×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશની તમામ સૈનિક શાળાઓમાં દીકરીઓ પણ ભણશે, સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાનનો નિર્ણય


- 2-2.5 વર્ષ પહેલા પહેલી વખત મિઝોરમની એક સૈનિક શાળામાં દીકરીઓને પ્રવેશ આપવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો

નવી દિલ્હી, તા. 15 ઓગષ્ટ, 2021, રવિવાર

ભારત આજે પોતાની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન વડાપ્રધાને શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય લઈને જણાવ્યું કે, હવે દેશની તમામ સૈનિક શાળાઓને દેશની દીકરીઓ માટે પણ ખોલી દેવામાં આવશે. 

વડાપ્રધાને જણાવ્યું કે, 'આજે હું દેશવાસીઓ સાથે એક ખુશી વહેંચી રહ્યો છું. મને લાખો દીકરીઓનો મેસેજ મળતો હતો કે, તેઓ પણ સૈનિક શાળામાં ભણવા ઈચ્છે છે. તેમના માટે પણ સૈનિક શાળાઓના દરવાજા ખોલવામાં આવે. 2-2.5 વર્ષ પહેલા પહેલી વખત મિઝોરમની એક સૈનિક શાળામાં દીકરીઓને પ્રવેશ આપવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.'

નવી શિક્ષણ નીતિ અંગે શું કહ્યું

વડાપ્રધાને જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિ ગરીબી વિરૂદ્ધ લડવા માટે બનાવવામાં આવી છે. ભાષાના કારણે ટેલેન્ટ પાંજરામાં પુરાયેલી હતી. આજે દેશ પાસે 21મી સદીની જરૂરિયાતો પૂરી કરનારી નવી 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ' પણ છે. જ્યારે ગરીબની દીકરી, ગરીબનો દીકરો માતૃભાષામાં ભણીને પ્રોફેશ્નલ્સ બનશે ત્યારે તેમના સામર્થ્ય સાથે ન્યાય થશે. હું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ગરીબી સામેની લડાઈનું સાધન માનું છું. 

સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી- ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર

વડાપ્રધાને જણાવ્યું કે, લદ્દાખ પણ વિકાસની પોતાની અસીમ સંભાવનાઓની દિશામાં આગળ વધી રહ્યું છે. એક બાજુ લદ્દાખ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું જોઈ રહ્યું છે તો બીજી બાજુ 'સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી' લદ્દાખને ઉચ્ચ શિક્ષણ માટેનું કેન્દ્ર પણ બનાવી રહી છે. સિંધુ નદીના નામ પર ખુલનારા આ વિશ્વવિદ્યાલય માટે કેન્દ્ર સરકારે બિલ પાસ કરાવી લીધું છે. ગુરૂવારે લોકસભામાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સંશોધન) બિલ, 2021 રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સંઘ રાજ્ય ક્ષેત્ર લદ્દાખમાં એક કેન્દ્રીય વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવાની જોગવાઈ છે.