધિ દર ઓક્ટોબરથી ડિસેમ્બરમાં ૫.૪ ટકા હતો તે જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં ઘટી ૪.૧ ટકા રહે એવો અંદાજ સરકારે આજે બહાર પડયો હતો. આ ઉપરાંત, સમગ્ર નાણકીય વર્ષ ૨૦૨૧-૨૨માં વૃદ્ધિ દર ૮.૭ ટકા રહે એવી શક્યતા છે જે ફેબ્રુઆરીના અંદાજમાં ૮.૯ રહે તેવી શક્યતા હતી. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કોરોના અને લોકડાઉનના કારણે આર્થિક વૃદ્ધિ દર નેગેટીવ ૬.૬ ટકા રહ્યો હતો એટલે દેશનું અર્થતંત્ર ફરીથી વૃદ્ધિના પાટે ચડી રહ્યું છે તેમ કહી શકાય. પરંતુ, દેશમાં મોંઘવારી, વ્યાજના દર વધી રહ્યા છે અને વૈશ્વિક અર્થતંત્ર સામે પડકારો પણ વિકરાળ થઇ રહ્યા હોવાથી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં દેશનો આર્થિક વિકાસ દર નરમ પડે તેવી શક્યતા નકારી શકાય નહી. 

પાંચ વર્ષમાં સૌથી તીવ્ર વૃદ્ધિ 

ભારતનું અર્થતંત્ર કોરોનાની મહામારી ત્રાટકી એ પહેલા નોટબંધી, જીએએસટીનો અમલ અને વૈશ્વિક પરીબળના કારણે નરમ પડી રહ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં દેશનો વાસ્તવિક જીડીપી ૮.૭ ટકા અંદાજવામાં આવ્યો છે તે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઉંચો વૃદ્ધિ દર છે. આ વૃદ્ધિ દર સાથે સમગ્ર વિશ્વમાં ભારત સૌથી ઝડપે વિકસી રહેલું અર્થતંત્ર બની જશે. જોકે, ચોથા ક્વાર્ટરમાં ભારતનો વૃદ્ધિ દર ૪.૧ ટકા રહ્યો છે તેની સામે ચીનનો આ જ સમયગાળાનો વૃદ્ધિ દર ૪.૮ ટકા નોંધાયો છે. દેશમાં કુલ ઉત્પાદનમાં મૂલ્યવૃદ્ધિ (જીડીપીમાંથી કરવેરા બાદ કરીએ તો મળતો ગ્રોસ વેલ્યુ એડેડ) નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૮.૧ ટકા અંદાજીત છે જે આગલા વર્ષે ૪.૮ ટકા હતો. 

નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ (એનએસઓ)એ મંગળવારે બહાર પાડેલા ૨૦૨૧-૨૨ના વર્ષના જીડીપીના પ્રાથમિક અંદાજ અનુસાર સમગ્ર વર્ષમાં દેશનું અર્થતંત્ર ૮.૭ ટકાના સ્થિર ભાવે વધે એવી શક્યતા છે. અગાઉ, ફેબ્રુઆરીમાં આ અંદાજ ૮.૯ ટકાનો હતો. વર્તમાન ભાવે (એટલે કે મોંઘવારીની અસર સહિત) દેશનો જીડીપી ફેર્બ્રુઆરીમાં ૧૯.૬ ટકાના પ્રારંભિક અંદાજ સામે પ્રાથમિક અંદાજમાં ૧૯.૭ ટકા વધ્યો હોવાનો અંદાજ છે. 

એનએસઓના ડેટા અનુસાર વાસ્તવિક રીતે દેશનો જીડીપી ૨૦૨૦-૨૧માં રૂ.૧૩૫.૫૮ લાખ કરોડ હતો જે ૨૦૨૧-૨૨માં વધી રૂ.૧૪૭.૩૬ લાખ અંદાજવામાં આવ્યો છે. વર્તમાન ભાવે દેશનો જીડીપી ૨૦૨૦-૨૧માં રૂ.૧૯૮.૦૧ લાખ કરોડ હતો જે હવે વધી રૂ.૨૩૬.૬૫ લાખ કરોડ અંદાજીત છે. 

મોંઘવારીની અસર જોવા મળી 

દેશના આર્થિક વિકાસ ઉપર મોંઘવારીની અસર સપ્ટેમ્બર અને ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘટી હતી જે હવે ફરી વધવી શરુ થઇ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ઇકોનોમિક રીસર્ચ ગ્રુપ અનુસાર  મોંઘવારીના લીધે જીડીપી ઉપર ચોથા ક્વાર્ટરમાં ૧૦.૪ ટકાની અસર જોવા મળી હતી જે આગલા ક્વાર્ટરમાં ૯.૮ ટકા હતી. 

દેશમાં જથ્થાબંધ ભાવાંક દસ વર્ષની સૌથી ઉંચી સપાટીએ છે ત્યારે દેશની જીડીપી વૃદ્ધિ કરતા કરવેરાની આવક વધારે ઝડપથી વધી રહી છે. આ દર્શાવે છે કે જીડીપી ઉપર ચોક્કસ પણે મોંઘવારીની અસર જોવા મળી રહી છે. વર્તમાન ભાવે ૧૯.૭ ટકા જીડીપી વૃદ્ધિ સામે ચીજવસ્તુઓ ઉપર ટેક્સની વૃદ્ધિ ૩૨.૮ ટકા જોવા મળી રહી છે. આ ઉપરાંત, મોંઘવારી અને ઊંચા ભાવના કારણે ગ્રાહકોની ખરીદી ઉપર પણ અસર જોવા મળી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ગ્રાહક ખરીદીનો હિસ્સો કુલ જીડીપીમાં ૫૭.૩ ટકા હતો જે ૨૦૨૧-૨૨માં ઘટી ૫૬.૯ ટકા રહ્યો હોવાનું એનએસઓ જણાવે છે.  વાસ્તવિક વૃદ્ધિ અને વર્તમાન ભાવે વૃદ્ધિમાં જે ઉંચો તફાવત છે તે દર્શાવે છે કે મોંઘવારી એક મોટો પડકાર છે. જીડીપીના આંકડામાં ગ્રાહકોનો ખર્ચ જોઈએ તો ચોથા ક્વાર્ટરમાં તેમાં માત્ર ૧.૮ ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે તેમજ ગ્રાહકોની ખરીદી એપ્રિલ ૨૦૨૧ના ક્વાર્ટરથી સતત ઘટી રહી છે. 

માથાદીઠ આવક રૂ.1,50,000 થઇ

દેશના દરેક નાગરિકની માથાદીઠ આવક ગત વર્ષે રૂ.૧,૨૬,૮૫૫ હતી જે ૨૦૨૧-૨૨માં ૧૮.૩ ટકા વધી રૂ.૧,૫૦,૦૦૭ થઇ ગઈ છે. જોકે, મોંઘવારીની અસરને બાદ કરતા સ્થિર ભાવે માથાદીઠ આવક ગત વર્ષ કરતા ૭.૫ ટકા વધી રૂ.૯૧,૪૮૧ થઇ છે.

મેન્યુફેક્ચરિંગનો નબળો દેખાવ

જથ્થાબંધ ભાવાંકમાં કાચામાલની અછત, ઊંચા ભાવ અને કેટલીક ચીજોમાં પરિવહન માટે તકલીફથી ચોથા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વૃદ્ધિ અટકી ગઈ છે. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ વૃદ્ધિ નેગેટીવ ૦.૨ ટકા જોવા મળી છે. દેશમાં એપ્રિલ અને મે ૨૦૨૧માં કોરોનાની બીજી લહેર પછી ઉત્પાદન ક્ષેત્રની ગાડી ફરી પાટે ચડી રહી હતી. જુલાઈથી સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વૃદ્ધિ ૫.૬ ટકા જોવા મળી હતી તે ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘટી ૦.૩ ટકા અને માર્ચ ક્વાર્ટરમાં નેગેટીવ ૦.૨૫ ટકા રહી છે. ઉત્પાદન ક્ષેત્ર સામે દેશમાં કૃષિ, માઈનીંગ, ટ્રેડ હોટેલ્સ જેવા ક્ષેત્રો ફરીથી ધમધમી રહ્યા છે.

કરની આવક વધતા 2021-22ની નાણા ખાધ અંદાજ કરતા ઓછી રહી

નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના સુધારેલા અંદાજ કરતા કેન્દ્ર સરકારની નાણા ખાધ સુધરી છે. કેન્દ્રના બજેટમાં ફિસ્કલ ડેફીસીટ દેશના કુલ જીડીપીના ૬.૯ ટકા રહેવા ધારણા હતી પણ સરકારની કરવેરાની આવક ઉંચી આવતા તે હવે ૬.૭૧ ટકા રહી હોવાનું કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટસના મંગળવારે જાહેર થયેલા આંકડામાં જણાવાયું છે. 

કેન્દ્રના અંદાજ અનુસાર ખાધ રૂ.૧૫,૯૧,૦૮૯ ક્રોદ્દ રહેવાની ધારણા હતી જે જાહેર થયેલા સરકારના પ્રાથમિક આવક અને ખર્ચના આંકડા અનુસાર હવે રૂ.૧૫,૮૬,૫૩૭ કરોડ છે. કેન્દ્ર સરકારે કરની આવક રૂ.૧૭.૬૫ લાખ અંદાજી હતી તેની સામે આવક રૂ.૧૮.૨ લાખ કરોડ રહી હતી. સામે સરકારનો ખર્ચ રૂ.૩૭.૭ લાખ કરોડના અંદાજ સામે રૂ.૩૭.૯૪ લાખ કરોડ રહ્યો છે.

દરમિયાન, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમ મહિનામાં એટલે કે એપ્રિલમાં કેન્દ્રની નાણા ખાધ ૪.૫ ટકા રહી છે જે ગત વર્ષે ૫.૨ ટકા હતી. સમગ્ર વર્ષ માટે કેન્દ્ર સરકાર જીડીપીના ૬.૪ ટકા કે રૂ.૧૬.૬૧ લાખ કરોડની ખાધ રહે એવો અંદાજ મૂકી રહી છે. 

કોલસા, વીજળીના ટેકાથી કોર સેક્ટર ઉત્પાદન છ મહિનામાં સૌથી વધુ

દેશના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયે જાહેર કરેલા સત્તાવાર આંકડા અનુસાર દેશના પાયાના ઉદ્યોગો (કોર સેક્ટર)નો એપ્રિલ મહિનાનો વૃદ્ધિ દર ૮.૪ ટકા રહ્યો હતો જે છેલ્લા છ મહિનાની સૌથી ઉંચી સપાટી છે. એપ્રિલ ૨૦૨૦માં લોકડાઉનના કારણે ઉદ્યોગો બંધ હતા એટલે એપ્રિલ ૨૦૨૧માં વૃદ્ધિ દર ૬૨.૬ ટકા જેટલો ઉંચો જોવા મળ્યો હતો. કોર સેક્ટરમાં કુલ આઠ જેટલા ઉદ્યોગોનો સમાવેશ થાય છે તેમાંથી છમાં વૃદ્ધિ જોવા મળી છે. કોલસા અને વીજળી ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિના કારણે એપ્રિલ ૨૦૨૨માં વૃદ્ધિ દર ઉંચી જોવા મળી રહ્યો છે. 

કોલસાનું ઉત્પાદન એપ્રિલ ૨૦૨૨માં ૨૮.૮ ટકા, વીજળી ઉત્પાદન ૧૦.૭ ટકા, ફર્ટીલાઈઝર ૮.૭ ટકા, ક્ડ ઓઈલ રીફાઇનીંગ ૯ ટકા વધ્યા હતા. જોકે, સ્ટીલના ઉત્પાદનમાં ૦.૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

વિવિધ ક્ષેત્રોનો વિકાસદર ટકામાં

વિવિધ ક્ષેત્રો

૨૦૨૧-૨૨

જાન્યુઆરી- માર્ચ કર્વાટર

કૃષિ

૪.૧

માઇનિંગ

૧૧.૫

૬.૭

મેન્યુફેક્ચરિંગ

૯.૯

-૦.૨૫

વીજળી, ગેસ

૭.૫

૪.૫

બાંધકામ

૧૧.૫

૨.૦

વેપાર, હોટેલ્સ

૧૧.૧

૫.૩

ફાઇનાન્સ,રિયલ્ટી

૪.૨

૪.૩

જાહેર વહીવટી

૧૨.૬

૭.૭